હું વાર્ષિક સંમેલન માટે 10થી 12 નવેમ્બર, 2016 દરમિયાન જાપાનની મુલાકાતે જઇશ. પ્રધાનમંત્રી તરીકે આ જાપાનની મારી બીજી મુલાકાત હશે.
જાપાન સાથે આપણી ભાગીદારી વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી તરીકે જાણીતી છે. ભારત અને જાપાન એકબીજાને બૌદ્ધ વારસા, લોકતાંત્રિક મૂલ્યો તથા ખુલ્લી, સર્વસમાવેશક અને નિયમો આધારિત વૈશ્વિક વ્યવસ્થા જેવા સમાન મૂલ્યો ધરાવતા દેશ તરીકે જુએ છે.
અત્યારે ભારતમાં જાપાન ટોચના રોકાણકાર દેશોમાંથી એક છે. ઘણી જાપાનીઝ કંપનીઓ ભારતમાં ઘરેઘરે જાણીતી છે, જે કેટલાંક દાયકાથી ભારતીય અર્થતંત્રની સંભવિતતા માટે પ્રતિબદ્ધ છે. આપણા વેપાર અને રોકાણલક્ષી સંબંધોને મજબૂત વધુ મજબૂત કરવા ટોક્યોમાં હું ભારત અને જાપાનના ટોચના વ્યાવસાયિક આગેવાનો સાથે વિગતવાર ચર્ચા કરીશ.
મારી મુલાકાત દરમિયાન મને જાપાનના મહામહિમ સમ્રાટને મળવાની તક સાંપડશે. જ્યારે હું 11 નવેમ્બરના રોજ ટોક્યોમાં પ્રધાનમંત્રી શિન્ઝો આબેને મળીશ, ત્યારે હું આપણા દ્વિપક્ષીય સહકારના તમામ પાસાની સમીક્ષા કરવા આતુર છું.
પ્રધાનમંત્રી આબે અને હું 12 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ શિન્કાસેનની મુલાકાત લઇશું, જે એક ટેકનોલોજી છે અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલવે માટે સ્થાપિત થશે. અમે બંને કોબેમાં કાવાસાકી હેવી ઇન્ડસ્ટ્રીઝ સુવિધાની મુલાકાત પણ લઇશું, જ્યાં હાઇ સ્પીડ રેલવેનું નિર્માણ થાય છે.
ભારત અને જાપાન વચ્ચે હાઇ સ્પીડ રેલવે સહકાર અમારા સહકારની ક્ષમતાનું ઉજ્જવળ ઉદાહરણ છે. તેનાથી આપણા વેપાર અને રોકાણના સંબંધોને પ્રોત્સાહન મળવાની સાથે ભારતમાં કુશળ રોજગારીનું સર્જન પણ થશે, અમારા માળખામાં સુધારો થશે અને અમારા ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પ્રોત્સાહન મળશે.