ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની વ્યકિતગત આગવી સંસ્કૃત અને હિન્દી વેબસાઇટ આજે લોન્ચ કરવામાં આવી છે. સંસ્કૃત જેવી આપણી પ્રાચીન ભાષા અને હિન્દી રાષ્ટ્રભાષામાં કાર્યરત થયેલી વેબસાઇટ ટેકનોસાવી યુવા હૈયાંઓ અને ભાષાપ્રેમીઓ માટે પોતાના વિચારો-આઇડીયા-શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રત્યેનો પોતાનો અભિગમ, ગુજરાત વિશેની અનેકવિધ બાજુઓ જાણવા અને વ્યકત કરવામાં અગત્યનું માધ્યમ બની રહેશે.

નરેન્દ્રભાઇ મોદીની વિશ્વના ખૂણે-ખૂણે વસતા જનજન સુધી કોમ્પ્યુટર અને વેબસાઇટના માધ્યમથી પહોંચવાની પ્રતિબદ્ધતા તથા પ્રાચીન સંસ્કૃતિનાં રૂગ્વેદના મંત્ર "બધી દિશાઓથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાવ''ની ફલશ્રુતિએ શરૂ થયેલી આ વેબસાઇટ સ્વામી વિવેકાનંદ, મહર્ષિ ઓરબિંદો તથા આચાર્ય પૂજ્ય વિનોબા ભાવેની ભારતીય સાંસ્કૃતિક-ઐતિહાસિક વિરાસતના ક્રાંતિ વિચારો-ખ્યાલો જનસામાન્ય અને દેશ-વિદેશમાં વસતા લાખો કોમ્પ્યુટર સેવીઓ સુધી પહોચાડવાનું એક આગવું માધ્યમ બનશે. શ્રી નરેન્દ્રભાઇ મોદી સ્પષ્ટપણે માને છે કે સંસ્કૃત એ આપણી પ્રાકૃત ભાષા છે અને તેના દ્વારા જ સાંસ્કૃતિક-શાશ્વત મૂલ્યોનું જતન-સંવર્ધન કોમ્પ્યુટરના આ યુગમાં વેબસાઇટ દ્વારા થઇ શકશે. આ માટે તેઓ સંસ્કૃતને સર્વસ્વીકૃત ભાષા તરીકે ધર-ધરમાં પહોંચતી કરવાનો ધ્યેય ધરાવે છે.

અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે શ્રી નરેન્દ્રભાઇ મોદીની ગુજરાતી અને અંગ્રેજી વેબસાઇટે માત્ર સાત મહિનાના ટૂંકાગાળામાં હજારો હિટસ મેળવી છે અને ર૪ હજાર ઉપરાંત તેના નોંધાયેલા ધારકો (રજીસ્ટર્ડ યુઝર્સ) છે. વેબસાઇટમાં સજેશન બોક્ષ, ગુજરાત વિશે પોતાના મંતવ્યો.

મુખ્યમંત્રીશ્રી સાથેની મુલાકાત માટેનો સમય માંગવો, શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે ડાયરેકટ આઇડીયા શેરિંગ જેવી મહત્વની બાબતો સાથોસાથ વહિવટી સુધારણા માટેના સૂઝાવ. શિક્ષણ-આરોગ્ય જેવી પાયાની બાબતો વિશેના મંતવ્યો, સૂચનો, સ્ક્રીન સેવર માટેની સગવડ તથા શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનો, અવતરણો તથા મહત્વની વિડીયો કિલપ્સ ડાઉન લોડ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. વેબસાઇટ દ્વારા આ ઉપરાંત શ્રી નરેન્દ્ર મોદીના ચાહકો ફ્રિ રિંગટોન્સ, ઇ-ગ્રિટિંગ્સ જેવી સહુલિયત પણ મેળવી શકાશે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુનાઇટેડ સ્ટેટસ જેવા વિદેશોમાં વસતા મોદી ચાહકોના સતત ઇ-મેઇલ પ્રવાહો અને અનેક સૂચનોની પરિપાટીએ શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબસાઇટમાં હિન્દી અને સંસ્કૃતના બે નવાં મોરપિંછ ઉમેરાયા છે.

વેબસાઇટ ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીની શાસન સિદ્ધિઓ, વર્તમાન પ્રવાહો, વિવિધ કલ્યાણ કાર્યક્રમોનો પણ પરિચય આપનારી આગવી સાઇટ બની છે. ભારતભરના કોઇ રાજકીય નેતાની એક સાથે આટલી ભાષામાં વેબસાઇટ લોન્ચ થઇ હોય તેવા એકમાત્ર નેતાનું ગૌરવ શ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીની વેબ સાઇટ પર પહોંચવું સરળ છે. ઇઝી ટુ એકસેસ, વેલ ઓર્ગેનાઇઝડ અને શ્રી નરેન્દ્રભાઇ મોદીની સિદ્ધિઓની યશગાથા સરળ-સુદ્રઢ અને અસરકારક રીતે વેબસાઇટમાં આવરી લેવામાં આવી છે. હવે મોદી ચાહકો વેબસાઇટના ઉપયોગથી પોતે ચાહે ત્યારે-ઇચ્છે ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રવચનો, અવતરણો-વાકપ્રહારો https://narendramodi.in/egretings લીંક દ્વારા મેળવી શકશે.

નવતર પ્રયોગ અને અભિગમ યુવાપેઢીમાં પ્રાચીન પરંપરાગત ભાષાના જ્ઞાન વૃદ્ધિ સાથે ગુજરાતના વિકાસની ગાથા અને રાષ્ટ્રીય વિકાસમાં ગુજરાતના વિકાસના યોગદાનની બાજુઓ વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા પ્રસાર કરવામાં મહત્વપૂર્ણ પૂરવાર થશે.