વ્હાલા નાગરિક ભાઇઓ અને બહેનો..
સાદર પ્રણામ.ગઇ કાલે આપણા દેશની સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨ના ગુજરાતના કોમી હુલ્લડો સંબંધે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
દેશમાં સહુકોઇ પોતપોતાની રીતે આ ચુકાદાના અર્થ કરી રહ્યા છે. રાજકીય નીરિક્ષકો માટે ચુકાદાનો એક અર્થ છે, તો કાનૂનવિદો માટે અર્થ જુદો છે. કોઇ તેને જીત તો કોઇ તેને હારના સ્વરૂપે મૂલવે છે. સહુના પોતપોતાના દૃષ્ટિકોણ છે.
સર્વોચ્ચ અદાલતના ચુકાદાને કારણે એક વાત સ્પષ્ટ થઇ છે. સને ૨૦૦૨ પછી વ્યક્તિગત મારા ઉપર અને ગુજરાત સરકાર ઉપર મન ફાવે તેવા જુઠા આક્ષેપો થતા રહ્યા, ગંભીર પ્રકારના આરોપો થતા રહ્યા; આ બધાં જુઠાણાના દુષિત વાતાવરણનો અંત આવ્યો છે.
લગભગ દશ વર્ષ સુધી ગુજરાતને અને મને બદનામ કરવાની ફેશન થઇ ગઇ હતી. ગુજરાતની કોઇ પણ સારી વાત સહન ન કરી શકતાં આવાં તત્ત્વો ગુજરાતને બદનામ કરવાની એક પણ તક જતી નહોતા કરતાં. સર્વોચ્ચ અદાલતના આ ચુકાદા પછી પણ ગુજરાતને બદનામ કરવાનું બંધ થશે કે કેમ ? તે કહેવું મુશ્કેલ છે. પરંતુ એક વાત નક્કી છે કે જુઠાણા ફેલાવનારાં, ગુજરાતને બદનામ કરનારાં તત્ત્વોની વિશ્વસનિયતા પણ હવે તળિયે ગઇ છે.
દેશની જનતા હવે આવાં તત્વોની કોઇ પણ વાત ઉપર વિશ્વાસ કરશે નહીં.. વ્હાલા નાગરિકો... સને ૨૦૦૨ની ધટના પછી અપપ્રચાર, જુઠાણાં, ષડ્યંત્રો, આરોપો વચ્ચે પણ ગુજરાતે સ્વસ્થતાપૂર્ણ શાંતિ, સદ્ભાવના અને વિકાસના માર્ગે પૂરઝડપે આગળ ધપવામાં કોઇ કસર નથી રાખી.
"છ કરોડ ગુજરાતી' - આ માત્ર શબ્દ નહીં પરંતુ એકતા અને પુરુષાર્થનો મંત્ર બની ગયો છે. ગુજરાતના દરેક નાગરિકે શાંતિ - સદ્ભાવ અને વિકાસના મહત્ત્વને પચાવી બતાવ્યું છે. ભૂતકાળમાં ક્યારેય ન અનુભવ્યો હોય તેવો શાંતિ અને સદ્ભાવનો માહોલ છેલ્લા એક દશકમાં ગુજરાતે અનુભવ્યો છે. ગુજરાતે અપનાવેલ આ શાંતિ-સદ્ભાવ અને વિકાસના માર્ગે જ ગુજરાત આગળ ધપવા માંગે છે.
ગુજરાતીમાં બહુ પ્રચલિત કહેવત છે. "વેર થી વેર શમતું નથી.'' એકતા અને સદ્ભાવના જ આપણા દેશની સાચી શક્તિ છે. વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. આપણા સમાજજીવનની વિવિધતામાં એકતાને વધુ ને વધુ મજબૂત કરતા જ રહેવું પડે. શાંતિ અને સદ્ભાવના પાટા ઉપર ગુજરાતના વિકાસની ગાડી આગળ ધપી રહી છે.
ગુજરાત વધુ મજબૂતીથી, એકતાથી, શાંતિથી, સદ્ભાવથી આગળ વધે તે આપણી જવાબદારી છે. નકારાત્મકતાને ખંખેરીને સકારાત્મકતાના માર્ગે આગળ ધપવાનો ઉત્તમ અવસર આપણને મળ્યો છે ત્યારે આવો, આપણે સૌ સાથે મળી ગુજરાતની ગરિમામાં કંઇક ને કંઇક યોગદાન આપીએ. આ જવાબદારીના ભાગરૂપે આગામી દિવસોમાં સમાજની એકતા વધુ મજબૂત બને, ભાઇચારો વધે તેવા શુભ આશયથી ""સદ્ભાવના મિશન''નો એક કાર્યક્રમ શરૂ કરવાની મારી અભિલાષા આપ સૌ સમક્ષ વિનમ્રભાવે વ્યકત કરું છું.
તા. ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૧ શનિવારના રોજ સદ્ભાવના મિશનના મારા કાર્યક્રમ અંર્તગત ત્રણ દિવસના ઉપવાસ કરવાનો મેં નિર્ધાર કર્યો છે. તા. ૧૭મી સપ્ટેમ્બરે સદ્ભાવના મિશન ઉપવાસનો હું આરંભ કરીશ. તા. ૧૯મી સપ્ટેમ્બરે સદ્ભાવના મિશનના ત્રણ દિવસના મારા ઉપવાસ પૂર્ણ થશે. મારી અંતઃકરણથી શ્રદ્ધા છે કે સદ્ભાવના મિશન સ્વરૂપે મારા આ અનશન ગુજરાતની શાંતિ, એકતા અને સૌહાર્દના વાતાવરણમાં નવા ઓજ અને તેજ પાથરશે.
સદ્ભાવના મિશનનો મારો આ કાર્યક્રમ સંપૂર્ણપણે દેશભક્તિ અને સમાજભકિત માટેનો રહેશે.શાંતિ, એકતા, અને સદ્ભાવનાની શક્તિથી ગુજરાતને વધુ ને વધુ વિકાસની નવી ઊંચાઇઓ ઉપર લઇ જવાનો આ પ્રયાસ ભારતની પ્રગતિ અને ઉન્નતિ માટે યોગદાન આપશે તેવી મારી અભિલાષા છે.
સદાય આપ સહુની સેવામાં સમર્પિત