હિન્દુસ્તાનની સર્વપ્રથમ હાઇટેક જેલનું આદર્શ મોડેલ ગુજરાતે આપ્યું

 બંદીવાનોના જીવન સુધારણા સાથે કૌશલ્યવર્ધનના નવા આયામો સાથે માનવ અધિકારોની કાળજી એકમાત્ર ગુજરાતે લીધી છે.

રાષ્ટ્રીય માનવ અધિકારપંચ લાજપોર મધ્યસ્થ જેલની મુલાકાત નિરક્ષણાર્થે લે

 કેદીઓના જીવન ઘડતરનું વાતાવરણ બનશે

 ગુજરાતની સૌથી મોટી અને આધુનિક સેન્ટ્રલ જેલનું સુરતમાં લોકાર્પણ.

પૂર્વ સૈનિકો માટે નવનિર્મિત થનારા ગૌરવસેનાની ભવનનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સૌથી મોટી અને આધુનિક સેન્ટ્રલ જેલનું સુરતમાં લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની આ સર્વ પ્રથમ હાઇટેક જેલ છે જેમાં બંદીવાનોને જીવનસુધારણાનું માનસ પરિવર્તન કરવાનું વાતાવરણ મળશે અને માનવ અધિકારોની રક્ષા માટે ગુજરાત કેટલું જાગૃત અને પ્રતિબદ્ધ છે તેની પ્રતિતી આ જેલમાંથી થશે.

ગુજરાતે આદર્શ જેલનું મોડેલરૂપ નિર્માણ કર્યું છે તેની અનેકવિધ વિશેષતાઓની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ હાઇટેક જેલની મુલાકાત લઇ નિરીક્ષણ કરવું જોઇએ જેમાં માનવ અધિકારોના રક્ષણની મહત્તમ કાળજી ટેકનોલોજીના મહત્તમ વિનીયોગથી કરેલી છે. તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.

આધુનિક આદર્શ મધ્યસ્થ જેલના મોડેલ રૂપે સુરતના લાજપોરમાં રૂા. ૭૨.૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત આ સેન્ટ્રલ જેલ ૨.૧૮ લાખ ચો.મી.ના પરિસરમાં સ્થપાઇ છે, જેનું બાંધકામ ક્ષેત્રફળ ૯૫,૨૫૦ ચો.મી. છે. આ સેન્ટ્રલ જેલમાં ૨૧૦ મહિલા કેદીઓની અલગ બેરેક સહિત કુલ ૨,૯૬૭ જેલકેદીઓ સમાવવાની ક્ષમતા છે.

આ પ્રસંગે લશ્કરના દક્ષિણ ગુજરાતના પૂર્વ સૈનિકો માટેના ગૌરવસેનાની ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.

ગુજરાતની સ્થાપના પછી આ પહેલીવાર આધુનિક જેલનું નિર્માણ થયું છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિદેશી શાસનમાં જેલોમાં કેદીઓને યાતના સિવાય કશું જ મળતું નહોતું. આંદામાન નિકોબારની કાળાપાણીની સજા ભોગવનારા વંદેમાતરમ્ના દેશભકતો માટે કેવી યાતના ભોગવવી પડતી તેનો કલંકિત ઇતિહાસ વર્ણવતા મુખ્યમંત્રીશ્રીએ બંદિવાન પણ માનવી બની શકે છે અને જીવનની કોઇક્ષણે ગુનો આચરનારાને પણ તેનું મનપરિવર્તન કરીને, સારું જીવન જીવવાનો અવસર મળે તે માટેનું વાતાવરણ ઊભું કરવા માટે આ જેલામાં બંદીવાનોને અમાનવીયતાનો નહીં પણ જીવન સુધારણાનું પરિવર્તનની પ્રેરણા મળે, કેદીઓનું કૌશલ્ય નિર્માણ થાય, કેદીઓના સમાજમાં પુનઃ સ્થાપન માટેના અનેક નવા પ્રયોગો દ્વારા ગુજરાતની જેલોને માનવીય સંસ્કારના કેન્દ્રો તરીકે વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.

તેમણે સાબરમતી મધ્યસ્થ જેલમાં આધુનિક રસોડાનું સંચાલન કેદીઓ કરશે એવો વિશ્વાસ દર્શાવ્યો હતો.

જેલ, કાયદો અને કૃષિ સહકાર મંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણીએ લાજપોર જેલમાં બંદીવાનો માટેની આધુનિક સવલતોની સરાહના કરી હતી. જેલમંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યું કે, સામાન્યતઃ જેલોના નિર્માણમાં કેન્દ્ર સરકાર ૭૫ ટકા તથા રાજ્યના ૨૫ ટકા નાણાંકીય ફાળવણીનો રેશિયો છે. પરંતુ લાજપોરની આ આધુનિક જેલમાં કેન્દ્ર સરકારે હજુ પોતાનો હિસ્સો ફાળવ્યો નથી. રાજ્ય સરકારે પોતાની નાણાં ફાળવણીથી આ જેલનું સ્વબળે નિર્માણ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બંદીવાનોના સમાજમાં માનભેર પુર્નસ્થાપન માટે બંદીવાન કલ્યાણ અને આધુનિક પ્રવાહો સાથે તાલ મિલાવતા નવતર આયામો જેલ સુધારણારૂપે અપનાવ્યા છે, તેનું પ્રતિબિંબ આ અદ્યતન જેલમાં પડે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

પ્રારંભમાં ગૃહના અધિક મુખ્ય સચિવ ડો. વરેશ સિન્હાએ સૌને આવકારતાં રાજ્યમાં જેલ આધુનિકરણની વિસ્તૃત વિગતો આપી હતી.

આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વશ્રી નરોત્તમભાઇ પટેલ, મંગુભાઇ પટેલ, ગૃહરાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પટેલ, રણજીત ગીલીટવાલા, સાંસદો સર્વશ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય શ્રીમતી ભારતીબેન રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઇ પટેલ, સુરત શહેરના પ્રથમ નાગરિક શ્રી રાજેન્દ્ર દેસાઇ, પોલીસ મહાનિદેશકશ્રી ચિતરંજનસિંઘ, સુરત શહેર પોલીસ કમિશનરશ્રી રાકેશ અસ્થાના, જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ, ગુજરાત સૈનિક કલ્યાણ બોર્ડ, સૂરતના નિવૃત્ત મેજરશ્રી વિક્રમસિંહ જાડેજા તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આભારદર્શન જેલોના ઈન્સ્પટેકટર જનરલ શ્રી પી.સી.ઠાકુરે કર્યું હતું.