રાષ્ટ્રીય ગરિમા અને ભારતવાસીઓની જનઆકાંક્ષા પરિપૂર્ણ થશે
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે થયેલી પસંદગીને સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિશ્રી વી. આર. ક્રિષ્ણા ઐયરે આવકારદાયક અને સમયસરની ગણાવી છે.
મુખ્યમંત્રીશ્રીને જન્મદિવસની શુભકામના માટે પાઠવેલા પત્રમાં નિવૃત્ત ન્યાયાધિશ શ્રી ક્રિષ્ણ ઐયરે જણાવ્યું છે કે, પોતે રાજકારણ સાથે કોઇ સંબંધ ધરાવતા ન હોવા છતાં વ્યકિતગત ધોરણે આ પસંદગીને આવક આવકારે છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને સકારાત્મક રાષ્ટ્રીયતાના ગૂણોસભર અનેે વૈશ્વિક પરિમાણ ધરાવનારા ગણાવ્યા છે.
જસ્ટિસ ક્રિષ્ણા ઐયરે પત્રમાં દેશમાં એકમાત્ર ગુજરાતે સૌથી મોટા પાયા ઉપર સૌર ઊર્જાનો વિનિયોગ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સોલાર સ્ટેટ બનાવ્યું છે તેની પણ પ્રસંશા કરી છે. મહાત્મા ગાંધીના અને સંવિધાનના આદર્શો અનુરૂપ દારૂબંધીના વિચારોને ચુસ્તપણે અનુસરીને એકમાત્ર ગુજરાતે જ દારૂબંધીનો અમલ કર્યો છે. ગુજરાતના જાહેરજીવનમાં ભ્રષ્ટાચાર નેસ્તનાબૂદ થયો છે. આ બધાં સતકાર્યો માટે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા થવી જ જોઇએ એમ તેમણે જણાવ્યું છે.
શ્રી કૃષ્ણા ઐયરે મુખ્યમંત્રીશ્રીના પ્રશાસનિક કૌશલ્યને રાષ્ટ્રીય સમર્થન મળી રહયું છે તેમ જણાવી ભારતના ભાવિ પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્વરાજના મહાન સિધ્ધાંતોને ચરિતાર્થ કરશે અને દેશમાંથી ગરીબી દૂર કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
શ્રી કૃષ્ણ ઐયરે જણાવ્યું છે કે, હું સમાજવાદી તરીકેની પ્રતિબધ્ધતા ધરાવુ છું અને શ્રી નરેન્દ્રભાઇ મોદીને એટલા માટે સમર્થન આપું છું કે તેઓ પણ સમાજવાદી છે અને માનવીય મૂલ્યો અને હકકોના રક્ષણ તેમજ ભારતમાં બંધુત્વ, ન્યાય, સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે ગાંધીમૂલ્યોના સંવર્ધનકર્તા રહયા છે.
શ્રી કૃષ્ણ ઐયરે મુખ્યમંત્રીશ્રીને તેમના જન્મદિવસે જનતા જનાર્દન તરફથી મળેલા પ્રેમ, આશિષ અને સન્માનને સર્વોચ્ચ શિખર સમાન ગણાવતાં એમ પણ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી પદ તરીકે તેઓ રાષ્ટ્રીય ગરિમા અને ભારતના લોકોની આશા-આકાંક્ષાઓને પરિપૂર્ણ કરશે.