- કૃષિ મહોત્સવનું અભિયાન પૂર્ણ
- એક કરોડથી વધારે ગ્રામજનોએ કૃષિ ક્રાંતિનો સંદેશ મેળવ્યો
- સમગ્ર દેશમાં કૃષિ મહોત્સવે ગુજરાતની કૃષિ ક્રાંતિનું ગૌરવ અપાવ્યું
- રપ દિવસમાં જ ૧પ.૧૭ લાખ ખેડૂતોને વિવિધ કૃષિ સહાય પેટે રૂ. ૭ર૦ કરોડ વિતરણ
- મુખ્ય મંત્રીશ્રીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતભરના ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો
તેમણે જાહેર કર્યું કે, આઠમા કૃષિ મહોત્સવમાં રપ દિવસમાં જ ૧પ.૧૭ લાખ ખેડૂતોની કૃષિ વિષયક વિવિધ સહાયરૂપે રૂ. ૭ર૦ કરોડનું વિતરણ થયું છે.
૬ઠ્ઠી મે થી ગુજરાતમાં શરૂ થયેલા કૃષિ મહોત્સવ અને પશુ આરોગ્ય મેળાના અભિયાનમાં રરપ તાલુકામાં મળીને ૪૩૯૭ ગામોમાં કૃષિરથ પહોંચ્યા હતા અને એક કરોડ કરતાં વધારે ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામ પરિવારોએ આધુનિક ખેતી અને વૈજ્ઞાનિક પશુપાલનમાં નવી તરાહની હરિયાળી ક્રાંતિ માટેનો સંદેશો ઝીલ્યો હતો.
લગભગ એક મહિનાની અથાક પરિશ્રમ યાત્રા દરમિયાન એક લાખ કૃષિ કર્મીઓ અને વૈજ્ઞાનિકો ખૂણેખૂણે પહોંચ્યા હતા. પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિના ઋષિ એવા સફળ પ્રયોગશીલ ખેડૂતો એમાં જોડાયા હતા. એક અર્થમાં કૃષિ મહોત્સવ હરતીફરતી કૃષિ યુનિવર્સિટી બની ગયો હતો એની સાથોસાથ રાજય સરકારની બધી જ કૃષિલક્ષી યોજનાઓના લાભો ખેડૂતોને પહોંચી શકયા છે.
કૃષિ મહોત્સવની સફળતાનું શ્રેય રાજ્યમાં કાળી મજૂરી કરતા લાખો ખેડૂતોને આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતને કૃષિ ક્ષેત્રે પરિવર્તનનું ગૌરવ અપાવવામાં ખેડૂતો અને પશુપાલકોએ દીલ દઇને આ સરકાર ઉપર ભરોસો મુકયો તેનું આ પરિણામ છે.
પશુ આરોગ્ય મેળાને કૃષિ મહોત્સવ સાથે જોડવાથી કૃષિ-પશુપાલન બંને ક્ષેત્રને ખૂબ મોટો લાભ મળ્યો છે એટલું જ નહીં, આ વર્ષે ૪૪૦૦ જેટલી તાલુકા પંચાયત બેઠક દીઠ એક એમ ૪૪૦૦ કૃષિરથ આખો દિવસ કલસ્ટર-વિલેજમાં રહીને લાખો ખેડૂતોને લાભ આપ્યો છે.
રોજ સાંજે સાડા છ વાગે વિડીયો કોન્ફરન્સ નિયમિત યોજીને લાખો ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો તેનો ઉલ્લેખ કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, એક જ મહિનામાં એક કરોડ ગ્રામ નાગરિકોને કૃષિ અને પશુપાલન વિષયો ઉપર વાત કરવાની આ ઐતિહાસિક ધટનાનો જોટો જડે એમ નથી.
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, રાજ્યની યોજનાશક્તિ અને માનવશક્તિનો મહત્તમ સુયોગ થયો છે એના કારણે કોઇ તાલુકો એવો નથી કે પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતો ના હોય. ૧૦,૦૦૦ જેટલા સફળ પ્રગતિશીલ ખેડૂતો અને પ૬રર કૃષિના ઋષિ કૃષિ મહોત્સવના પ્રાણતત્ત્વ બની રહ્યા છે.
રાજ્યના બધા જ ગામોને આવરી લઇને જમીનને સૂક્ષ્મપોષક તત્ત્વોના સર્વેનું ભગીરથ કામ હાથ ધર્યું છે અને ૯૦૦૦ ગામોમાં પૂર્ણતાને આરે છે એમ તેમણે જાહેર કર્યું હતું.
કૃષિ મહોત્સવ દરમિયાન ૧૧,૦૦૦ ટ્રેકટરો નવા ખરીદવાની અને ૩૪,૦૦૦ રોટાવેટર ખરીદવાની ખેડૂતોને સહાય અપાઇ છે, એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ જમીનોના સાડાત્રણ લાખ નમૂના લઇને પોણા ત્રણ લાખ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ થયું. ૪૧૭પ જેટલા પશુઆરોગ્ય મેળામાં ૪૦ લાખ પશુઓનું રસીકરણ અને સાડા ચાર લાખ પશુઓની સારવાર, શસ્ત્રક્રિયા કરીને જીવદયાનું વિરાટ કામ પણ થયું છે. નાના-સિમાંત ખેડૂતો અને આદિવાસી ખેડૂતો સહિત આદિવાસી બહેનોએ બિયારણ ઉત્પાદનની પહેલ કરી છે તેની વિગતો આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ભરઉનાળે આટલો પરિશ્રમ કરીને આખી સરકારે કૃષિ અને પશુપાલનના વિકાસને આર્થિક સદ્ધરતા આપી છે એટલું જ નહીં, જળસંગ્રહ માટે ૬૪રપ ગામ તળાવો, પ૦,૬૪૧ ખેત તલાવડી અને ૯૬૪૪ સીમ તળાવોનું નિર્માણ કર્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં કૃષિ મહોત્સવ માટે જહેમત ઉઠાવનારા સરકારીતંત્ર અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને અભિનંદન આપતાં જણાવ્યું કે, કૃષિ કીટ્સ, બાગાયત કીટ્સ અને પશુપાલન કીટ્સ મળી પોણા ચાર લાખ કીટ-સાધનોનું વિતરણ આ રપ દિવસમાં જ થયું છે.
ઓછા ખર્ચે, મર્યાદિત જમીનમાં મબલખ ઉત્પાદન અને ટપક સિંચાઇ દ્વારા આખા ગુજરાતને આવરી લઇને દેશમાં વિક્રમ સર્જે એવું આહ્વાન મુખ્ય મંત્રીશ્રીએ આપ્યું હતું.
આ ચોમાસું પણ ઉત્તમ જશે અને ખેડૂતની ખેતીમાં લીલાલહેર થશે એવો અપાર વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો