રમશે ગુજરાત જીતશે ગુજરાતના સંકલ્પનો સાક્ષાત્કાર
ખેલ મહાકુંભઃ ર૦૧ર-૧૩નો શાનદાર પ્રારંભ
વિજેતા ખેલાડીઓને અપાશે રૂા. રપ કરોડના ખેલ પુરસ્કાર
સમાજમાં યશસ્વી ખેલાડીઓને ગૌરવ-પ્રતિષ્ઠા મળે તેવું વાતાવરણ સર્જીએ
ગુજરાતના ખેલાડીઓ રમતની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ નવા વિક્રમો સર્જશે
હાંશિયામાં ધકેલાઇ ગયેલી રમત પ્રવૃત્તિ ને સમાજના મુખ્ય પ્રવાહમાં પ્રતિષ્ઠા અપાવી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વિરાટ રમતોત્સવ-ખેલ મહાકુંભ : ર૦૧ર-૧૩નો આજે સુરતમાં શાનદાર વિધિવત પ્રારંભ કરાવતાં એવો નિર્ધાર વ્યકત કર્યો હતો કે ખેલ મહાકુંભના કારણે ગુજરાતની રમત પ્રવૃત્તિને આગવી પ્રતિષ્ઠા મળી છે અને ગુજરાતની નવી પેઢીમાંથી દેશને ગૌરવ અપાવે એવા યશસ્વી ખેલાડીઓ નવા વિક્રમો સર્જશે. મુખ્યમંત્રીશ્રીએ રમતોમાં યશ અપાવનારા ખેલાડીઓને પણ સમાજમાં પ્રતિષ્ઠા અને ગૌરવ દરજજો મળે તેવું વાતાવરણ ઉભૂં કરવા અનુરોધ કર્યો હતો.
ગુજરાતના સ્વર્ણિમ જ્યંતી અવસરે શરૂ થયેલું રમત-ગમતનું આ અનોખું અભિયાન આજે વિરાટ રમતોત્સવમાં વિકસ્યું છે. શ્નરમશે ગુજરાત-જીતશે ગુજરાતઙ્ખનો સંકલ્પ અને ખેલકૂદ ક્ષેત્રે પણ ગુજરાતની આન-બાન-શાનનું ગૌરવ થાય એવો ખેલ મહાકુંભ આજથી રાજ્યભરમાં શરૂ થયો છે. એક લાખ જેટલા શારીરિક અશકત પણ ખેલકૂદની આંતરિક ઊર્જાથી થનગનતા વિકલાંગ સહિત રપ લાખ લોકોએ ખેલ-મહાકુંભની ર૧ રમતોમાં ભાગ લેવાની તમન્ના દાખવી છે.
આજથી શરૂ થયેલો આ વિરાટ રમતોત્સવ તા. ૧૧મી ફેબ્રુઆરી સુધી રમતના મેદાનમાં ગુજરાતની ખેલદિલીની ભાવનાની અનુભૂતિ કરાવશે. મુખ્યમંત્રીશ્રીએ પ્રતિષ્ઠિત રમતવીરો દ્વારા પ્રજવલિત મશાલ જયોતનું સ્વાગત કર્યું હતું અને જિલ્લાવાર ખેલાડીઓની માર્ચ-પાસ્ટનું અભિવાદન કર્યું હતું. શિયાળાની ખુશનુમા સવારે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિશાળ પટાંગણમાં ખેલમહાકુંભના થીમ-સોંગ સાથે ગુજરાતની રમતવીરોની સામૂહિક શકિતનો સાક્ષાત્કાર થયો હતો. નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ અને ઉમંગ-ઉત્સાહથી છલકતી યુવા પેઢીએ ખેલમહાકુંભને રંગારંગ મહોત્સવમાં બદલી નાંખ્યો હતો.
ખેલકૂદ પ્રવૃત્તિઓને ઉદાસિનતા, ઉપેક્ષામાંથી બહાર લાવવાના ત્રણ જ વર્ષના ટૂંકાગાળાના પ્રોત્સાહક પ્રયાસો અને ખેલમહાકુંભના ત્રણ અભિયાનોથી ગુજરાતે આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ખેલકૂદ સમાજની સહજ પ્રવૃતિ હોય, યુવા પેઢીની શારીરિક માનસિકતાનો જોમજૂસ્સો હોય અને રાજ્યનું ગૌરવ ધરેણું હોય એવું વાતાવરણ ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતમાં ભૂતકાળમાં થયું નહોતું.
ખેલમહાકુંભ દ્વારા અગાઉના વર્ષોમાં હાંસિયામાં ધકેલાઇ ગયેલી રમત-પ્રવૃત્તિઓને સરકારની મુખ્ય પ્રવૃત્તિઓના પ્રવાહમાં ભૂતકાળના ખેલોના રેકોર્ડ નવા સ્થાપવાનો ઉત્સાહ જાગ્યો છે એ દિવસ દૂર નહીં હોય જ્યારે ગુજરાતના રમતવીરો દેશના રમતોના વિક્રમો પણ સર્જશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો. યુવાપેઢી-નવી પેઢીમાં અભ્યાસ અને શિક્ષણમાં તેજસ્વી વિઘાર્થીઓને જેવો માન-મરતબો સમાજમાં મળે છે એવો જ માન-મોભો યશસ્વી ખેલાડીઓને મળવો જોઇએ. આ દિશામાં ગુજરાત સરકારે ખેલાડીઓને ગૌરવ મળે એવું વાતાવરણ ઊભું કર્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ગુજરાત સરકારે ગયા વર્ષે સ્વામિ વિવેકાનંદની ૧પ૦ મી જયંતીનું વર્ષ યુવાશકિત વર્ષ તરીકે ગુજરાતે ઉજવ્યું. આ વર્ષ ભારત સરકારે ૧પ૦મી વિવેકાનંદ જયંતી ઉજવવાનું નકકી કર્યું છે તેમાં ગુજરાત સહભાગી બનશે અને ગામે ગામ વિવેકાનંદ યુવા કેન્દ્રો યુવાશકિતના ઊર્જા-ચેતના કેન્દ્રો બનશે તેવી મુખ્યમંત્રીશ્રીએ નેમ વ્યકત કરી હતી
સમગ્રતયા તંદુરસ્ત અને ખેલદિલીના વાતાવરણમાં કોઇને હરાવવા કે પરાસ્ત કરવા નહીં, પરંતુ સમગ્ર ગુજરાત રમતના મેદાનમાં જીતવાની ભાવના સાથે ખેલમહાકુંભ ઉજવે એવું વાતાવરણ સર્જવા તેમણે અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ચુસ્તી અને સ્ફૂર્તિથી આખું ગુજરાત રમતના મેદાનમાં ખેલદિલીની ભાવનાનું જીવંત ઉદાહરણ બને અને સમાજજીવનમાં ખેલદિલી સહજ સ્વભાવ બને તે માટે આહ્વાન કર્યું હતું.
ખેલમહાકુંભમાં ભાગ લેનારા રપ લાખ નાગરિકોમાં સાત લાખ તો મહિલા ખેલાડીઓ છે જે નારીશકિતનું ગૌરવ કરાવે તેવી ધટના છે. જેઓ શારીરિક વિકલાંગ છે તેવા વિશેષ શકિત ધરાવતા એક લાખ બાળકોને ખેલકૂદમાં પ્રોત્સાહિત કરવાનું કૌશલ્ય ગુજરાતે ઉભૂં કર્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ તમામ ખેલાડીઓ, મહિલા ખેલાડીઓ અને વિશેષ શકિત ધરાવતા વિકલાંગ ખેલાડીઓને અને તેમના પરિવારોને અભિનંદન આપ્યા હતા.
ર૦૧રનો રમતોત્સવ ખેલ મહાકુંભ ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-ર૦૧૩માં કરવો પડયો, પરંતુ ર૦૧૩નો ખેલમહાકુંભ પણ આ વર્ષમાં જ યોજાશે એવી ઉત્સાહ સર્જતી જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી હતી. સુરત ખાતે યોજાયેલા ર૦૧રના ખેલ મહાકુંભના ઉદ્દધાટન પ્રસંગમાં સ્વાગત પ્રવચન કરતા રાજ્યના રમત-ગમત મંત્રીશ્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં યોજાનારા ખેલ મહાકુંભમાં રપ.પ૦ લાખ યુવા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું છે. રાજ્યભરમાંથી ગામડાથી માંડીને મોટા શહેરોના યુવાધને મોટી સંખ્યામાં ભાગ લેશે. આમ સમગ્ર રાજ્યના યુવાધનમાં રમત ક્ષેત્રે જોમ અને જુસ્સાનું સિંચન થયું છે. સુરતની સ્વીમીંગની પ્રખ્યાત ખેલાડી પૂજા ચૌરૂચીએ પ્રતિજ્ઞા પત્રનું વાંચન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણમંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, રાજ્યના ગૃહરાજ્યમંત્રીશ્રી રજનીભાઇ પટેલ, પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી નાનુભાઇ વાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ, સાંસદશ્રી દર્શનાબેન જરદોશ, શહેરના મેયરશ્રી રાજેન્દ્રભાઇ દેસાઇ, ધારાસભ્ય સર્વશ્રી મંગુભાઇ પટેલ, કિશોરભાઇ વાંકાવાલા, કિશોરભાઇ કાનાણી, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, હર્ષ સંધવી, શ્રીમતી સંગીતાબેન પાટીલ, રણજીતભાઇ ગીલીટવાલા, અજયભાઇ ચોકસી, મોહનભાઇ ઢોડીયા, રમત-ગમત સાંસ્કૃતિ પ્રવૃતિઓ વિભાગના સચિવશ્રી ભાગ્યેશ જહા, સ્પોર્ટસ ઓથોરીટીના ડાયરેકટર જનરલ શ્રી વિકાસ સહાય તેમજ મ્યુ. કમિશનરશ્રી એમ. કે. દાસ, જિલ્લા કલેકટરશ્રી જયપ્રકાશ શિવહરે તેમજ મોટીસંખ્યામાં રાજ્યભરના રમતવીરો ઉપસ્થિત રહયા હતા.