૧૩ અને ૧૭ ડિસેમ્બરે ગુજરાતની નવી વિધાનસભાનાં ચુનાવ માટે લોકોએ મતદાન કર્યું. લોકશાહીનાં આ સૌથી મોટા તહેવારમાં મતદાન માટે લોકોની ભારે ભીડ જોવા મળી.

સમગ્ર પ્રચારમાં જો કોઈ માણસ પર સૌનું ધ્યાન હતુ તો એ હતા શ્રી નરેન્દ્ર મોદી. મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે ભાજપનો એકમાત્ર મુદ્દો વિકાસનો છે. તેમણે કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતા અને કોંગ્રેસનાં ડો. મનમોહન સિંઘ, શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતનાં ટોચનાં નેતાઓનાં જુઠ્ઠાણા ખુલ્લા પાડ્યા.

શ્રી મોદી - ઐતિહાસિક પ્રમાણમાં મતદાન અંગે:

“આપણે ત્યાં ઐતિહાસિક પ્રમાણમાં મતદાન જોવા મળ્યુ, જે બતાવે છે કે આપણી લોકશાહી પ્રત્યે તમને અડગ શ્રધ્ધા છે અને પોતાના મતનું મુલ્ય તમે ઉંચું આંકો છો. આ ચૂંટણીઓમાં જંગી મતદાન કરીને તમે લોકશાહીનાં આ સૌથી પવિત્ર અધિકારનો ઉપયોગ કરવા માટે ભારતનાં લોકોને અમૂલ્ય પ્રેરણા આપી છે, જે બદલ હું આપને અભિનંદન પાઠવુ છું. ભારતીય લોકશાહીનાં મુલ્યો પ્રત્યે તમે જે વિશ્વાસ દાખવ્યો એ અદભુત છે.”

શ્રી મોદી - ગુજરાતની ૨૦૧૨ ની ચૂંટણીઓ અંગે:

“૨૦૧૨ની ગુજરાતની ચૂંટણીઓને ધારાસભ્ય કોણ બનશે એટલા પૂરતી સીમિત ન રાખતા. કોઈ પાર્ટીને જીતાડવા કે કોઈ પાર્ટી પોતાની ડિપોઝીટ ગુમાવે એવા આશયથી મત ન આપશો. તમારા મતનું મુલ્ય ઘણું વધારે છે. જ્યારે મત આપવા જાવ ત્યારે ગુજરાતનાં ભવિષ્ય વિશે વિચારજો, એવું વિચારજો કે આવનારા પાંચ વર્ષમાં ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જાય તેવા સુકાનીનાં રૂપમાં તમે કોને જોવા માંગો છો.”

 

બેઠકોની સંખ્યા, મતોનું વિભાજન, માર્જિન જેવા આંકડાઓથી ઉપર ઉઠો.

“કોઈ પણ ચૂંટણીની આંટીઘૂંટી સમજવી હોય તો બેઠકોની સંખ્યા, મતોનું વિભાજન, માર્જિન વગેરે આંકડાઓની જાણકારી મેળવવી જરૂરી છે. પણ આ આંકડા અને માહિતીઓથી ઉપર ઉઠીને જોઈએ તો ૨૦૧૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આપણને બે બાબતોની ઝાંખી કરાવી જાય છે, એક છે ભારતનાં લોકોની ઈચ્છાશક્તિની પ્રચંડ તાકાત. બીજી એક એવી બાબત દેખાઈ રહી છે કે ગુજરાતની આ ચૂંટણીઓ ભારતનાં લોકોનો ચૂંટણી માટેનો અભિગમ સમૂળગો બદલી દેશે, લોકો ચૂંટણીઓને અલગ જ દ્રષ્ટિકોણથી જોતા થશે.”

 

લોકો સુધી પહોચવા માટે અત્યાધુનિક અને નવીન ટેક્નોલોજીનો ઉપયોગ:

“મને કહેતા ગૌરવ થાય છે કે લોકો સુધી પહોચવા માટે થ્રીડી પ્રોજેક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત સમગ્ર દુનિયાનું પ્રથમ રાજ્ય છે. એકસાથે વિવિધ સ્થળોએ થ્રીડી ટેક્નોલોજીથી સંબોધન કરવામાં આવે એ બાબત ઐતિહાસિક છે અને મને ખુશી છે કે આ બાબત ગુજરાતની ધરતી પર બની છે.”

કોંગ્રેસ નેતાઓનાં જુઠ્ઠાણાઓનો પર્દાફાશ કરતા મુખ્યમંત્રી:

“શ્રીમતી સોનિયા ગાંધી ગુજરાત આવ્યા, પણ હોમવર્ક કર્યા વિના આવ્યા.”

“શ્રીમતી સોનિયા ગાંધી કહે છે કે દિલ્હી ગુજરાતને વીજળી આપે છે, શું તેઓ ૨૦૦૭ નું ભાષણ લઈ આવ્યા છે? પાંચ વર્ષ પહેલા તેમની સરકારે રાતોરાત ગુજરાતને અપાતી વીજળીમાં ૨૦૦ મેવો.નો કાપ મુક્યો હતો. ગુજરાતમાં દિલ્હીથી થોડીય વીજળી આવતી નથી.”

“શ્રીમતી સોનિયા ગાંધીને દેશનો ઈતિહાસ, ગુજરાતનો ઈતિહાસ કે તેની ભૂગોળની ખબર નથી. તે કહે છે કે ગુજરાતનાં ૫૭ તાલુકાઓ ડાર્ક-ઝોનમાં છે. તમને ખબર નથી કે હવે એકપણ ડાર્ક-ઝોન રહ્યા નથી. આપણા સિંચાઈ પ્રયાસોને લીધે આ શક્ય બન્યુ છે. તમારી જ સરકારે નોંધ લીધી છે કે પાણીનાં તળ ત્રણ મીટરથી ૧૩ મીટરે પહોચ્યા છે. આપણે પાણીની પ્રત્યેક બુંદનો ઉપયોગ કર્યો છે એટલે ડાર્ક-ઝોન દુર થયા છે.”

“કમનસીબ છે કે વડાપ્રધાન મનમોહન સિંઘ અને સોનિયાજીએ આવીને ગુજરાતનાં લોકોને ઠેસ પહોચે એવી ભાષાનો પ્રયોગ કર્યો. દુ:ખદ છે કે ભારતનાં વડાપ્રધાન જ વોટબેંક પોલિટિક્સથી ઉપર ઉઠતા નથી.”

“વડાપ્રધાન લઘુમતી-બહુમતી સમુદાય અંગે બોલતા સાંભળી દુ:ખ થાય છે. આવી રાજનીતિએ દેશને બરબાદ કર્યો છે. વિકાસની વાત થવી જોઈએ. તાકાત હોય તો વિકાસને મુદ્દે સ્પર્ધા કરી બતાવો”. “વડાપ્રધાન કહે છે ગુજરાત સલામત નથી. તેમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે વારંવાર અશાંતિ સર્જાતી, કરફ્યુ થતા. વાલીઓને ચિંતા રહેતી કે તેમનું બાળક ઘેર પાછુ આવશે કે કેમ?”

“કોંગ્રેસનાં સમયમાં શાળા પ્રવેશ દર ઓછો હતો અને ડ્રોપ-આઉટ દર ઘણો વધુ. તમારી કોંગ્રેસની કેન્દ્ર સરકાર જ કહે છે કે ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણમાં સૌથી વધુ સુધારા થયા છે. તમે બધા રાજ્યોને શિક્ષણ માટે નાણા આપો છો પણ અમને ફુટી કોડીય આપતા નથી.”

 

સરક્રીકની જમીનનો એક ટુકડો ય પાકિસ્તાનને ન આપવા મુખ્યમંત્રીની કોંગ્રેસને ચેતવણી:

“તમારા માટે સરક્રીક માત્ર જમીનનો  એક ટુકડો હશે, અમારા માટે દેહનો ટુકડો છે. વડાપ્રધાને દેશને ખાત્રી આપવી જોઈએ કે સરક્રીકની જમીનનો એક ટુકડો પણ પાકિસ્તાનને નહી આપીએ.”

૨૦૧૨ ચૂંટણીમાં કોંગ્રેસની હાર કેમ નિશ્ચિત છે તેના કારણો જણાવતા શ્રી મોદી:

કોંગ્રેસે માત્ર નકારાત્મક પ્રચાર જ કર્યો છે. તેમણે દરેક બાબતનો વિરોધ કર્યો છે, દુનિયાની નજરમાં ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, અને તેથી કોંગ્રેસ પ્રત્યે લોકોમાં રોષ જાગ્યો છે.” “કોંગ્રેસને લાગતુ હોય કે લોકોની યાદશક્તિ ટુંકી છે તો એ ભુલે છે. એ સમય હવે ગયો. હવે લોકો બધુ સમજે છે.”

૨૦ ડિસેમ્બર ૨૦૧૨ નાં રોજ પરિણામો આવતા જ સ્પષ્ટ થઈ ગયું કે લોકોએ પાંચ વર્ષ માટે શ્રી મોદીને પસંદ કર્યા છે. શ્રી મોદીનાં નેતૃત્વ માટે લોકોનો વિશ્વાસ, ભાજપ કાર્યકર્તાઓની સખત મહેનત, અને ભાજપનાં વિકાસનાં એજન્ડાને લીધે ગુજરાતે ફરી એકવાર લલકાર કર્યો છે: એકમત ગુજરાત, બને ભાજપ સરકાર!