પ્રત્યેક હોસ્પિટલ-બેડને શા માટે હેલ્થ ઈન્સ્યોરન્સ હેઠળ આવરી ના લેવાય
ભારત પોતાની હેલ્થકેર સેક્ટરની બ્રાન્ડ નેઇમ પ્રસ્થાપિત કરે
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકન સંસ્થા AAPI આયોજિત ગ્લોબલ હેલ્થકેર સમિટનું અમદાવાદમાં ઉદ્ઘાટન કરતાં એવું પ્રેરક સૂચન કર્યું હતું કે પ્રત્યેક હોસ્પિટલ-બેડ દર્દીઓ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ સીસ્ટમ હેઠળ આવરી લેવાવો જોઇએ તો જ સ્થાસ્થ્ય સુવિધાઓનો ગુણાત્મક બદલાવ આવશે.
દેશમાં પ્રિવેન્ટીવ હેલ્થ કેર માટેનું જનજાગરણ અભિયાન ઉપાડવાની જરૂર ઉપર તેમણે ભાર મૂકયો હતો.
અમેરિકન એસોસિયેશન ઓફ ફીઝીશ્યન ઓફ ઇન્ડિયન ઓરિજીન AAPI ની વૈશ્વિક આરોગ્ય સંભાળની આ પરિષદ અમદાવાદમાં ત્રણ દિવસ માટે યોજાઇ રહી છે.
સ્વાસ્થ્ય સેવાના સમગ્ર ક્ષેત્રમાં જે પરિવર્તનો આવી રાા છે તેની ભૂમિકા સાથે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દર્દીઓની નજરે સ્વાસ્થ્ય સુવ્યવસ્થિત હોવું જોઇએ. પરંપરાગત ચિકિત્સાથી સમાજ સ્વસ્થ રહે તો આજે દર્દો વધ્યા, સુપર સ્પેશિયાલિટી ટ્રીટમેન્ટ અને મેડીકલ સારવાર ટેકનોલોજી આધારિત બની ગઇ છે. ટેકનોલોજીથી દર્દીને દર્દમાં રાહત અને મૂકિત માટે ભરોસો મળે છે.
મેડીકલ પ્રોફેશનમાં દર્દીઓ પ્રત્યે સંવેદના હોવી જોઇએ પરંતુ હવે તો રાજનીતિ ઉપર તેનો પ્રભાવ પડે છે. અમેરિકામાં આ સ્થિતિ છે. જન્મ લેવો ખર્ચાળ નથી પણ બિમારી અતિ ખર્ચાળ બની ગઇ છે. દેશમાં દર વર્ષે ચાર કરોડ ગરીબો બિમારીને કારણે દેવામાં ડૂબી જાય છે. તેમણે જણાવ્યું કે સરકારો માટે સ્વાસ્થ્ય સુરક્ષાનું બજેટ વધારવું અનિવાર્ય બની ગયું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સ મહત્વનું કે હેલ્થ એસ્યોરન્સ તેની સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે એ જ પ્રમાણે દર્દો પછીની સ્વાસ્થ્ય સારવાર કરતા રોગ-પ્રતિરોધક વિષય વધુ સર્વગ્રાહી અભિગમ માંગી લે છે. પ્રિવેન્ટીવ હેલ્થકેર માટેની સાર્વત્રિક જાગૃતિ હોવી જોઇએ.
ભારત પાસે હોલિસ્ટીક હેલ્થ કેરની મહાન વિરાસત છે અને હર્બલ મેડિસીનમાં ભારત પોતાની બ્રાન્ડ ઇમેજ ઉભી કરી શકે એવું સૂચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. એ જ પ્રમાણે માનવ શરીર આસપાસ ઓરાચક્ર-તેજોવલય હોય છે. તેના માધ્યમથી રોગોના નિદાન વિશે અગાઉથી જાણકારીનું વિજ્ઞાન વિકસ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત સરકારે હેલ્થ કેરમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપનું શીપનું મોડેલ વિકસાવ્યું છે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ હેલ્થ સેકટરમાં માનવ સંસાધન શકિતના આયોજનની અને મેડિકલ એજ્યુકેશનની જરૂર ઉપર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે નામાંકિત ડોકટરો, સ્વાસ્થ્ય ક્ષેત્રનાં તજજ્ઞો, વિશેષજ્ઞો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં.