આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT ચિન્તન શિબિર સંપન્ન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણો તાલુકો-વાઇબ્રન્ટ તાલુકો (ATVT )ની પ્રશાસન વ્યવસ્થાને વધુ પ્રાણવાન અને પ્રભાવક બનાવવાનું આહ્વાન પ્રાન્ત અધિકારીઓને કર્યું છે.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી એટીવીટી ચિન્તન શિબિરનું ઉદ્દઘાટન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું હતું. પ્રાન્ત અધિકારીઓનું રાજ્યમાં બમણું સંખ્યાબળ થયું છે અને દરેક પ્રાન્તમાં સરેરાશ બે તાલુકાના સર્વાંગી વિકાસ અને સુખાકારીનું કાર્યદાયિત્વ છે ત્યારે સરકારની સેવાઓ માટેની ઉત્તમ ડિલીવરી સીસ્ટમ અને સમાજ-ભાગીદારી માટેનું પ્રેરક નેતૃત્વ પુરૂં પાડવા તેમણે જણાવ્યું હતું.
ગુજરાત જે રીતે વિકાસની નવી ઊંચાઇ ઉપર પહોંચ્યું છે તેણે ટિમ ગુજરાતની ક્ષમતા અને સામર્થ્યની અનુભૂતિ કરાવી છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પંચાયતી રાજ વ્યવસ્થાથી આપણે સત્તાના વિકેન્દ્રીકરણને સફળ બનાવ્યું એમ સમયાનુકુળ પરિવર્તનો દ્વારા પ્રશાસનની તાલુકા ટિમ માટે એટીવીટીથી જિલ્લા ટિમ પછી તાલુકા કેન્દ્રી વ્યવસ્થા વિકસાવી છે. ચીલાચાલુ વ્યવસ્થામાં ગુણાત્મક પરિવર્તન લાવીએ નહીં તો વ્યવસ્થા જ પોતે બોજ બની જાય. તેથી જ ગુજરાતમાં એટીવીટી વિકસાવીને પ્રશાસનનો કાર્યબોજ હળવો કરવા પ્રાન્ત દીઠ બે તાલુકાની જવાબદારી આપી છે, ત્યારે તેને સક્ષમ, જીવંત અને પરિણામલક્ષી બનાવવાનું તાલુકા ટિમને નેતૃત્વ પુરૂ઼ પાડવાનું છે, તેનું માર્ગદર્શન મુખ્યમંત્રીશ્રીએ આપ્યું હતું.
ગરીબ કલ્યાણ મેળાના અભિયાનની સફળતાએ તાલુકા ટિમના તંત્રની ક્ષમતા પૂરવાર કરી છે તેની રૂપરેખા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દરેક તાલુકો વિકાસની સ્પર્ધા કરે તે માટેનું ઉત્તમ વાતાવરણ ઉભૂં થયું છે. અને રાજ્યના ર૪૮ તાલુકાના અધિકારીઓ પ૦૦ સહસ્ત્ર બાહુઓ સાથે ગુણવત્તાસભર વિકાસ માટે સમાજશકિતને પ્રેરિત કરે એવી પ્રેરણા તેમણે આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રત્યેક સમાજ સંસ્કારમાં દયા-કરૂણા અને સેવાના સંસ્કારની સરવાણી નિરંતર વહેતી રહે છે ત્યારે કુપોષણ જેવી સમસ્યાના નિવારણ માટે સમાજશકિતને પ્રેરિત કરવા અને લોકશિક્ષણનું નેતૃત્વ પુરૂં પાડવું જોઇએ. તેમણે દશ અને બારમા ધોરણની કન્યાઓને મિશન બલમ્ સુખમ્ના મિશન મોડ ઉપર સંતુલિત પોષક આહાર માટે પ્રશિક્ષિત કરવાનું અભિયાન ઉપાડવા સૂચવ્યું હતું.
આ પ્રસંગે મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, મહિલા બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા, રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સચિવશ્રીઓ અને તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ તથા પ્રાન્ત અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત હતા.
મુખ્ય સચિવશ્રી ડો. વરેશ સિંહાએ એ.ટી.વી.ટી. ચિન્તન શિબિરની ભૂમિકા આપી હતી. મહિલા બાળકલ્યાણ સચિવ-વ- કમિશ્નર શ્રીમતી અંજુ શર્માએ સ્વાગત કર્યું હતું.