“તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા”
પ્રિય મિત્રો,
આ કોઈ સામાન્ય શબ્દો નથી. આ એ શબ્દો છે જેણે એક આખા દેશને ઊર્જાથી ભરી દીધો હતો. “તુમ મુઝે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દુંગા”નાં પોકારથી એક માણસે બ્રિટીશ હકુમત સામે પડકાર ફેંક્યો અને સામ્રાજ્યવાદની બેડીઓમાંથી આઝાદ થવા આ દેશનાં લોકોને પ્રેરિત કર્યા. આ માણસ અન્ય કોઈ નહિ પણ નેતાજી સુભાષચંદ્ર બોઝ હતા, જેમની જન્મજ્યંતિ નિમિત્તે આજે આપણે તેમને શ્રધ્ધાંજલિ પાઠવીએ.
ભારતની સ્વતંત્રતાની લડાઈનો યશસ્વી ઈતિહાસ યાદ કરીએ તો નેતાજીનું નામ તેમાં સુવર્ણ અક્ષરે લખેલું જોવા મળશે. તેમનું નામ પ્રત્યેક ભારતીયનાં દિલ અને દિમાગ પર અંકિત થઈ ચૂક્યું છે. આજે દેશ સુભાષબાબુને એક બહાદુર સૈનિક તરીકે યાદ કરે છે, કે જેમણે પોતાના દેશબંધુઓને સ્વતંત્રતા અને સન્માન મળે તે માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. નેતાજીની સંગઠનક્ષમતા અને નેતૃત્વશક્તિ પરિપૂર્ણ હતી. તેમની એક વિશેષતા એ હતી કે તેમણે મહાત્મા ગાંધી સાથે પણ કામ કર્યું હતું અને ક્રાંતિકારી રાષ્ટ્રવાદને વરીને સશસ્ત્ર ચળવળનું સુકાન પણ સંભાળ્યુ હતું.
નેતાજી સાથે ગુજરાતનો એક મજબુત અને કાળસિધ્ધ નાતો રહ્યો છે. ગુજરાતની ધરતી પર હરિપુરા ખાતે ૧૯૩૮ માં તેમનો કોંગ્રેસનાં પ્રમુખપદે વિજય થયો હતો. નેતાજી બોઝે જ્યારે જર્મનીમાં પોતાનો રેડિયો શરૂ કર્યો ત્યારે ગુજરાતનાં શ્રી એમ.આર.વ્યાસે તેની કામગીરીમાં અગત્યની ભુમિકા ભજવી હતી. ગુજરાતી ભુમિનાં જ એક પુત્ર શ્રી અમૃતલાલ શેઠે ‘જન્મભુમિ’ અખબારમાં ઈન્ડિયન નેશનલ આર્મી (INA) અંગેની ખબરો લખી હતી, દેશભરમાં આ પ્રકારની આ પહેલી ઘટના હતી.
સુભાષજ્યંતિનાં આ અવસરે મારું મન ૨૦૦૯ માં પાછું ફરીને જોઈ રહ્યું છે, જ્યારે આ જ દિવસે ગુજરાતે ગ્રામ્યવિકાસ માટે ટેક્નોલોજીનાં વિનિયોગનો એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. આપણે ગુજરાતનાં ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટીવીટી સજ્જ કરનારા “ઈ-ગ્રામ, વિશ્વ ગ્રામ” પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. આપણે હરિપુરાથી આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી, એ જ જગ્યા જ્યાંથી સુભાષબાબુએ આઝાદીની લડત માટે આહવાન કર્યું હતું. આ પહેલે આપણી વિકાસયાત્રામાં મોટું યોગદાન આપ્યુ છે.
ફરી એકવાર, હું સુભાષબાબુને તેમની જન્મજ્યંતિ નિમિત્તે હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવું છું. સુભાષબાબુની દેશભક્તિની ભાવના પેઢીઓથી આપણી માતૃભુમિનાં સપૂતોને પ્રેરિત કરતી આવી રહી છે.
જયહિન્દ,
નરેન્દ્ર મોદી