મુખ્યમંત્રીશ્રીએ બે દિવસમાં કુલ છ કલાક સુધી તલસ્પર્શી વિચાર પરામર્શની બેઠક યોજી સ્વર્ણિમ સોપાનની રૂપરેખા તૈયાર કરી
આવનારી પેઢીઓનો સ્વર્ણિમ ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો સંકલ્પ સાકાર કરીશું
પ્રજામાનસ અને વહીવટીતંત્ર કદમથી કદમ મિલાવશે
વિભાગવાર સ્વર્ણિમ સિદ્ધિઓનું પણ લક્ષ્ય
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની રાજ્ય સ્થાપનાના પ૦ વર્ષના અવસરે રાજ્ય સરકારના પ૦ સ્વર્ણિમ સોપાન સુનિશ્ર્ચિત કરવા માટે તલસ્પર્શી પરામર્શ કર્યો હતો. છેલ્લા બે દિવસમાં એકંદર છ કલાકના વિચારમંથનની ફલશ્રુતિ સાથે પ૦ સ્વર્ણિમ સોપાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.આ બેઠકમાં નાણાં મંત્રીશ્રી વજુભાઇ વાળા, મહેસૂલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ મંત્રીશ્રી ફકીરભાઇ વાધેલા, આરોગ્ય અને પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્યાસ અને આયોજન રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ ઉપરાંત મુખ્ય સચિવશ્રી ડી. રાજગોપાલન અને વરિષ્ઠ સચિવશ્રીઓએ ભાગ લીધો હતો. આયોજનના અગ્ર સચિવશ્રી વી. એન. માયરાએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વૈશ્વિક સંદર્ભમાં ગુજરાતને મૂલવવાના અવસર તરીકે સ્વર્ણિમ ગુજરાતની આધારશીલા ઉભી કરે તેવા આ સ્વર્ણિમ સોપાન, રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા, જનભાગીદારીને પ્રેરિત કરીને સંપન્ન કરવા ઉપર ભાર મૂકયો હતો. સરકારી તંત્ર અને પ્રજા માનસ એક જ દિશામાં સ્વર્ણિમ સોપાન માટે સહભાગી બનશે તો, ધણાં સમયનું સ્વર્ણિમ ગુજરાતનું સપનું સાકાર થશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગત પ૦ વર્ષમાં ગુજરાતે ધણો વિકાસ અને પ્રગતિ હાંસલ કર્યા છે. આ હેતુ માટે સૌએ પોતાની શકિત અનુસાર યોગદાન પણ આપ્યું છે. પરિણામે, ગુજરાત આજે વિકાસમાં અગ્રેસર રહે તેવું સક્ષમ બન્યું છે અને હવે આવનારી પેઢીઓને આપણે સ્વર્ણિમ ગુજરાત આપવું છે તેનો સંકલ્પ સાકાર કરવા પ્રતિબદ્ધ રહીશું એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ પ૦ સ્વર્ણિમ સોપાન ઉપરાંત રાજ્ય સરકારના દરેક વિભાગો પોતાના વિભાગની સ્વર્ણિમ સિદ્ધિઓ પણ સંકલ્પબદ્ધ કરશે. સ્વર્ણિમ જ્યંતીનું સમાપન થાય ત્યાં સુધીમાં દરેક વિભાગ પોતાના લક્ષ્યની પૂર્તિ કરી સ્વર્ણિમ સિદ્ધિ હાંસલ કરશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યનો એક એક નાગરિક સ્વર્ણિમ સોપાનની પૂર્તિમાં રાજ્ય સરકારના તંત્ર સાથે કદમથી કદમ મિલાવે તેવું વાતાવરણ સર્જવા પણ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.