ઈનફોર્મેશન કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) નો ઉપયોગ કરીને નાગરિકોને સુચારુ રીતે સરકારી સેવાઓ ઉપલબ્ધ બનાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલયને પ્રતિષ્ઠિત ઈ-ઈંડિયા એવોર્ડ 2011 એનાયત કરવામાં આવ્યો છે. એક બાદ એક એવોર્ડની હારમાળા આગળ ધપાવતા મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય ખાતે કાર્યરત ‘eGov strategies and ICT enabled initiatives’ માટે આ ગવર્મેંટ ટુ સિટિઝન (G2C) એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો છે.
ICT નાં ઉપયોગ દ્વારા સિમાચિન્હરૂપ પહેલ કરવા બદલ ખાનગી અને સરકારી એકમોને આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આઈ.સી.ટી નાં ઉપયોગ થકી નાગરિકોનાં જીવનમાં મોટું પરિવર્તન લાવે તેવી સેવાઓને આ એવોર્ડમાં પ્રાધાન્ય આપવામાં આવે છે.
પાછલાં થોડા સમય દરમ્યાન મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલયને આઈ.સી.ટી આધારિત સેવાઓ બદલ સંખ્યાબંધ એવોર્ડ મળ્યા છે. હજી થોડા સપ્તાહ પહેલાં જ મુખ્યમંત્રી કાર્યાલયને CSI Nihilent તરફથી ‘એવોર્ડ ઓફ એક્સેલેંસ’ નો ઈ-ગવર્નેંસ એવોર્ડ મળ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીનાં સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમને સંયુક્ત રાષ્ટ્નો પબ્લિક સર્વિસ એવોર્ડ મળી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે સરકારી સેવાઓની ઉપલબ્ધિ કરાવવામાં ઈંફોર્મેશન ટેક્નોલોજીનાં મહત્તમ ઉપયોગ પર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઘણો ભાર મુકે છે. તેઓ પોતે પણ પોતાના વિચારો અને મંતવ્યો રજુ કરવા માટે ઈંટરનેટ પર સોશિયલ નેટવર્ક સાઈટ્સનો ભરપૂર ઉપયોગ કરે છે.
તેઓ પોતાનો બ્લોગ ધરાવે છે અને ટ્વીટર અને ફેસબુક જેવા માધ્યમોનો પણ સુપેરે ઉપયોગ કરી જાણે છે. મેશેબલ એવોર્ડ અંતર્ગત ‘મસ્ટ ફોલો પોલિટિશિયન ઓન સોશિયલ મિડિયા’ એવોર્ડ માટે નામાંકન પામનાર તેઓ ભારતનાં એકમાત્ર રાજનેતા છે.