ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતની આઝાદીના સ્વાતંત્ર્યવીર વીર સાવરકરની આંદામાન નિકોબારની કાળાપાણીની જેલની દિવાલો વચ્ચે લખાયેલી કવિતાઓની અમર રચનાઓ આધારિત બે સંગીત આલ્બમનું આજે વિમોચન કર્યું હતું.
સ્વરનંદ ફાઉન્ડેશન મુંબઇના યુવા સંગીતકાર ભરત મોહન બાલવલીના નિર્દેશનમાં તૈયાર થયેલા આ બે આલ્બમ સ્વતંત્રતે ભગવતીઁ અને સ્વાતંત્ર્યવીર સાવરકરની અમર રચનાએઁ એ ચાર વર્ષથી સંગીત તપસ્યાનો પુરૂષાર્થ છે જેને મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ભાવુકતાથી બિરદાવ્યો હતો અને ભરત બાલવલી અને સહયોગીઓને અભિનંદન આપ્યા હતા.
સમગ્ર વીરસાવરકર પરિવારે ભારતમાતાની આઝાદી માટે જે ત્યાગ-તપસ્યા કરી તે ભારતની આઝાદીના અનેક મરજીવાઓની જેમ શિરમોર છે. આંદામાન-નિકોબારની જેલની કાલાપાણીની સજાના સમયે પણ ભારતમાતાની ભકિત માટે કાળ કોટડીની દિવાલો ઉપર વીરસાવરકરે આ કાવ્ય રચનાઓ લખેલી જે આજે પણ યુવાપેઢીને દેશદાઝ માટે પ્રેરણા આપે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વીર સાવરકરજીએ કરેલી સાહિત્ય સાધનાની તપસ્યા, કાવ્ય અને મંત્રમાં, ભારત માતાની આઝાદીની લલન હતી. તેમના પોતાના દર્દો-ગમ ભૂલી જઇને નસ-નસમાં ભારત માતાની મૂકિતની આગ હતી. યુવા સંગીતકાર શ્રી ભરત બાલવલીએ આ કાવ્ય રચનાના બે આલ્બમ તૈયાર કર્યા તેની પાછળ ભારત ભકિતનો સંસ્કાર પ્રગટયા છે.