ધોલેરા SIR નજીક આકાર લેશે નેનો સિટી ગ્લોબલ નોલેજ એપિસેન્ટર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી સમક્ષ આજે વિશ્વખ્યાત ઇન્ફરમેશન ટેકનોલોજી ક્ષેત્રના અગ્રેસરશ્રી સબીર ભાટીયાએ ધોલેરા નજીક નેનોસિટી (NANOCITY) નિર્માણના મહત્વાકાંક્ષી પ્રોજેકટનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
ગુજરાત સરકારના ધોલેરા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન) સંલગ્ન સૂચિત નેનોસિટીનો આ પ્રોજેકટ ગુજરાતને ગ્લોબલ નોલેજ એપીસેન્ટરનું ગૌરવ અપાવશે એમ શ્રી સબીર ભાટીયાએ નેનોસિટીના નિર્માણ ઉદેશો પ્રસ્તુત કરતા જણાવ્યું હતું.
સૂચિત નેનોસિટીના આ નિર્માતાએ ભારત જેવા રાષ્ટ્રની યુવાશકિતના બૌધ્ધિક કૌશલ્યને નવા આયામો અને સંશોધનો માટે પ્રેરિત કરવાની ર૧મી સદીની પ્રમુખ આવશ્યકતા ગણાવતા મુખ્યમંત્રીશ્રીના વિઝનની પ્રસંશા કરી હતી. એકંદરે ૪૦૦૦ એકરમાં સંપૂર્ણપણે વિકસીત થનારા નેનોસિટી પ્રોજેકટનો પ્રારંભ એનર્જી સેકટરમાં ઇનોવેશન એન્ડ રિસર્ચ માટેની વર્લ્ડ કલાસ સુવિધાનો અવસર પૂરો પાડશે, જે ૩૦૦ એકરમાં આકાર લઇ શકશે.
મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા SIRની વિશેષતાઓ સાથે ગુજરાતની ધરતી ઉપર કુદરતી ખનીજ સંપતિના એનર્જી પેટ્રોલિયમ રિસોર્સીઝના વિકાસ અને ગુજરાતમાં સૌરશકિત ઊર્જાની વિપુલ સંભાવનાઓનો સંયુકતપણે મહત્તમ વિનિયોગ કરીને પેટ્રોલિયમ અને સોલાર એનર્જીના સેકટરમાં સંશોધન-વિકાસ તથા નવતર પ્રયોગો માટેનું વિશાળ ફલક ઉપલબ્ધ છે તેની ભૂમિકા આપી હતી અને નેનોસિટી પ્રોજેકટને સાકાર કરવા માટે રાજ્ય સરકારના વિધેયાત્મક સહયોગની તત્પરતા વ્યકત કરી હતી.
આ બેઠકમાં ઉઘોગ રાજ્ય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતી, તથા વરિષ્ઠ સચિવશ્રીઓ સર્વશ્રી એમ. શ્રીવાસ્તવ, એમ. શાહુ, શ્રી કે. કૈલાસનાથન, એ. કે. શર્મા સહિત નેનોસિટીના પ્રમોટર્સ શ્રી સબીર ભાટીયા, યોગેશ પટેલ અને ટીમ સહયોગીઓ ઉપસ્થિત હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર વર્લ્ડ કલાસ આઇ-ક્રીએટ (I-create) ઇન્કયુબેશન એન્ડ એન્ટરપિ્રનિયોર્સ ઇનોવેશન સેન્ટર શ્રી નારાયણ મૂર્તિના નેતૃત્વમાં શરૂ કરી રહ્યું છે તેની પણ રૂપરેખા આપી હતી.