"Water level in Sardar Sarovar Dam expected to reach 123 metres by late evening"
"Sardar Sarovar Dam overflows after crossing the maximum height of 121.92 metres"

મોડી સાંજ સુધીમાં ડેમની સપાટી ૧૨૩ મીટર થવાની સંભાવના

રાજપીપળા, ગુરૂવાર :- નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તેમજ ઇન્દિરા સાગર ડેમમાંથી ગઇકાલે ૧.૫ લાખ ક્યુસેક પાણીનો ફ્લો છોડવા ઉપરાંત આજે સવારે પણ ૨.૫ લાખ ક્યુસેક પાણીનો ફ્લો છોડવામાં આવતાં નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતેના સરદાર સરોવર બંધના સ્થળે આજે સવારે ૧૦=૧૫ ના સુમારે નર્મદા ડેમ તેની મહત્તમ ૧૨૧.૯૨ મીટરની સપાટી વટાવીને ચાલુ ચોમાસાની ઋતુમાં નર્મદા ડેમ સૌ પ્રથમ ઓવરફ્લો થઇ ડેમ છલકાયો છે.

સરદાર સરોવર નર્મદા વિકાસ નિગમના કેવડીયા કોલોની ખાતેના ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.ટી.મેથ્યુએ આપેલી માહિતી મુજબ આજે તા.૧૮ મી જુલાઇ, ૨૦૧૩ ને ગુરૂવારના રોજ સવારે ૧૧=૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૨૨.૦૩ મીટરે પહોંચી હતી. ત્યારબાદ બપોરે ૩=૦૦ વાગ્યાની પરિસ્થિતિએ આ સપાટી ૧૨૨.૫૩ મીટર થવા પામી હતી. અને આ સપાટી આજે મોડી સાંજે ૧૨૩ મીટર સુધી પહોંચવાની સંભાવના હોવાનું પણ શ્રી મેથ્યુએ ઉમેર્યું હતું.

નર્મદા ડેમ ખાતેના વિદ્યુત મથકના તમામ ૬ જેટલા યુનિટો ગત તા.૧૬ મી જૂન, ૨૦૧૩ થી કાર્યરત છે અને તેમાંથી યુનિટ દીઠ રોજનું ૧૭૦ થી ૧૭૫ મેગાવોટ વીજ ઉત્પાદન મેળવવામાં આવી રહ્યું છે. કેનાલ હેડમાં પણ બે મશીનો કાર્યરત કરવામાં આવ્યાં હોવાનું શ્રી મેથ્યુએ જણાવ્યું હતું. નર્મદા ડેમના નિચાણવાળા વિસ્તારોમાં હાલ કોઇ મુશ્કેલી ન હોવાના અહેવાલ પણ શ્રી મેથ્યુ તરફથી પ્રાપ્ત થયા છે.