"Chief Minister Adopts Successful Approach To Develop Wind Energy-Based Large Scale Power Production Facilities Across State’s The 1,600 kms of Long Coastline"
"Chief Minister Mr. Modi Approves Wind Energy Policy To Expedite Development of Wind Power Generations In The State"

૧૬૦૦ કી.મી.ના સાગરકાંઠે મુખ્યમંત્રીશ્રીએ પવનશકિત આધારિત વીજળી ઉત્પાદનનું ફલક વિકસાવવા અપનાવેલો સફળ અભિગમ

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં પવન ઊર્જા શકિતના વિકાસને વધુ વેગવંતો બનાવવા માટેની નવી પ્રોત્સાહક પવન ઊર્જા નીતિ (WIND ENERGY POLICY)ને મંજૂરી આપી છે એમ રાજ્ય સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું.

શ્રી સૌરભભાઇ પટેલે એ બાબતનો વિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ગુજરાતમાં સને ૨૦૦૧માં પવન ઊર્જાથી વિઘુત ઉત્પાદન સ્થાપિત ક્ષમતા ૧૫૦ મે.વો. હતી. જે આજે વર્ષ ર૦૧૩માં એટલે કે છેલ્લા એક દશકમાં વધીને ૩૧૪૭ મે.વો. પર પહોંચી ગઇ છે. ભારતમાં પવન ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતા જે ૧૯૦૦૦ મે.વો. જેટલી છે તેની સામે એકલા ગુજરાતની ૩૧૪૭ મે.વો. જેટલા વીજ ઉત્પાદન ક્ષમતા છે અને આ નવી પવનશકિત ઊર્જા નીતિ ગુજરાતની આ ક્ષમતાને વધુ ગતિશીલ બનાવશે તેવો વિશ્વાસ ઊર્જામંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

પ્રવર્તમાન પવન ઊર્જા નીતિની સમયાવધિ માર્ચ ર૦૧૩માં પૂરી થઇ હતી. ગુજરાત ૧૬૦૦ કી.મી. લાંબા સમૃદ્ર કિનારાને ઊર્જા ક્ષેત્રની સમૃધ્ધિનો આધાર બનાવવાના મહત્વાકાંક્ષી આયોજન સાથે આ નવી પવન ઊર્જા નીતિમાં દેશભરના વિકાસકારોને ગુજરાતમાં વીજ ઉત્પાદન પ્રોજેકટ માટે આકર્ષવાનો ધ્યેય રાખવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોત તરીકે રાજ્યમાં પવનશકિતથી વીજળી ઉત્પાદન કરવાની વિપૂલ સંભાવનાઓ ધ્યાનમાં લઇને મુખ્યમંત્રીશ્રીએ પવન ઊર્જાના આયોજનબધ્ધ વિકાસ ઉપર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

પવનશકિત ઊર્જાની આ નવી નીતિ મુજબ વિકાસકારો પવન ઉર્જા મથકો ધ્વારા વીજ ઉત્પાદન કરશે અને આ વીજળી રૂા. ૪.૧પ પ્રતિ યુનીટના દરે ગુજરાત સરકારની વીજ કંપની જી.યુ.વી.એન.એલ. કે અન્ય વીજળી વિતરણ પરવાનેદારોને વેચી શકશે. વર્તમાન નીતિનો આ ભાવ જે રૂા. ૩.૫૬ પ્રતિ યુનીટે હતો, તે વધારીને રૂા. ૪.૧૫  પ્રતિ યુનીટ કરવાનું નકકી કરવામાં આવ્યું છે. આ નવા નકકી કરાયેલ દરો રપ વર્ષ સુધી વીજ વેચાણ માટે વિકાસકાર માટે અમલમાં રહેશે. વિકાસકારોને પ્રોત્સાહનરુપે પવન ઉર્જા ધ્વારા ઉત્પાદન થતી વીજળીને વિઘુતશુલ્કમાંથી માફી આપવાની જોગવાઇ નવી નીતિમાં છે, તેમ ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત પવન ધ્વારા ઉત્પાદન થયેલ વીજળી, વિકાસકારો ઇચ્છે તો ગુજરાતમાં આવેલી તેમની ફેકટરીઓમાં સ્વવપરાશ માટે ઉપયોગ કરી શકશે. વીજ-સ્વવપરાશ માટેની આ જોગવાઇ વ્હીલીંગ અને ટ્રાન્સમીશન ચાર્જીસ સાથે કરવામાં આવી છે. જો એકથી વધારે જગ્યાએ સ્વવપરાશ માટેની વીજળીનો ઉપયોગ કરવાનો થાય તો, વ્હીલીંગ અને ટ્રાન્સમીશન ચાર્જીસ ઉપરાંત વધારાના પાંચ પૈસા પ્રતિ યુનિટના દરે ચુકવણીથી વપરાશ કરી શકાશે. ઔધોગિક એકમો દ્વારા વપરાશ પછી વધેલી કે પુરાંત રહેલી પવન વીજળી યુનિટ દીઠ રૂ. ૪.૧૫ના  ૮૫ ટકા એટલે કે રૂ.૩.૫૨લેખે વિતરણ કંપનીને વેચી છે તેમ ગણાશે.

જે પવન વિધુત ઉત્પાદકોને પોતાના ઉપયોગ માટે વીજળી ના વાપરવી હોય અને વળતર દરે પણ વેચવી ના હોય, તેઓને સંબંધિત પ્રવહન અને વ્હીલીંગ ચાર્જની ચુકવણી કરવાની અને બેંકીગની સુવિધા વિના, ૧૫ મિનિટના સમયના બ્લોકમાં ઊર્જા સરભર કર્યેથી ત્રીજા પક્ષકારને વીજળી વેચવાની પરવાનગી આપી શકાશે તેની ભૂમિકા શ્રી સૌરભભાઇ પટેલે આપી હતી.

રાજયના ઉંડાણના વિસ્તારોની સરકારી પડતર જમીનોમાં પવન ઉર્જા મથકો સ્થાપવા માટે વિકાસકારોને જમીન ફાળવવા અંગેની જોગવાઇ આ નીતિમાં જાહેર કરવામાં આવી છે. આના કારણે પડતર બિન ઉપજાઉં જમીનો હરિત ઉર્જા ઉત્પાદન કરવા માટે ઉપયોગમાં લઇ શકાશે અને ઊર્જાના પર્યાવરણલક્ષી કાર્યક્ષમ ઉત્પાદન-વપરાશને વેગ મળશે.

ગ્લોબલ વોર્મીંગ અને તેનાથી થતી અસરો બાબતે સમગ્ર વિશ્વ ચિંતીત છે ત્યારે બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો મહત્તમ ઉપયોગ કરવાની નેમ ગુજરાત સરકારે રાખી છે અને તેના ભાગરુપે આ નીતિનો વ્યાપક અમલ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. દેશના અન્ય રાજયો જયારે બે કે ત્રણ ટકા થી પણ ઓછી વીજળી પવન ઉર્જા ધ્વારા ઉત્પાદન કરતા હોય ત્યારે ગુજરાત રાજય એક માત્ર એવું રાજય છે કે જેમાં બિન પરંપરાગત ઉર્જા ધ્વારા ઉત્પાદન થતી વીજળીનો હિસ્સો ૧૦ ટકા જેટલો થાય છે, તેમ પણ ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે સમગ્ર દેશમાં ઊર્જાની વિકટ સમસ્યા, વધતા જતા ખનીજ પેદાશ અને વીજ ઉત્પાદન માટેના ઇંધણના ભાવો, પર્યાવરણને થતું નુકશાન તથા "ગ્લોબલ વોર્મિંગ' જેવા સંકટનાં પડકારને પહોંચી વળવા ગુજરાત સરકારે પવન શકિત અને સૂર્યશકિત જેવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોના પર્યાવરણ મૈત્રીપૂર્ણ વપરાશ માટે પ્રતિબધ્ધ બનીને પથદર્શક પહેલ કરી છે.