"Gujarat Government in touch with Indian authorities in Kenya over the safety and well being of the Indian community there"

આતંકવાદી હિંસાનો ભોગ બનેલા કેન્યાના ભારતીયોને ત્વરિત સુરક્ષાના પ્રબંધ કરવા ભારત સરકાર તાકીદના પગલાં લે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે ભારતના વડાપ્રધાન ડો. મનમોહનસિંહને તાકીદનો પત્ર પાઠવીને કેન્યાના નૈરોબીમાં આતંકવાદી હિંસાનો ભોગ બનેલા ગુજરાતીઓ સહિત ભારતીય પરિવારોની સુરક્ષાનો પ્રબંધ કરવા કેન્દ્ર સરકાર પોતાની તમામ વગ અને પ્રભાવથી પ્રયાસો કરે તેવો ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ડો. મનમોહનસિંહને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નૈરોબીમાં આતંકવાદી હિંસક હુમલામાં મૃત્યુ પામેલા અને ઇજાગ્રસ્તિ લોકોમાં ભારતીયોનો સમાવેશ થાય છે અને આ અમાનુષી આતંકથી અનેક નિર્દોષ ભારતીય કુટુંબો અસલામતીની લાગણી સાથે ભારત સરકારની ત્વરિત મદદની અપેક્ષા રાખે છે. ગુજરાત સરકારે ગુજરાતીઓ સહિત ભારતીય પરિવારોને સાંત્વ‍ના પાઠવી છે અને ત્યાં ના ભારતીય હાઇકમિશનરનો સંપર્ક કરીને સુરક્ષાની ખાતરી આપવા વિનંતી કરી છે અને કેન્યાના ભારતીય સમાજોના આગેવાનો સાથે સતત સંપર્કમાં છે.

મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીનું એ હકિકત પ્રત્યેઆ ખાસ ધ્યાપન દોર્યું છે કે કેન્યામાં ભારતીય મૂળના અને વિશેષ કરીને ગુજરાતના ઘણા પરિવારો પેઢીઓથી સ્થાયી થયેલા છે અને ભારતીય સમાજે કેન્યાના આર્થિક, સામાજિક અને સાંસ્કૃીતિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપેલું છે. તેમને લક્ષ્ય બનાવીને આતંકવાદી હુમલો થયો તેનાથી કેન્યાના ભારતીયોને આઘાત લાગ્યો છે અને સુરક્ષાના પગલાંની ખાતરી માટે ભારત સરકારની પાસે આશા રાખી રહયા છે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે આપણે આતંકવાદી હિંસાનો ભોગ બનતા રહયા છીએ ત્યારે નિર્દોષ લોકોની પીડા અને વેદના સમજી શકીએ છીએ.

આ પ્રકારની કોઇપણ આતંકવાદી હિંસાને વખોડવાની સાથોસાથ સમગ્ર વિશ્વમાં માનવતાવાદી લોકોને સંગઠ્ઠિત કરીને આતંકવાદ સામે લડવાની જરૂર છે, કારણ કે આતંકવાદીને કોઇ ધર્મ, સીમાડા કે માન્યતા હોતા નથી. આ આતંકવાદી હિંસાએ ફરી એકવાર આપણને આતંકવાદ સામે લડવાની સામૂહિક પ્રતિબધ્ધતાની ગંભીરતા સમજાવી છે અને તેમાં કોઇ કચાશ રાખવી જોઇએ નહીં, એમ વડાપ્રધાનશ્રીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે.