શ્રી પેજાવર મઠના પરમ શ્રધ્ધેય શ્રી વિશ્વેશ તીર્થના સ્વામીજી

શ્રી વિશ્વ પ્રસન્ન  તીર્થ સ્વામીજી

શ્રી રાઘવેન્દ્ર મઠના શ્રીશ્રી સુભુધેન્દ્ર તીર્થ સ્વામી જી

અને

આ કાર્યક્રમમાં  ઉપસ્થિત તમામ શ્રધ્ધાળુ સમુદાય.

ભારતના ભક્તિ આંદોલન સમયના સૌથી મોટા દાર્શનિકોમાંના એક જગત ગુરૂ સંત શ્રી માધવાચાર્યના સાતમા શતાબ્દી સમારોહમાં હાજરી આપતા હું ધન્યતા અનુભવું છું.

કામગીરીમાં વ્યસ્ત હોવાના કારણે હું ઉડ્ડુપી પહોંચી શક્યો નથી. હમણા થોડાક સમય પહેલા જ અલીગઢથી પાછો આવ્યો છું. એ મારૂં મોટુ સૌભાગ્ય છે કે આપ સૌના આશિર્વાદ મેળવવાનો મને આજે સુઅવસર પ્રાપ્ત થયો છે.

માનવ જાતિના નૈતિક અને આધ્યાત્મિક ઉત્થાનના હેતુથી જે રીતે સંત શ્રી માધવાચાર્યના સંદેશનો પ્રચાર અને પ્રસારણ થઈ રહ્યું છે તેના માટે હું તમામ આચાર્યો અને મહાનુભવોને અભિનંદન પાઠવું છું.

કર્ણાટકની પુણ્ય ભૂમિ કે જ્યાં માધવાચાર્ય જેવા સંત પેદા થયા, જ્યાં આચાર્ય શંકર અને આચાર્ય રામાનુજ જેવા પુણ્યાત્માઓએ વિશેષ સ્નેહ આપ્યો છે તેમને પણ હું પ્રણામ કરૂં છું.

ઉડ્ડુપી શ્રી માધવાચાર્યજીની જન્મભૂમિ અને કર્મભૂમિ રહી છે. માધવાચાર્યજીએ પોતાનું પ્રસિધ્ધ ગીતા ભાષ્ય ઉડ્ડુપીની આ પવિત્ર ભૂમિ પરથી લખ્યું હતું.

શ્રી માધવાચાર્ય અહીંના કૃષ્ણ મંદિરના સંસ્થાપક પણ હતા. આ મંદિરમાં સ્થાપિત કૃષ્ણ મૂર્તિને કારણે પણ આ સાથે મારો વિશેષ નાતો છે.  ઉડ્ડુપી સાથે મારો કંઈક અલગ જ પ્રેમ રહ્યો છે. મને ઘણીવાર  ઉડ્ડુપી આવવાનો અવસર પ્રાપ્ત થયો છે. 1968થી શરૂ કરીને 4 દાયદાથી પણ વધુ સમય સુધી લાંબો સમય ઉડ્ડુપી મ્યુનિસપલ કોર્પોરેશનની જવાબદારી ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનસંઘે સંભાળી હતી. 1968માં ઉડ્ડુપી એવી પ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશન બની કે જેણે મેન્યુઅલ સ્કેરેન્જીંગ (માથે મેલું ઉપાડવાની પ્રથા) ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. 1984 અને 1989માં ઉડ્ડુપીનું સ્વચ્છતા માટે બે વખત સન્માન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાથી માંડીને, માનવીય મૂલ્યો દ્વારા જનશક્તિને જાગૃત કરવાની અમારી નિષ્ઠાનું આ શહેર જીવતું જાગતું ઉદાહરણ બની રહ્યું છે.

મને બેવડી ખુશી એ છે કે આ કાર્યક્રમમાં શ્રી વિશ્વેશ તીર્થ સ્વામીજી રૂબરૂ હાજર રહ્યા છે.

8 વર્ષની નાની ઉંમરે સન્યાસ  લીધા પછી પોતાના જીવનના 80 વર્ષ તેમણે પોતાના દેશને, પોતાના સમાજને મજબૂત કરવામાં વિતાવ્યા છે. દેશના ખૂણે ખૂણે ફરીને તેમણે અશિક્ષિતપણા, ગૌરક્ષા અને જાતિવાદ સામે ઝૂંબેશ ચલાવી હતી.

એ સ્વામીજીના પુણ્ય કર્મોનો પ્રભાવ છે કે તેમને 5 પર્યાયનો અવસર મળ્યો હતો. આવા સંત પુરૂષને હું નમન કરૂં છું.

ભાઈઓ અને બહેનો,

આપણા દેશનો ઈતિહાસ હજાર વર્ષ પુરાણો છે. હજારો વર્ષના ઈતિહાસને આવરી લેતા આપણા દેશમાં સમયની સાથે સાથે પરિવર્તનો આવતા રહ્યા છે. વ્યક્તિમાં પરિવર્તન, સમાજમાં પરિવર્તન આવ્યા છે, પરંતુ સમયની સાથે સાથે કેટલાક દૂષણો પણ સમાજમાં ફેલાતા રહ્યા છે.

આપણા સમાજની એ વિશેષતા છે કે જ્યારે જ્યારે પણ આવા દૂષણો આવ્યા છે ત્યારે સુધારણાનું કામ સમાજની વચ્ચેથી કોઈએ શરૂ કર્યું હોય છે. એક વખત એવો પણ આવ્યો કે જ્યારે એની નેતાગિરી લેવાનું કામ આપણા દેશના સાધુ-સંત સમાજના હાથમાં હતું. ભારતીય સમાજની એ અદ્દભૂત ક્ષમતા છે કે દરેક સમયે એક દેવ તુલ્ય મહાપુરૂષ મળ્યા છે અને તેમણે દૂષણોને પારખીને તેનાથી મુક્ત થવાનો માર્ગ  બતાવ્યો છે.

શ્રી માધવાચાર્ય પણ એક એવા જ સંત હતા, સમાજ સુધારક  હતા, પોતાના સમયના અગ્ર દૂત  હતા. તેમના એવા અનેક ઉદાહરણ છે કે જ્યારે તેમણે જૂના કુરિવાજો સામે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને સમાજને નવી દિશા દેખાડી હોય. યજ્ઞોમાં પશુ બલિ બંધ કરાવવાની સામાજિક સુધારણા એ શ્રી માધવાચાર્ય જેવા મહાન સંતનું પ્રદાન છે.

આપણો ઈતિહાસ સાક્ષી છે કે આપણા સંતોએ સેંકડો વર્ષ પહેલા સમાજમાં જે કુરિવાજો ચાલતા આવ્યા હતા તેને સુધારવા માટે એક જન આંદોલનની શરૂઆત કરી હતી. તેમણે આ જન આંદોલનને ભક્તિ સાથે જોડી દીધું હતું. ભક્તિનું આ આંદોલન દક્ષિણ ભારતથી શરૂ કરીને, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થઈને ઉત્તર ભારત સુધી પહોંચ્યું હતું.

એ ભક્તિ યુગમાં એ સમયના હિંદુસ્તાનના દરેક ક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ, દરેક દિશા, દરેક ભાષા બોલનારા લોકોના મંદિરો- મઠોમાંથી બહાર નિકળીને આપણા સંતોએ એક ચેતના જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભારતની આત્મા જાગૃતિ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભક્તિ આંદોલનની જ્વાલા દક્ષિણમાં માધવાચાર્ય, નિમ્બાકાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, પશ્ચિમમાં મીરાબાઈ, એકનાથ, તુકારામ, રામદાસ, નરસિંહ મહેતા, ઉત્તરમાં રામાનંદ, કબીરદાસ, ગોસ્વામી તુલસીદાસ, સૂરદાસ, ગુરૂ નાનકદેવ,  સંત રૈદાસ, પૂર્વમાં-ચૈતન્ય મહાપ્રભુ અને શંકર દેવ જેવા સંતોના વિચારોથી બળ પ્રાપ્ત થયું હતું. આ સંતો ઉપર આ મહાપુરૂષોનો એવો પ્રભાવ હતો કે તે હિંદુસ્તાનમાં એ સમયે પણ તમામ અપરાધોનો સામનો કરતા કરતા આગળ વધ્યા હતા અને પોતાને પણ બચાવી શક્યા હતા.

આદિ શંકરાચાર્યએ દેશના ચારે ખૂણે જઈને લોકોને સંસારીપણાથી આગળ વધીને ઈશ્વરમાં લીન થવાનો માર્ગ બતાવ્યો હતો. રામાનુજાચાર્યે વિશિષ્ઠ દ્વૈતવાદની વ્યાખ્યા કરી હતી. તેમણે જાતિની સીમાઓથી અળગા રહીને ઈશ્વરને પ્રાપ્ત કરવાનો માર્ગ બતાવ્યો હતો.

તે કહેતા હતા કે કર્મ, જ્ઞાન અને ભક્તિથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તેમણે દેખાડેલા માર્ગ ઉપર ચાલીને સંત રામાનંદે તમામ જાતિઓ અને ધર્મોના લોકોને પોતાના શિષ્યો બનાવીને જાતિવાદ ઉપર આકરો પ્રહાર કર્યો હતો.

સંત કબીરે પણ જાતિપ્રથા અને કર્મકાંડોથી સમાજને મુક્તિ અપાવવા માટે અથાગ પ્રયાસ કર્યા હતા. તે કહેતા હતા કે પાની કેરા બુલબુલા, અસમાનસ કી જાત ….

જીવનનું આટલું મોટું સત્ય તેમણે આટલા આસાન શબ્દોમાં આપણા સમાજની સામે ધરી દીધું હતું.

ગુરૂ નાનક દેવ કહેતા હતા કે – માનવ કી જાત સભો એક પહેચાનબો.

સંત વલ્લાભાચાર્યે સ્નેહ અને પ્રેમના માર્ગ પર ચાલીને મુક્તિનો માર્ગ દેખાડ્યો હતો.

સંતોની આવી હારમાળા ભારતના જીવંત સમાજનું જ પ્રતિબિંબ છે, પરિણામ છે. સમાજમાં જે કોઈ પડકારો આવે છે તેના ઉત્તરો આદ્યાત્મિક સ્વરૂપે પ્રાપ્ત થતા હોય છે. એટલા માટે જ સમગ્ર દેશમાં કદાચ એવો કોઈ જિલ્લો કે તાલુકો હશે કે જ્યાં કોઈ સંત જન્મયા ન હોય. સંતો, ભારતીય સમાજની પીડાનો ઉપાય બનીને ન આવ્યા હતા.

પોતાના જીવન અને પોતાના ઉપદેશ અને સાહિત્ય દ્વારા તેમણે સમાજને સુધારવાનું કામ કર્યું હતું.

ભક્તિ આંદોલન દરમિયાન ધર્મ, દર્શન અને સાહિત્યનો એવો ત્રિવેણી સંગમ સ્થાપિત થયો કે જે આજે પણ સૌના માટે પ્રેરણાદાયી  બની રહ્યો છે. તે સમયે રહીમે કહ્યું હતું કે-

વે રહીમ નર ધન્ય હૈ

પર ઉપકારી રંગ

બાંટન વારે કો લગે

જ્યોં મહેંદી કો રંગ….

આનો આર્થ એવો થાય છે કે જે રીતે મહેંદી વાટનાર વ્યક્તિને પણ મહેંદીનો રંગ હાથ ઉપર લાગી જાય છે, તે રીતે જે પરોપકારી હોય છે, બીજા લોકોને મદદ કરે છે, તેમની ભલાઈના કામો કરે છે, તેમનું આપોઆપ ભલું થતું હોય છે.

ભક્તિકાળના આ સમયમાં રસખાન, સૂરદાસ, મલિક મોહમ્મદ જાયસી, કેશવદાસ, વિદ્યાપતિ જેવા અનેક મહાન આત્મા પેદા થયા, જેમણે પોતાની વાણી દ્વારા પોતાના સાહિત્ય વડે સમાજને આયનો તો દેખાડ્યો જ પણ સાથે સાથે તેમને સુધારવાનો પ્રયાસ પણ કર્યો.

મનુષ્યની જીંદગીમાં કર્મ, વ્યક્તિના આચરણની જે મહત્તા છે તેને આપણા સાધુ-સંતો હંમેશા સર્વોપરી ગણાવતા હતા.  ગુજરાતના મહાન સંત નરસિંહ મહેતા કહેતા હતા કે – વાચ-કાછ-મન, નિશ્ચલ રાખે, પરધન નવ ઝાલે હાથ રે.

એનો અર્થ એવો થાય છે કે વ્યક્તિએ પોતાન શબ્દો, પોતાના કાર્યો અને પોતાના વિચારોને હંમેશા પવિત્ર રાખવા જોઈએ. પોતાના હાથે બીજાના ધનને સ્પર્શ પણ નહીં કરવો જોઈએ. આજે જ્યારે  દેશ કાળા ધન અને ભ્રષ્ટાચારની સામે આટલી મોટી લડાઈ લડી રહ્યો છે ત્યારે આ વિચારો કેટલા પ્રાસંગિક બની રહ્યા છે.

દુનિયાને અનુભવ મંટપ એટલે કે પહેલી સંસદનો મંત્ર આપનાર મહાન સમાજ સુધારક વશેશ્વર પણ કહેતા હતા કે મનુષ્ય જીવન નિઃસ્વાર્થ કર્મયોગ દ્વારા જ પ્રકાશિત થાય છે. સામાજિક અને વ્યક્તિગત વર્તનમાં સ્વાર્થ આવે છે ત્યારે જ ભ્રષ્ટાચારનું પહેલું કારણ બને છે. નિઃસ્વાર્થ કર્મયોગને જેટલું આગળ ધપાવવામાં આવે તેટલું સમાજમાંથી ભ્રષ્ટ આચરણ ઓછું થશે.

શ્રી માધવાચાર્યએ પણ હંમેશા એ બાબત ઉપર ઉપર ભાર મૂક્યો હતો કે કોઈપણ કામ નાનું કે મોટું નથી હોતું. પૂરી ઈમાનદારીથી કરેલું કામ ઈશ્વરની પૂજા કરવા જેવું બની રહે છે. તે કહેતા હતા કે જે રીતે આપણે સરકારને વેરો ચૂકવીએ છીએ તે રીતે આપણે જ્યારે માનવતાની સેવા કરીએ છીએ ત્યારે તે ઈશ્વરને વેરો ચૂકવવા સમાન છે.

આપણે ગર્વ સાથે કહી શકીએ કે ભારત પાસે એવી મહાન પરંપરાઓ છે, એવા મહાન સંત-મુનિ થયા છે, ઋષિમુનિ, મહાપુરૂષ થયા છે કે જેમણે પોતાની તપસ્યા અને પોતાના જ્ઞાનનો ઉપયોગ રાષ્ટ્રના ભાવિને બદલવા માટે અને રાષ્ટ્ર નિર્માણ માટે કર્યો હતો. આપણા સંતોએ પૂરા સમાજનેઃ

જાતથી જગતની તરફ

વ્યક્તિથી સમષ્ટિ તરફ

અહમથી વયમની તરફ

જીવથી શિવની તરફ

જીવાત્માથી પરમાત્માની તરફ જવા માટે પ્રેરિત કર્યા હતા.

સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, રાજા રામ મોહનરાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જ્યોતિબા ફૂલે, ડો. ભીમરાવ આંબેડકર, મહાત્મા ગાંધી, પાંડુરંગ શાસ્ત્રી આઠવલ્લે, વિનોબા ભાવે જેવા અગણિત સંત પુરૂષોએ ભારતની આદ્યાત્મિક વિચારધારાને હંમેશા ચેતનવંતી રાખી હતી. સમાજમાં ચાલી આવેલા કુરિવાજો વિરૂધ્ધ તેમણે લોક આંદોલન શરૂ કર્યું હતું.

નાતજાતનો ભેદ ત્યજીને જનજાગૃતિ તરફ, ભક્તિથી લઈને જનશક્તિ તરફ, સતિ પ્રથાથી માંડીને સ્વચ્છતા વધારવા સુધી, સામાજિક સમરસતાથી માંડીને શિક્ષણ સુધી અને તંદુરસ્તીથી માંડીને સાહિત્ય સુધી પોતાની છાપ છોડી છે અને જનમાનસને બદલવાનો પ્રયાસ કર્યો છે.

એમના જેવી મહાન વિભૂતિઓએ દેશને એક એવી શક્તિ આપી છે કે જે અદ્દભૂત અને અતુલનિય છે.

ભાઈઓ અને બહેનો,

સામાજિક દૂષણોને ખતમ કરવા માટેની આવી મહાન સંત પરંપરાને કારણે જ આપણે સદીઓથી આપણા સાસ્કૃતિક વારસાને ટકાવી શક્યા છીએ. આવી મહાન સંત પરંપરાને કારણે જ આપણે રાષ્ટ્રનું એકિકરણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાને સાકાર કરતા રહ્યા છીએ.

આવા સંતો કોઈ એક યુગ પૂરતા જ મર્યાદિત રહેતા નથી, કારણ કે યુગો યુગો સુધી તેમનો પ્રભાવ વર્તાતો રહે છે.

આપણા દેશના સંતોએ સમાજને હંમેશા એવી પ્રેરણા આપી છે કે કોઈ ધર્મથી મોટો બીજો ધર્મ હોય તો તે માનવ ધર્મ છે.

આજે પણ આપણા દેશમાં, આપણા સમાજની સામે અનેક પડકારો ઊભેલા છે. આ પડકારોને ખતમ કરવા માટે સંત સમાજ અને મઠ મોટું યોગદાન આપી રહ્યા છે. જ્યારે સંત સમાજ જણાવતો  હોય કે સ્વચ્છતા એ જ ઈશ્વર છે, ત્યારે તેનો પ્રભાવ સરકારની કોઈપણ ઝૂંબેશ કરતા વધારે અસરકારક બનતો હોય છે. આર્થિક શુધ્ધિની પ્રેરણા પણ તેના દ્વારા પ્રાપ્ત થાય છે. ભ્રષ્ટ વર્તન જે આજના સમાજ માટે  પડકારરૂપ બન્યું છે તેનો ઉપાય પણ આધુનિક સંત સમાજ બતાવી શકે તેમ છે.

પર્યાવરણની જાળવણીમાં પણ  સંત  સમાજની મોટી ભૂમિકા રહી છે. આપણી સંસ્કૃતિમાં વૃક્ષોને જીવંત માનવામાં આવ્યા છે. જીવ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. એ પછી ભારતના જ એક સપૂત અને મહાન વૈજ્ઞાનિક ડો. જગદીશચંદ્ર બોઝે પણ આ બાબત દુનિયા સમક્ષ સાચી પૂરવાર કરી હતી, નહીં તો આ અગાઉ દુનિયા આ વાત માનતી જ ન હતી અને આપણી મજાક ઉડાવતી હતી.

આપણા માટે પ્રકૃતિ એ મા છે, તે દોહન માટે નથી, સેવા માટે છે. આપણે ત્યાં  વૃક્ષ માટે પોતાનો જીવ આપી દેવાની પણ પરંપરા રહી છે. ડાળી તોડતા પહેલા પણ પ્રાર્થના કરવામાં આવે છે. જીવજંતુ અને વનસ્પતિને માટે પણ દયા દાખવવાનું આપણને બાળપણથી જ  શિખવવામાં આવે છે.

આપણે આરતી પછી શાંતિ મંત્ર બોલીએ છીએ તેમાં વનસ્પતયઃ શાંતિ, આપઃ શાંતિ બોલીએ છીએ, પણ સત્ય એ છે કે સમયની સાથે સાથે આ પરંપરાઓને પણ હાનિ પહોંચી છે.  આજે સંત સમાજે આ તરફ પણ પોતાના પ્રયાસો આગળ ધપાવવા જોઈએ. જે આપણા ગ્રંથોમાં છે તે આપણી પરંપરાનો હિસ્સો બન્યો છે. તેને વ્યવહારમાં મૂકવા માટે જ જલવાયુ પરિવર્તન (climate change) ના પડકારનો સામનો કરવામાં આવી રહ્યો છે.

આજે પણ તમે જોશો કે સમગ્ર વિશ્વના દેશોમાં  જીવન જીવવાના માર્ગમાં જ્યારે પણ કોઈપણ પ્રકારનો અવરોધ આવે છે ત્યારે દુનિયાની નજર ભારતની સંસ્કૃતિ અને સભ્યતા ઉપર આવીને  અટકતી હોય છે.

એક તરફ વિશ્વની સમસ્ત  સમસ્યાઓનો જવાબ ભારતીય સંસ્કૃતિમાં છે. આ એવું ભારત છે કે જ્યાં સહજ રીતે સ્વિકાર્ય બને તે પ્રકારે એક જ ઈશ્વરને અનેક સ્વરૂપોમાં પૂજવામાં આવે છે. ઋગ્વેદમાં કહ્યું છે કેઃ

એકમ સત વિપરા બહુધા વદન્તી… એક જ પરમ્ સત્યને અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. વિવિધતાને આપણે માત્ર સ્વિકારતા જ નથી, પણ તેનો ઉત્સવ મનાવીએ છીએ.

આપણે વસુધૈવ કુટુમ્બકમ… સમગ્ર પૃથ્વીને એક જ પરિવાર તરીકે માનતા  લોકો છીએ. આપણે કહીએ છીએ કે – સહનાવવતુ સહ નૌ ભુનક્તુ…  સૌને પોષણ મળે, સૌને શક્તિ મળે, કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિથી દ્વેષ ના રાખે, તે જ કટ્ટરતાનો ઉપાય છે. આતંકના મૂળમાં જ એવી  કટ્ટરતા હોય છે કે મારો જ માર્ગ સાચો છે, જ્યારે ભારતમાં માત્ર સિધ્ધાંતના સ્વરૂપમાં જ નહીં, આચરણમાં પણ અનેક વર્ગના લોકો સદીઓથી સાથે રહેતા આવ્યા છે. આપણે સર્વ પંથ સમભાવમાં માનવાવાળા લોકો છીએ.

મારૂં માનવું છે કે આજના આ યુગમાં આપણે સૌ સાથે મળીને રહીએ છીએ. સમાજમાં વ્યાપક બનેલા દૂષણોને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશના વિકાસને માટે પ્રયત્નશીલ છીએ, તેનું એક મોટું કારણ સાધુ-સંતો દ્વારા આપણને મળેલી જ્ઞાન, કર્મ અને ભક્તિની પ્રેરણા છે.

આજના સમયની એક માગ છે કે પૂજાના દેવની સાથે સાથે રાષ્ટ્ર દેવની પણ વાત થાય, પૂજામાં પોતાના ઈષ્ટદેવની સાથે જ ભારત માતાની પણ વાત થાય. અશિક્ષિતતા, અજ્ઞાન, કુપોષણ, કાળુ નાણું, ભ્રષ્ટાચાર જેવા જે દૂષણોએ ભારત માતાને બંધનમાં નાંખી છે તેનાથી આપણા દેશને મુક્ત કરાવવા માટે સંત સમાજ દેશને માર્ગ બતાવતો રહેશે.

હું એવી ઈચ્છા રાખું છું કે આપ સૌ આદ્યાત્મ દ્વારા આપણા દેશની પ્રાણ શક્તિનો અનુભવ લોકોને કરાવતા રહેશો. વયમ્ અમૃતસ્ય પુત્રાહાની ખાતરી જનશક્તિને સબળપણે કરાવતા રહેશો. હું આ શબ્દો સાથે આપ સૌનો આભાર વ્યક્ત કરૂં છું.

ખૂબ ખૂબ ધન્યવાદ.