"Shri Narendra Modi Addressing the Global Indian Diaspora Through Video Conferencing"

 

પ સૌને નમસ્કાર..! આભાર..! આપ સૌને શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ..! ભારતમાં આજે શિવરાત્રીના પર્વનો શુભ દિવસ છે અને મહાકુંભનો આજે સમાપન દિવસ પણ છે. કોઈ કોઈવાર લાગે છે કે ભારતમાં જે પ્રકારે આ મહાકુંભનું આયોજન થાય છે, તે મહાકુંભ જો વિશ્વના કોઈ અલગ દેશમાં યોજાયો હોય તો કોણ જાણે કેટકેટલાં વિવિધ પાસાંઓ ઉપર, તેની શ્રદ્ધાના સંબંધમાં, તેના આયોજનના સંબંધમાં, આટલી મોટી સંખ્યામાં મિલીયન્સ ઑફ મિલીયન લોકોનું એકઠા થવું... એટલે કે દરેક દિવસે એવું લાગતું હતું કે જાણે યૂરોપનો કોઈ નાનકડો દેશ ગંગાના કિનારા ઉપર રોજ એકઠો થાય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, સામાન્ય રીતે તેને મૂલવી ન શકાય. પરંતુ પશ્ચિમના દેશો પાસે જે પ્રકારે ચીજોનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવાનું કૌશલ્ય છે. આ ઘટના આટલી સક્ષમ હોવા છતાં પણ આપણે દુનિયાની સામે આપણા દેશના લોકોની આ શક્તિનો પરિચય નથી કરાવી શકતા. આજે શિવરાત્રી છે, ભગવાન શિવજીને આખું હિંદુસ્તાન યાદ કરે છે.

પણા દેશમાં અનેક દેવી-દેવતાઓની કલ્પના છે અને આ તમામ દેવી-દેવતાઓની કલ્પનાના માધ્યમથી આપણે જીવનમાં કંઈક શીખવાનો પ્રયત્ન કરીએ છીએ. આજે આખું વિશ્વ ગ્લોબલ વાર્મિંગના કારણે પરેશાન છે, દરેક ચિંતિત છે કે ગ્લોબલ વાર્મિંગના કારણે આવનારા દિવસોમાં હાલત શું હશે..! દરેકના મનમાં એક ચિંતાનો વિષય છે. પરંતુ ક્યારેક-ક્યારેક આપણા પૂર્વજોએ ભગવાનની જે કલ્પના કરી છે, ઈશ્વરના સ્વરૂપ પ્રત્યે તેમના મનમાં જે ભાવ પેદા થયો છે, તેમાં એક વાત વિશેષ રૂપથી ધ્યાને લેવાય છે. હિંદુસ્તાનમાં જેટલા પણ ભગવાનોની કલ્પના છે તે તમામને પ્રકૃતિ સાથે જોડવામાં આવેલ છે. આપણા કોઈ ઈશ્વરની કલ્પના એવી નથી જેની સાથે કોઈ વૃક્ષ જોડાયેલું ના હોય, કોઈને કોઈ વૃક્ષને કોઈને કોઈ ઈશ્વર સાથે જોડી દીધું છે. એટલું જ નહીં, દરેક ઈશ્વરને, પરમાત્માના દરેક સ્વરૂપને, કોઈને કોઈ પશુ સાથે કે પક્ષી સાથે જોડી દીધું છે. અને આ ચીજોથી એક મૈસેજ આપવાનો પ્રયત્ન થયો કે પરમાત્માના જે સ્વરૂપની તમે પૂજા કરો છો, તે પરમાત્મા પ્રકૃતિને કેવો પ્રેમ કરે છે, તે પ્રકૃતિની સાથે કેટલા જોડાયેલા રહે છે..! જો તમારે પણ પ્રકૃતિને છોડીને ફક્ત પરમાત્માની પૂજા કરવી હશે તો, તે સંપૂર્ણ નથી. આ ટોટલ પૈકેજ ડીલ થાય છે. જો શિવજીની પૂજા કરીએ, તો બિલીના વૃક્ષની પણ, બિલીપત્રની પૂજા થાય છે. અને તમે જુઓ, શિવજીના પરિવારની કમાલ..! શિવજીના પરિવારની એક વિશેષતા જુઓ..! ગણેશજી, કાર્તિકેય, શિવજી, પાર્વતીજી... આપણે ત્યાં માન્યતા છે કે સાપ ઉંદરને ખાઈ જાય છે. સાપનો આહાર ઉંદર હોય છે. પરંતુ શિવજીના પરિવારમાં સાપ અને ઉંદર સાથે સાથે રહે છે. ગણેશજીનું વાહન ઉંદર છે, તો શિવજીના ગળામાં સાપ રહે છે... તમે કલ્પના કરી શકો છો કે કૉ-એગ્ઝિસ્ટેન્સ માટે આનાથી મોટો મૈસેજ શું હોઈ શકે છે..! પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, પ્રકૃતિનું મહાત્મ્ય..! અને જે ત્યાં બેઠેલા લોકોમાં જૂની પેઢીના લોકો હશે, જે આયુર્વેદને જાણે છે, તેમને ખબર હશે કે બિલીનું એક ફળ થાય છે, બિલીપત્રથી આપણે શિવજીની પૂજા કરીએ છીએ. પરંતુ આજે પણ કહેવાય છે કે શિવજીએ ઝેર પીધું હતું, અને ઝેર પીને એક ખૂબ મોટા સંકટમાંથી બચીને તેઓ બહાર નીકળ્યા હતા. પરંતુ આજે આપણું આયુર્વેદ કહે છે કે બિલીપત્રની સાથે એક બિલીનું ફળ પણ હોય છે, અને તે ફળનો રસ પેટની દરેક બિમારીના ઉત્તમ ઉપચારના રૂપમાં આજે પણ કામ આવે છે. એટલે કે સ્વાભાવિક રૂપે ઈશ્વરના સ્વરૂપની સાધના અને આરાધના કરતાં કરતાં કેવી રીતે આપણે ત્યાં લોક શિક્ષણનું કામ થાય છે, પેઢીઓ સુધી લોકોને શિક્ષિત કરવાની કેવી પરંપરા રહી છે..! અને હિંદુસ્તાનના દરેક ખૂણામાં, દુનિયાના દરેક ખૂણામાં જ્યાં-જ્યાં ભારતીય બંધુ છે, આજે શિવજીની આરાધના કરે છે. હું આ શિવરાત્રીના શુભ પર્વ ઉપર તેમને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું..!

ભાઈઓ-બહેનો, આ 21 મી સદી છે, જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે અને તમને લાગતું હશે કે એક રાજનેતા, એક રાજ્યના મુખ્યમંત્રી, આ સવાર સવારમાં શિવજીની કથા સંભળાવવા લાગ્યા..! તમારા મનમાં સવાલ ઉઠવાનું ખૂબ સ્વાભાવિક છે. પરંતુ ભાઈઓ અને બહેનો, સાર્વજનિક જીવનમાં શિવજીમાંથી એક પ્રેરણા તો જરૂર મળે છે, અને તે પ્રેરણા છે ઝેર પીવાની અને ઝેર પચાવવાની..! ઈશ્વર આપણને શક્તિ આપે કે આપણે પણ દરેક પ્રકારની કડવાશ, બુરાઈઓ, વિકૃતિઓના સ્વરૂપે જે ઝેર છે, તે ઝેરને પચાવીને આપણી અંદર અમૃત- વર્ષાની સંભાવના પેદા થાય. આપણા મન-મસ્તિષ્ક, આપણા મન-મંદિર અમૃતથી ભરેલ હોય, જેથી આપણો પ્રત્યેક શબ્દ, આપણી વાણી, આપણો વ્યવહાર, આપણું આચરણ, સમગ્ર સૃષ્ટિને અમૃતમય અનુભૂતિ કરાવી શકે. અને આપણે હિંદુસ્તાની જે પરંપરાઓ સાથે જોડાયેલા છીએ, આપણે ચોક્કસ, જો ઈચ્છીએ. આપણે જો વિચારીએ, જો નક્કી કરીએ, તો આજે પણ આપણા લોકોમાં તે સામર્થ્ય છે કે આપણે તે કરી શકીએ. આપણા પૂર્વજોનો તો એ મંત્ર રહ્યો હતો કે ’વયમ અમૃતસ્ય પુત્રા:’..! આપણે અમૃતનું જ રૂપ છીએ, ‘અમૃતમ’ - આ વિચારના આપણે લોકો છીએ અને એટલા માટે ભાઈઓ-બહેનો, જેની પાસે આ સામર્થ્ય છે. તે ઘણું ઘણું નક્કી કરી શકે છે.

ભાઈઓ-બહેનો, આજે ફરી એકવાર મને શિવરાત્રીના આ પાવન પર્વે આપને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અનેકવાર તમારા લોકોની વચ્ચે આવવાનો અવસર મળ્યો. છે, ભારતીય સમાજના, ગુજરાતી સમાજના અનેક-અનેક કાર્યક્રમોમાં આવવાનું થયું છે. આ વખતે અબ્રેલા ઓર્ગેનાઈઝેશનના રૂપમાં ઓવરસીઝ ફેન્સ ઑફ બીજેપીના મિત્રોએ ઇનિશ્યટિવ લીધું. અહીં તમામના નામ તો નથી ગણતો કારણ કે કોઈનું નામ છૂટી જાય તો ખરાબ લાગે. પરંતુ બધાએ સાથે મળીને સતત ભારતની સાથે જોડી રહેવાનો પ્રયાસ, અવિરત ભારતની ગતિવિધિઓની સાથે, પોતાની જાતને જોડવાનો નિરંતર પ્રયાસ એ પોતાની રીતે જ એક શુભ સંકેત છે. મિત્રો, આપણે કોઈપણ દેશમાં રહેતા હોય, કોઈપણ કામ કરતા હોય, પરંતુ આપણી ધરતી સાથે આપણો ઘરોબો રહે, આપણી સંસ્કૃતિની સાથે આપણો ઘરોબો રહે, આપણી પરંપરાઓની સાથે આપણો ઘરોબો રહે, આપણી ભાષાની સાથે આપણો ઘરોબો રહે. તેનું પોતાનું એક મહત્વ છે દુનિયામાં, આજે પણ તમે મોરેશિયસ જાઓ, વેસ્ટ ઈન્ડિઝ જાઓ, સવાસો-દોઢસો વર્ષ પહેલા મજૂરના રૂપમાં જે ગયા, એક રામાયણની ચોપાઈએ આજે પણ હિંદુસ્તાનની સાથે તેમને જોડી રાખ્યા છે. મને વિશ્વાસ છે કે ફેલાયેલા મારા ભાઈ-બહેન, જેમનો ભારત પ્રત્યે અપાર સ્નેહ છે, જો તેમની પાસે કોઈપણ ખરાબ સમાચાર આવે તો રાતભર વિદેશમાં રહેવાવાળા મારા ભાઈ-બહેન બૈચેન થઈ જાય છે. આ તમારો જે ભારત પ્રેમ છે, તમારી જે ભારત ભક્તિ છે, એ હંમેશા કાયમ રહે અને આ તમારું જે ભાવ વિશ્વ છે, ભાવ વિશ્વ, જ્યારે મોકો મળે, ભારતના વિકાસ માટે કામ આવે, ભારતની ઉન્નતિ માટે કામ આવે. ભારતના ગરીબમાં ગરીબ લોકોની ભલાઈ માટે કામ આવે.

મિત્રો, હું આજકાલ જોઈ રહ્યો છું કે મને વર્ષમાં 12-15 ડેલિગેશન એવાં મળે છે જેઓ વિદેશમાંથી આવે છે અને કોઈને કોઈ યોજના લઈને આવે છે. તેઓ વેકેશનમાં ક્યાંકને ક્યાંક ફરવાને બદલે હિંદુસ્તાનમાં આવીને ક્યાંક હેલ્થનો કેમ્પ, ક્યાંક ડાયગ્નોસિસનો કેમ્પ, ક્યાંક શિક્ષાની પ્રવૃત્તિ, તે તેના પોતાનામાં એક સારી શરૂઆત છે. એટલું જ નહીં, આ દિવસોમાં હું જોઈ રહ્યો છું કે જે અમેરિકામાં જન્મેલા હિંદુસ્તાની મૂળના બાળકો છે, જેમણે હિંદુસ્તાન કદી જોયું નથી. એમનો જન્મ વિદેશમાં જ ક્યાંક થયો છે, આજે 18-20 વર્ષની વય થતાં થતાં, જેમણે હિંદુસ્તાન કદી જોયું જ ન હતું. આજે હિંદુસ્તાન આવે છે, ભારતના ગામડા-ગરીબની સેવામાં પોતાનું સમય વિતાવે છે. દરેક નવયુવાન એક-એક વર્ષ રહે છે, આ જે ધગશ છે આપણા દેશ માટે કશુંક કરવાની, હું તેનું સન્માન કરું છું, એવા જેટલા પણ નવયુવાનો છે, હિંદુસ્તાનમાં કંઈ કરવા માટે આવે છે. દેશ માટે કંઈ કરવાનો પ્રયાસ કરે છે, માનવતા માટે કંઈને કંઈ કરવાનો પ્રયાસ કરે છે તે તમામને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

ભાઈઓ-બહેનો, આખા વિશ્વમાં ગયા બે-ત્રણ દાયકાથી એક ચર્ચા સતત ચાલી રહી છે. અને આ ચર્ચા એ ચાલી રહી છે કે 21 મી સદીનું નેતૃત્વ કોણ કરશે? ભાઈઓ બહેનો, 19 મી શતાબ્દિ યૂરોપની રહી. જ્યારે વિશ્વમાં ઔદ્યોગિક ક્રાન્તિ થઈ, ત્યારે આપણે ગુલામ હતા. આપણી પાસે સારી ક્ષમતાઓ હતી, આપણું ઢાકાનું મલમલ આખા વિશ્વમાં મશહુર હતું. આપણે ઔદ્યોગિક જગતમાં એક સ્થાન મેળવી લીધું હતું. પરંતુ કારણ કે આપણે એક ગુલામ દેશ હતા, અંગ્રેજ આપણા ઉપર શાસન કરતા હતા. આપણને તે ઔદ્યોગિક ક્રાંતિનો લાભ નથી મળ્યો. જો આપણે તે સમયે સ્વતંત્ર હોત તો હું તમામ શક્યતા જોવું છું કે આપણને આખા વિશ્વનું નેતૃત્વ કરવાનું સૌભાગ્ય મળ્યું હોત. આજે ઈતિહાસની અટારીથી જે કંઈપણ ચીજો આપણને પ્રાપ્ત થાય છે તેનાથી સ્પષ્ટ જણાય છે કે આપણી અંદર તે ક્ષમતા હતી, આપણે તે ચીજોને અચીવ કરી. આપણે તે કરી શકતા હતા પરંતુ દેશ ગુલામ થવાને કારણે તે તક આપણા હાથમાંથી નીકળી ગઈ. ભાઈઓ-બહેનો, 20 મી શતાબ્દિમાં અમેરિકાએ જુદા-જુદા પ્રકારની પોતાની વ્યવસ્થાઓ દ્વારા આખા વિશ્વમાં પોતાનો દબદબો બનાવી રાખ્યો. ચીને પણ પોતાનું મસ્તક ઊંચું રાખવાની કોશિશ કરી, પરંતુ 20 મી શતાબ્દિમાં પણ આપણે આઝાદીની લડાઈની તીવ્રતા પર હતા, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દેશ આઝાદીના આંદોલનમાં જોડાયેલો હતો. અને તેના કારણે 20 મી શતાબ્દિ પણ આપણા નસીબમાં ના આવી. પરંતુ 20 મી શતાબ્દિના સેકન્ડ હાફમાં આપણે એક સ્વતંત્ર ભારતના રૂપમાં ઊભર્યા. સો કરોડનો દેશ દુનિયાનું ધ્યાન આકર્ષિત કરે, તે સ્વાભાવિક હતું. વિશ્વ આપણી સામે જોઈ રહ્યું હતું અને 20 મી શતાબ્દિનો ઉત્તરાર્ધ આવતા આવતા આખા વિશ્વના પંડિતોએ માની લીધું હતું કે 21 મી સદી એશિયાની સદી છે. ડિબેટ એ થતી કે ચાઈના લીડ કરશે કે હિંદુસ્તાન લીડ કરશે..? ભાઈઓ-બહેનો, જ્યારે અટલ બિહારી બાજપાઈના નેતૃત્વમાં એન.ડી.એ. સરકાર ચાલી રહી હતી, 20 મી શતાબ્દિના આખરના દિવસો હતા. એકવાર દેશમાં, આખા વિશ્વમાં એક માહોલ બની ગયો હતો. કે હા, ભાઈ, હવે હિંદુસ્તાન કંઈક કરશે. અને, ખાસ કરીને વાજપાઈની સરકાર બનવાના થોડાક જ મહિનામાં, જ્યારે ન્યૂક્લિયર ટેસ્ટ કર્યો તો વિશ્વભરમાં ભારત માટે પ્રેમ ધરાવતા લોકોમાં એક નવો વિશ્વાસ પેદા થયો હતો. એ એક ઘટનાએ વિશ્વભરમાં ફેલાયેલા હિંદુસ્તાની, જે વારંવાર મસ્તક નીચું કરીને જીવવા માટે મજબૂર બનતા હતા. છાતી કાઢીને ઊભા ન રહી શકતા. વાજપાઈજીના અભૂતપૂર્વ નિર્ણયના કારણે આખા વિશ્વમાં ફેલાએલા ભારતીય સમાજમાં એક નવી ચેતનાનું વાતાવરણ બન્યું. ભાઈઓ-બહેનો, અને ત્યારથી લઈને જે યાત્રાનો આરંભ થયો હતો, એવું લાગી રહ્યું હતું કે 21 મી સદીનું નેતૃત્વ ભારત જ કરશે, આપણે ઘણા આગળ નીકળી જઈશું, આ વિશ્વાસ ઊભો થયો હતો. પરંતુ આપણી કમનસીબી છે કે 21 મી સદીના પહેલા દશકાના છેલ્લા સાત વર્ષનો સમય, એ ઘટનાઓની પરંપરાઓમાં સડતો રહ્યો છે, જેના કારણે આખા વિશ્વમાં આપણે નીચું જોવાનો વારો આવ્યો. હમણાં એચ.આર,શાહ ટ્રિપલ સી. ની વાત કરી રહ્યા હતા, હું સાંભળી રહ્યો હતો.

ભાઈઓ-બહેનો, ઘણી બધી એવી વાતો છે જેના કારણે એક ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ભાઈઓ-બહેનો, એક બાજુ આ પ્રકારની સ્થિતિ અને બીજી બાજુ, આ માહોલમાં જ્યારે ચારે તરફ અંધકાર હોય. ક્યાંય દૂર-સુદૂર એક દીવો પ્રજ્વલિત હોય તો એના પર ધ્યાન જવું ખૂબ સ્વાભાવિક છે. આવા માહોલમાં ગુજરાતે તે દીવો પ્રજ્વલિત કરવાનું કામ કર્યું છે. એક આશાનો સંચાર કરવાનું કામ કર્યું, ખૂબ તેજ ગતિથી ઉપર ઉઠ્યો છે હિંદુસ્તાન 21 મી સદીના પ્રારંભના વર્ષોમાં જ આ પ્રકારે તેની હાલત થઈ જાય તો ચિંતા કરવાનું સ્વાભાવિક છે. આવા સમયમાં ગુજરાતની વિકાસ યાત્રાની ચર્ચા દેશ અને દુનિયામાં પહોંચે. વિશ્વના લોકો ગુજરાતની તરફ જોવા લાગ્યા. 21 મી સદીના પહેલા દસકામાં બે-બે વાર રિસેશનનું મોટું જોખમ પેદા થયું, આખી અર્થ વ્યવસ્થા, અમેરિકા જેવો દેશ પણ રિસેશનના કારણે હલી ગયો. આર્થિક સંકટ આખા વિશ્વને ઘમરોળી રહ્યું હતું. તે નિરાશાના માહોલમાં પણ ગુજરાતના આર્થિક વિકાસની કોશિશ ચાલુ રહી, તે સંકટ સમયમાં પણ, અમે તે પરિસ્થિતિઓ સ્વીકારવાની કોશિશ કરી, જેમાં અમે રોકાયા નહીં. મિત્રો, જ્યારે દુનિયામાં રિસેશન આવ્યું તો અમારા મનમાં પણ એક વિચાર આવ્યો કે ભલે મંદીનો માહોલ કેમ ન હોય? પરંતુ જે વેપારી છે. ઉદ્યોગકારી છે તેઓ પોતાના કારખાના બંધ કરવા નથી માગતા. તેઓ કમ્પેટિટિવ વર્લ્ડની અંદર પોતાની પ્રોડક્ટને સસ્તામાં તૈયાર કરીને ઊભા રહેવા માગે છે. અને એટલા માટે, જો મૅન્યુફેક્ચરિંગ પ્રોસેસને, એફિશિયેટ કરવી, સસ્તામાં થશે, આ જો આપણે પ્લેટફોર્મ ક્રિએટ કરીએ, તો દુનિયામાં મંદીનો માહોલ હોવા છતાં લોકો આપણી તરફ આવશે. તો અમે તે વ્યૂને અપનાવ્યો. તે વ્યૂનું પરિણામ એ આવ્યું, કે ગુડ ગવર્નન્સના કારણે, ઍફિશિયન્સીના કારણે, પીસફુલ લેબરના કારણે, ચીપ લેબરના કારણે, મૅન્યુફૅક્ચરિંગ સૅક્ટરને લાગ્યું કે જો દુનિયામાં ટકવું હશે અને સસ્તામાં પોતાનો માલ તૈયાર કરવો હશે તો હિંદુસ્તાનમાં એક તક છે અને ગુજરાત આમંત્રણ આપી રહ્યું છે, અને તેનો અમને ફાયદો મળ્યો.

ભાઈઓ-બહેનો, આજે આખી દુનિયાએ આ સ્પર્ધામાં ઝઝૂમવું પડે છે. ભારત એક એવો દેશ છે જેની પાસે સર્વાધિક નવયુવાનો છે. અમેરિકામાં બેઠેલા મારા ભાઈઓ-બહેનો, તમને એ જાણીને ખુશી થશે. આજે હિંદુસ્તાન દુનિયાનો સૌથી નવયુવાન દેશ છે. આપણી 65% જનસંખ્યા 35 વર્ષથી નીચેની વયજૂથની છે. તમે કલ્પના કરી શકો છો, આટલા યૌવનથી ભરેલો આ દેશ, જેના નવયુવાનોમાં નવયુવાન સપના હોય છે, જેનામાં સાહસ હોય છે, સામર્થ્ય હોય છે, જો તે શક્તિ પર આપણે કૉન્સન્ટ્રેટ કરીએ તો આપણે કેટલી પરિસ્થિતિઓ બદલી શકીએ. ભાઈઓ-બહેનો, ગુજરાતે યુવાનો પર ભાર દેવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષ સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતિ મનાવવાનો અવસર છે. મારું સૌભાગ્ય રહ્યું છે કે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદજીના ભાષણની જ્યારે શતાબ્દિ મનાવવામાં આવી રહી હતી, ત્યારે હું અમેરિકા આવીને તે કાર્યક્રમમાં સામેલ થયો હતો. મારું એ સદભાગ્ય રહ્યું હતું કે શિકાગોના તે સભાખંડમાં જઈને સ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલિ આપી શક્યો હતો. ભાઈઓ-બહેનો, ઓગણચાલીસ વર્ષની નાની ઉંમરમાં સ્વામીજીએ વિદાય લઈ લીધી હતી. પરંતુ, આખા વિશ્વમાં આજે પણ, જ્યાં પણ ભારતીય સમાજ રહે છે, આજે પણ યુવા પેઢી સ્વામી વિવેકાનંદજી પાસેથી પ્રેરણા લે છે, તેમણે આધ્યાત્મની ઊંચાઈઓનો રસ્તો બતાવ્યો હતો, તેમણે અધ્યાત્મને ભારત ભક્તિ સાથે જોડી દીધું હતું. તેમણે ભારત ભક્તિને જ આધ્યાત્મની ઊંચાઈનો રસ્તો બતાવી દીધો હતો. અને ભાઈઓ-બહેનો, ગુજરાતી હોવાના નાતે મને એક એ પણ ગર્વ થાય છે. કદાચ, અમેરિકામાં રહેવાવાળા ઘણા લોકોને માટે આ જાણકારી નવી પણ હોઈ શકે છે. સ્વામી વિવેકાનંદજી જે ધર્મ પરિષદમાં આવ્યા હતા, તે ધર્મ પરિષદમાં આપણા ગુજરાતના પણ એક નવયુવાન આવ્યા હતા. વીરચંદ ગાંધી, ભાવનગર જિલ્લાના રહેવાસી હતા. ખૂબ વિદ્વાન હતો, અને જ્યારે તે અમેરિકા આવ્યો, વિશ્વ ધર્મ પરિષદમાં તેનું ભાષણ થયું, 29 વર્ષની તેની ઉંમર હતી. અને અમેરિકામાં તેણે કેટલાય વર્ષો સુધી રહીને અમેરિકાના તમામ મોટા શહેરોમાં ભારતીય સંસ્કૃતિની વાત કહી હતી. વિવેકાનંદજીની ખૂબ નજીક હતા, તેમની પઢાઈ ગાંધીજીની સાથે થઈ હતી. અને આજે પણ શિકાગોમાં વીરચંદજીની પ્રતિમા છે. ઘણા ઓછા લોકોને ખબર હશે. અને જોગાનુજોગ જુઓ કે વિવેકાનંદજી એટ દ એજ ઑફ 39 આપણને છોડીને જતા રહ્યા અને વીરચંદ ગાંધી પણ એટ દ એજ ઑફ 37 આપણને છોડીને જતા રહ્યા. અને અમારા ગુજરાતમાં તો એક પુસ્તક પણ પ્રકાશિત થયું છે, ‘ગાંધી બિફોર ગાંધી’. મોહનલાલ કરમચંદ ગાંધીની પહેલાં વીરચંદ ગાંધીએ સ્વામી વિવેકાનંદજીની સાથે જઈને અમેરિકામાં કેવી રીતે ભારતીય સંસ્કૃતિનો ઝંડો લહેરાવ્યો હતો..! ભાઈઓ-બહેનો, આ ઈતિહાસના પાનાં છે, જેમને ખબર નથી કેમ અમને અંધારામાં નાખી દીધા છે. આ બધી ચીજોને બહાર લાવવાથી ગૌરવ મળે છે, એક પ્રેરણા મળે છે, એક આનંદ મળે છે, એક નવી ઊર્જા મળે છે.

ભાઈઓ-બહેનો, સ્વામી વિવેકાનંદ હંમેશા કહેતા હતા કે દેશના નવયુવાનો જ દેશનું ભાગ્ય બદલશે. આજે સમય આવ્યો છે. દુનિયાનો સૌથી યુવાન દેશ જો હિંદુસ્તાન છે તો યુવા શક્તિના બળ પર આપણે વિશ્વની ભલાઈ માટે સામર્થ્યને એક સૂત્ર થઈને આગળ વધવાનો સમય પાકી ગયો છે. અને મિત્રો, ભારતનું આગળ વધવું એ વિશ્વ કલ્યાણનું કામ છે. આજે શિવરાત્રી છે, શિવનું બીજું નામ પણ કલ્યાણ થાય છે. ‘તનમે મન: શિવ સંકલ્પમસ્તુ’, તેવું આપણે કહીએ છીએ. સારા સંકલ્પોનો એક સમય હોય છે, કલ્યાણકારી સંકલ્પોનો એક અર્થ હોય છે. માનવજાતના કલ્યાણ માટે સંકલ્પબદ્ધ આપણે સમાજ, આપણી યુવા પેઢીને લઈને સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતિ મનાવતા એક નવી ઊર્જા સાથે દોસ્તો કેવી રીતે આગળ વધારી શકીએ છીએ. અમે ગુજરાતમાં સ્વામી વિવેકાનંદજીની 150 મી જયંતિને ‘યુવા વર્ષ’ના રૂપમાં મનાવવાનું નક્કી કર્યું છે અને ‘યુવા વર્ષ’ પણ એક જનરલ ટર્મ નહીં, કહેવા પૂરતું ‘યુવા’ એ પ્રમાણે નહીં. અમે એક સ્પેશ્યલ ફોક્સ રાખ્યું છે અને અમારું સ્પેશ્યલ ફોક્સ છે, સ્કિલ ડેવલપમૅન્ટ. ગુજરાતમાં અમે સ્કિલ ડેવલપમૅન્ટ પર સતત ભાર આપ્યો છે. આપણા દેશના નૌજવાનોને ભગવાને જે ભુજાઓ આપી છે, તે ભુજાઓમાં સ્કિલ ડેવલપમૅન્ટના માધ્યમથી જો આપણે હુન્નર ભરી દઈએ, કૌશલ્ય આપીએ, કંઈક કરવા માટે વેલ્યૂ એડિશન કરીએ તો આપણા નૌજવાનો ખૂબ મોટી શક્તિના રૂપમાં ઊભરી શકે છે અને હિંદુસ્તાનની શક્તિની ધરોહર બની શકે છે.

હું અહીંયાં આ મંચનો ઉપયોગ કોઈ સરકારની ટીકા કરવા માટે નથી કરવા માંગતો. પરંતુ સત્ય તમારા લોકોની સામે ચોક્કસ મૂકવા માગીશ. આ દિવસોમાં ભારત સરકારનું બજેટ છે અને ગુજરાત સરકારનું પણ બજેટ છે અને આ સ્વસ્થ મનથી તેનો તુલનાત્મક અભ્યાસ કરવામાં, હું માનું છું કે યોગ્ય દિશા સૂચન કરશે. અને એટલા માટે ભાઈઓ-બહેનો, તમને જાણીને નવાઈ લાગશે, આટલા વિશાળ હિંદુસ્તાનના 65 ટકા નવયુવાનો 35 વર્ષથી નીચેની ઉંમરના છે અને આખું વિશ્વ આ દિવસોમાં જ્યારે સ્કિલ ડેવલપમૅન્ટની વાત કરી રહ્યું છે. કેટલાક દિવસો પહેલા મેં, પ્રેસિડન્ટ ઓબામાએ જ્યારે પોતાનો કાર્યકાળ સંભાળ્યો અને તેમાં તેમણે પહેલા વિઝનના રૂપમાં જ્યારે ભાષણ આપ્યું, તેને સબંધિત મેં જ્યારે ઈન્ટરનેટ પર વાંચ્યું, જોયું તો તેમાં પણ એક વાત ખૂબ ભાર દઈને કહેવામાં આવી હતી, અમેરિકામાં સ્કિલ ડેવલપમૅન્ટના મહત્વને તેમણે ખૂબ ગંભીરતાથી રજૂ કર્યું. અમે છેલ્લા બે વર્ષથી સતત સ્કિલ ડેવલપમૅન્ટનું અભિયાન ચલાવીએ છીએ. હું એમ કહેવા માગુ છું કે ભારત સરકારનું બજેટ અને ગુજરાત સરકારનું બજેટ. મિત્રો, આટલા મોટા હિંદુસ્તાનનું નેતૃત્વ કરી રહેલી આપણી ભારત સરકાર કે જે 21 મી સદી, સૌથી નવયુવાન દેશ માટે સ્કિલ ડેવલપમૅન્ટ, આપણી પ્રાથમિકતા હોવી જોઈએ. ભારત સરકારનું જે બજેટ છે તેમાં એક હજાર કરોડ રૂપિયા સ્કિલ ડેવલપમૅન્ટ માટે અલૉટ કર્યા છે. ગુજરાત એક નાનકડું રાજ્ય છે, હિંદુસ્તાનની તુલનામાં આપણે ફક્ત પાંચ ટકા છીએ, એક ખૂણામાં છીએ. પરંતુ ભાઈઓ-બહેનો, અમારું કમિટમેન્ટ જુઓ..! દિલ્હીની ભારત સરકારનું સ્કિલ ડેવલપમૅન્ટ માટેનું બજેટ 1000 કરોડ રૂપિયા છે, જ્યારે ગુજરાત જેવા નાનકડા રાજ્યનું સ્કિલ ડેવલપમૅન્ટ માટેનું બજેટ 800 કરોડ રૂપિયા છે. હવે તમને અંદાજ આવશે કે અમારું કમિટમેન્ટ શું છે? અમે દેશના નવયુવાનોને કેવી રીતે ભારતની વિકાસ યાત્રાની અંદર જોડવા માગીએ છીએ, એટલા માટે અમે તેના પર ભાર મૂક્યો.

ભાઈઓ-બહેનો, લોકો સેક્યુલરિઝમની મોટી મોટી વાતો કરતા હોય છે. એક હિંદુસ્તાની હોવાના નાતે સેક્યુલરિઝમની મારી ખૂબ સિમ્પલ ડેફિનિશન છે, અને હું માનું છું મિત્રો, એક હિંદુસ્તાની હોવાના નાતે, હિંદુસ્તાનીને પ્રેમ કરવા, હિંદુસ્તાનને પ્રેમ કરતા એક નાગરિક તરીકે, તમે પણ મારી આ વાતથી સંમત થશો. મારી સેક્યૂલરિઝમની ડેફિનિશન ખૂબ સિમ્પલ છે, ‘ઈન્ડિયા ફર્સ્ટ’..! આપણે કોઈપણ નિર્ણય કરીએ, કોઈપણ કામ કરીએ તો એમાં ભારત સર્વોપરી હોવું જોઇએ, ભારતની ભલાઈથી ઓછું કંઈપણ ન હોવું જોઇએ. જો આવું હોય તો આખું સેક્યૂલરિઝમ આપમેળે જ આપણી રગોમાં દોડવા લાગશે. આપણે ભારતનું નુકશાન કદાપિ નહીં થવા દઈએ. ન ભારતની આબરૂનું, ન ભારતની પ્રતિષ્ઠાનું, ન ભારતના સપનાઓનું, કે ન ભારતના નવયુવાનોના ભવિષ્યનું..! ‘ઈન્ડિયા ફર્સ્ટ’ આ મિજાજ સાથે હિંદુસ્તાનના સવા સો નાગરિક એક જ મંત્રને લઈને ચાલે, તો જોતજોતામાં દુનિયાની અંદર આપણો ડંકો વાગવા લાગશે. અને હું આ વાત એટલા માટે કહું છું કે મારી સ્વામી વિવેકાનંદજી પ્રત્યે એક વિશેષ શ્રદ્ધા રહી છે. બાળપણથી મારા મન પર એક પ્રભાવ રહ્યો છે, અને આપણે જોયું છે કે વિવેકાનંદજીએ પોતાના કાર્યખંડમાં જે-જે કહ્યું છે તે સાચું નીકળ્યું. જીવનના અંત કાળમાં તેમણે કહ્યું કે દેશવાસીઓને કહું છું કે પોતાના તમામ દેવી-દેવતાઓને ભૂલી જાઓ, મિત્રો, આ નાનકડી વાત નથી. એક સંન્યાસીના મુખેથી આવું સાંભળવું કે તમે તમારા દેવી-દેવતાઓને ભૂલી જાઓ અને એમ કહ્યું હતું કે તમામ દેવી-દેવતાઓને ભૂલી જાવ. એકમાત્ર ભારતમાતાને પોતાની દેવીના રૂપમાં પ્રસ્થાપિત કરો અને પચાસ વર્ષ સુધી પોતાના તમામ સંપ્રદાય, પોતાના દેવી-દેવતાઓને છોડીને એકમાત્ર ભારતમાતાની પૂજા કરો. અને તમે જુઓ વિવેકાનંદજીએ કહ્યું હતું એના ઠીક પચાસ વર્ષ પછી 1947 માં ભારત આઝાદ થયો, ઠીક પચાસ વર્ષ પછી. આ મહાપુરૂષમાં એક દ્રષ્ટિ હતી, તેમણે એક અન્ય વાત કહી હતી, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું, જીવનમાં અમેરિકા જવાના તે કાર્યખંડમાં તેમણે કહ્યું હતું, અને એમ કહ્યું હતું કે હું મારી આંખોની સામે જોઈ રહ્યો છું, કે મારી ભારતમાતા જગદગુરૂના સ્થાન પર બિરાજમાન છે, મારી ભારતમાતા દેદિપ્યમાન થઈ ગઈ છે, અને મારો દેશ વિશ્વગુરૂના રૂપમાં કામ કરી રહ્યો છે. ભાઈઓ-બહેનો, વિવેકાનંદજીના કહ્યાના સવા સો વર્ષ વીતી ગયા, જો 150 મી જયંતિ જ્યારે આપણે મનાવી રહ્યા છીએ ત્યારે શું એક હિંદુસ્તાની તરીકે આપણે સંકલ્પ કરી શકીએ છીએ. માનવ કલ્યાણના મંત્રને લઈને ચાલવાવાળા આપણે બધા સંકલ્પ કરી શકીએ છીએ કે માનવ કલ્યાણ માટે, વિશ્વ કલ્યાણ માટે શું આપણે 125 વર્ષ પહેલા સ્વામી વિવેકાનંદજીએ જે સપનું જોયું હતું, હું ભારતમાતાને જગદગુરૂના સ્થાન પર બિરાજમાન જોવા માગું છું, શું આપણે હજી પણ તે સંકલ્પ રાખી શકીએ છીએ. આપણાથી બનતા તમામ પ્રયાસ કરીશું અને વિવેકાનંદજીના સપનાઓને પૂરા કરીશું. સવા સો વર્ષ વીતી ગયા, પરંતુ આપણે આ દોઢસોમી જયંતિના નિમિત્તે તે સંકલ્પ લઈને આગળ વધી શકીએ છીએ..?

ભાઈઓ-બહેનો, આપણે દુનિયા બદલી શકીએ છીએ. એક આત્મ-વિશ્વાસ હોવો જોઇએ, અને અમે ગુજરાતીઓ તો આના જ ભરોસે ચાલતા હોઈએ છીએ, વી કેન એન્ડ વી વિલ. આપણે કરી શકીએ છીએ અને આપણે કરીને રહીશું, આ મંત્રને લઈને ચાલવું પડે છે. શું નથી આપણા દેશ પાસે..? દુનિયા પાસે જે કંઈપણ છે તે બધું જ આપણી પાસે પણ છે. યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ, યોગ્ય દિશામાં ચીજોને ફક્ત દોડાવાની છે અને જોતજોતામાં પરિવર્તન આવે છે. ભાઈઓ-બહેનો, મારા 12-13 વર્ષના ગુજરાતના ઍક્સ્પીરિયન્સથી હું કહું છું કે વિકાસનો મંત્ર આપણી તમામ સમસ્યાઓનું સમાધાન આપી શકે છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે વિકાસના મુદ્દે ચૂંટણી જીતી શકાતી નથી. મિત્રો, ગુજરાતની જનતાએ આ દીર્ધદ્રષ્ટિનું દર્શન કરાવ્યું છે. સમાજ કેવો વિઝનરી હોય છે તે ગુજરાતના મતદાતાઓએ બતાવ્યું છે, અને ગુજરાતના મતદાતાઓએ વિકાસને વોટ આપવાનો સંકલ્પ પ્રગટ કર્યો. મિત્રો, આજે ગુજરાત વિકટરી માટે અભિનંદન કરવા માટે વિડિયો કોન્ફ્રન્સિંગ પર મને આમંત્રિત કર્યો. ભાઈઓ-બહેનો, આ વિજય નરેન્દ્ર મોદીનો નથી. આ ચૂંટણીમાં વિજય, ચૂંટણીઓમાં નિરંતર વિજય, સતત ચોથી વાર મુખ્યમંત્રી બનવું, ત્રણ વાર હેટ્રિક કરવી... એ કોઈ કોઈ નરેન્દ્ર મોદીનો કરિશ્મા નથી. ભાઈઓ-બહેનો, જો આ વિજય છે તો તે મારા ગુજરાતના નાગરિકોનો વિજય છે, ગુજરાતના મારા મતદાતાઓનો વિજય છે, જેમણે વિકાસ ઉપર વિશ્વાસ મુક્યો, જેમણે વિકાસના મહત્વને સમજ્યું અને જેમણે છેલ્લા દસ વર્ષ-બાર વર્ષની અંદર અનુભવ કર્યો. મોડું પણ ક્યાંક થયું હોય, કોઈ કમી રહેતી હશે, કેટલીક મુશ્કેલીઓ પડતી હશે, પરંતુ તેમ છતાં પણ આ રસ્તો છે, વિકાસનો જ રસ્તો છે, આજે નહીં તો કાલે આપણી સમસ્યાઓનું સમાધાન કરશે, આપણી મુશ્કેલીઓનું સમાધાન કરશે, આપણા સપનાઓને સાકાર કરવા માટેનો આ જ એક રસ્તો કામ આવશે. આ ગુજરાતના મતદારોએ સ્વીકાર્યુ છે. અને ગુજરાતના મતદારોએ સમગ્ર દેશની અંદર એક વિશ્વાસ પેદા કરવાનો એક મૅસેજ આપ્યો છે કે બાકીનું બધું છોડીને એક મંત્રને પકડી લો, ડેવલપમૅન્ટ..! ગુજરાતે વિકાસ પણ કરવો છે, ગુજરાતે આધુનિક પણ બનવું છે. ગુજરાતે સંસ્કારની પણ ચિંતા કરવી છે, ગુજરાતે સંસ્કૃતિની ચિંતા પણ કરવી છે. અને આ બધી ચિંતા કરતાં કરતાં આગળ વધવું, આ જ મૉડલને લઈને અમે પ્રસ્થાપિત કરવા માગીએ છીએ.

ભાઈઓ-બહેનો, ગુજરાતે ક્યારેય એવું નથી કહ્યું કે અમારે ત્યાં કોઈ મુસીબત જ નથી, અમારે ત્યાં કોઈ કમીઓ જ નથી. પરંતુ અમે એ વિશ્વાસ પેદા કર્યો છે કે અમે કમીઓને પૂરી કરવા માટે પૂરતો પ્રયત્ન કરીશું. અને ભાઈઓ-બહેનો, મને ખુશી છે કે આ દિવસોમાં ગુજરાતની ચર્ચા કેમ થાય છે? નરેન્દ્ર મોદીની ચર્ચા કેમ થાય છે? ગુજરાત સરકારની ચર્ચા કેમ થાય છે? મિત્રો, હિંદુસ્તાનની અંદર કોઈ સરકારના કરપ્શનની ચર્ચા થાય છે, કોઈ સરકારના કોઈને કોઈ ભલે ખરાબ આચરણની ચર્ચા થાય. પરંતુ ગુજરાતની ચર્ચા થાય તો શું થાય? કે ભાઈ, ગુજરાતની અંદર ચોવીસ કલાક વીજળી છે, પરંતુ થોડી મોંઘી છે, કોઈ કહે કે સસ્તી છે, કોઈ કહે સારી છે. પાણી હોય તો કોઈ કહે છે કે પાણી ન હતું પહોંચતું, હવે તો પહોંચી રહ્યું છે. હવે એટલું બાકી છે. કોઈ માલ ન્યૂટ્રિશ્યનની ચર્ચા કરે છે. કહેવાનો મતલબ એ છે કે જ્યારે પણ ગુજરાતની ચર્ચા થાય છે તો તે ‘વિથ રેફરન્સ ટૂ ડેવલપમૅન્ટ’ થાય છે અને તેમાં અમારી કમીઓ પણ બહાર આવે છે અને હું તેનું સ્વાગત કરું છું. કેમ કે કોઈ એવો તો દાવો નથી કરી શકતો કે કેટલા વર્ષોમાં બધી બુરાઈઓને કોઈ એક આદમીએ એક દસકામાં પૂરી કરી દીધી હોય. પરંતુ લોકો એટલો વિશ્વાસ કરે છે કે આ જ રસ્તો છે, જેનાથી અંધકાર નષ્ટ થાય. અને મિત્રો હું કહું છું કે ‘એશ: પંથા:’..! આ જ એક રસ્તો છે અને તે રસ્તો છે, ડેવલપમૅન્ટ..!

મિત્રો, રાજનેતાઓ કોઈ-કોઈવાર ડરતા હોય છે.         આપણા દેશમાં સામાન્ય રીતે કહેવામાં આવે છે કે ‘ગુડ ઇકૉનૉમિક્સ ઈઝ અ બૅડ પોલિટિક્સ, આવી માન્યતાવાળી વાતો માનવામાં આવે છે. ડેવલપમૅન્ટથી ચૂંટણી જીતી ન શકાય, ચૂંટણી તો જોડી તોડીને જીતાય છે. ભાઈઓ-બહેનો, ચૂંટણી જીતવી કે હારવી, તે મકસદ ન હોવો જોઇએ, મકસદ એ હોવું જોઇએ કે તમને પાંચ વર્ષ માટે જનતાએ કામ આપ્યું છે, તે પાંચ વર્ષમાં તમે જનતાના કામને પ્રાથમિકતા આપો, પૂરું કરો. ચૂંટણી તો બાય પ્રોડક્ટ થાય છે, જો તમે સારું કામ કરશો, હંમેશા સારું કામ કરશો, સ્વાર્થરહિત કરશો તો જનતા તમારી ભૂલો પણ માફ કરી દે છે. મતદાતા વધારે ઉદાર હોય છે. એવું નથી કે કોઈ વિસ્તારમાં અમારા માટે ફરિયાદ નથી હોતી, પરંતુ અમે વિશ્વાસ પેદા કર્યો છે, ભૂલો હોવા છતાં, ખામીઓ હોવા છતાં, સારું કરવાના અમારા ઈરાદા પર ક્યારેય અમે નિરાશા વર્તાતી નથી જોઈ. મનુષ્યનો સ્વભાવ છે, એક જગ્યા પર બે-ચાર વર્ષ રહ્યા બાદ આપણને ટેવ પડી જાય છે, એક રૂટિન લાઈફ બની જાય છે. મિત્રો, મને બાર વર્ષ થઈ ગયાં છે પરંતુ જે ઊર્જાથી, જે ભક્તિથી, જે તન્મયતાથી 2001 માં હું આ કામ કરતો હતો, આટલા બધા વિજયોની પરંપરા પછી પણ એ જ લગન, નિષ્ઠા અને તપસ્યા સાથે આપ સર્વેની સેવામાં લાગેલ રહ્યો છું. ભાઈઓ-બહેનો, કોઈ ચંદ્રક મેળવવા માટે નથી કરી રહ્યો, કોઈ માન-સન્માન મેળવવા માટે નથી કરી રહ્યો. હું એટલા માટે કરી રહ્યો છું કે મારા ગુજરાતના ગરીબોની ગરીબી જોઈ નથી શકતો. જો કોઈ ગામમાં પાણી ન પહોંચે તો હું બેચેન બની જાઉં છું, કોઈ દિકરી શિક્ષણના અભાવે વલખાં મારતી હોય તો હું તે સહન નથી કરી શકતો. છ કરોડ ગુજરાતીઓને મેં મારો પરિવાર માન્યો છે. તેમનું સુખ મારું સુખ છે, તેમનું દુ:ખ મારું દુ:ખ છે. અને આ જીવન તેમના કલ્યાણને માટે કામ આવે, તેમના જીવનમાં બદલાવને માટે જે આ અવસર મળ્યો છે તેનો ઉપયોગ થાય, તેનાથી મોટું જીવનનું સપનું કયું હોઈ શકે..! અને જો એકવાર મારા કાર્યકાળમાં હું કંઈક સારું કરીશ. મારા પછી કોઈ બીજાનો કાર્યકાળ હશે તો તે કંઈક સારું કરશે. જો આપણી ગતિ તેજ હશે તો મિત્રો, ખૂબ જલ્દી આપણે સ્વામી વિવેકાનંદજીના સપનાને સાકાર કરવા લાયક કમ સે કમ મારા ગુજરાતને તો તેનો હિસ્સો બનાવી લઈશ. મારું ગુજરાત, ભાઈઓ બહેનો, આ તાકાત સાથે ઊભું થશે તેવો મારો વિશ્વાસ છે. ભાઈઓ-બહેનો, આપણે એક નવો સંકલ્પ લઈને આગળ વધવાનું છે, આપણે એક નવો વિશ્વાસ લઈને આગળ વધવાનું છે.

વિશ્વભરમાં ફેલાયેલા મારા ભાઈઓ-બહેનો, હવે આપને પણ ગુજરાત પ્રત્યે આકર્ષણ થતું હશે. ત્યાં ગુજરાતની બહાર પણ ઘણા લોકો બેઠા છે, તમે જોયું હશે, ગુજરાતે આ દિવસોમાં એક ક્ષેત્રમાં પોતાની જગ્યા બનાવી છે. ટૂરિઝમના મેપ ઉપર ગુજરાતનું ક્યાંય નામોનિશાન ન હતું, દ્રાદશ જ્યોતિર્લિંગ, દાદા સોમનાથ, આપણે ત્યાં બેઠા છે, દ્વારકા શ્રી કૃષ્ણની નગરી આપણી પાસે છે, મહાત્મા ગાંધીનું પોરબંદર આપણી પાસે છે, સાબરમતી આપણી પાસે છે, ગિરના સિંહ આપણી પાસે છે, કચ્છનું સફેદ રણ છે, 1600 કિલોમીટરનો લાંબો દરિયાકિનારો છે, શું નથી? બધું જ છે, આજે પણ છે અને પહેલા પણ હતું. પરંતુ ભાઈઓ-બહેનો, આપણે તેના તરફ ધ્યાન નહોતું આપ્યું. ગુજરાતીઝ આર બેસ્ટ ટૂરિસ્ટ્સ, બટ ગુજરાત વૉઝ નેવર અ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન..! અને તમે જુઓ દુનિયાના કોઈપણ ખૂણામાં જાઓ તમે લોકો, તમને ગુજરાતી લોકો મળશે, મળશે અને મળશે જ. કોઈ પણ તીર્થક્ષેત્રમાં જાઓ, કોઈપણ ટૂરિસ્ટ પ્લેસ પર જાઓ, તમને ગુજરાતી ત્યાં મળશે જ મળશે. અને તમે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા હશો તો ત્યાં તમે જોયું હશે કે પોતાના ડબ્બામાંથી થેપલા કાઢીને ખાતો ગુજરાતી તમને ફાઈવ સ્ટાર હોટલમાં જોવા મળશે, તે ઘરની સૂખડી અને થેપલા લઈને આવે છે. ભાઈઓ-બહેનો, આપણે ગુજરાતી ખૂબ સારા ટૂરિસ્ટ છીએ. પરંતુ ગુજરાત વાઝ નેવર અ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન. છેલ્લા ત્રણ-ચાર વર્ષ સુધી લગાતાર કોશિશ કરી, અને તેનું પરિણામ શું આવ્યું..? આજે દરેક ઘરમાં એક વાત થાય છે, ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મેં..!’, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા..!’, દરેક જણ બોલવા લાગ્યું છે. મિત્રો, ટૂરિઝમને જે પ્રોત્સાહન મળ્યું છે, તેના કારણે ગુજરાતમાં જે હૉસ્પિટૅલિટી ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળ્યું છે. ખૂબ ઝડપથી ગુજરાતનું પોતાનું એક આકર્ષણ ઊભું થતું જાય છે. હું આપને આમંત્રણ આપું છું, આપ પણ ગુજરાત જોવા માટે પધારો. ફીલ ગુજરાત, એન્જોય ગુજરાત..! હું આપને નિમંત્રણ આપું છું. અને હું વિશ્વમાં ફેલાયેલા મારા ભારતીય ભાઈઓને હંમેશા વિનંતી કરું છું કે આપણે લોકો એક પ્રતિજ્ઞા લઈએ કે વર્ષમાં ઓછામાં ઓછા દસ-પંદર નૉન-ઇન્ડિયન પરિવારને હિંદુસ્તાન જોવા માટે પ્રેરિત કરીએ. તેમને ભારત જોવા માટે મોકલીએ, સમજાવીએ, આગ્રહ કરીએ. તાજમહેલ જોવો હોય તો તાજમહેલ જુએ, જ્યાં જવું હોય ત્યાં જાય... પરંતુ તેમને મોકલીએ. મિત્રો, ફક્ત વિશ્વમાં ફેલાયેલા હિંદુસ્તાનના માધ્યમથી જો એક વર્ષમાં એક પરિવાર આપણા દસ પરિવારોને અહીંયા મોકલે છે તો આજે હિંદુસ્તાન જે ટૂરિઝમના ક્ષેત્રમાં છે તેના કરતાં સો ગણું આગળ વધી શકે છે. તમે જ મને કહો, દેશની મોટી સેવા થશે કે નહીં..? તમે કોઈ ડોલર અહીં લગાવશો તો દેશની સેવા થાય છે, એવું નથી. તમે ભારત પ્રત્યે લોકોને આકર્ષિત કરો. ભારત જોવા માટે લોકોને મોકલો. અને, મિત્રો, એકવાર ટૂરિસ્ટ આવવા લાગશે તો સેવાઓ પણ વિકસિત થવા લાગશે. કેમ કે જે વેપારી હોય છે તે ગ્રાહકની આવશ્યકતાઓ સમજે છે. ધીમે-ધીમે પોતાનું કલ્ચર અને સેવાઓને વિકસિત કરે છે અને જોતજોતામાં આખા વિશ્વ માટે એક સુપ્રીમ ડેસ્ટિનેશનના રૂપમા હિંદુસ્તાન ઊભરી આવશે. અને ગરીબમાં ગરીબને રોટી અપવાનું સામર્થ્ય એનામાં આવે છે. હું તમને આગ્રહ કરું છું કે, આપણા હોટેલ-મોટેલ એસોશિયેશનના લોકો જો ઈચ્છે તો તેમના દરેક ક્લાયન્ટને દરરોજ પોતાના રૂમના વીડિયો પર હિંદુસ્તાનનો નજારો બતાવી શકે છે..! લોકો આવશે, ટૂરિઝમ વધશે અને આજકાલ વધી પણ રહ્યું છે. ખૂબ મોટી સંખ્યામાં વિદેશથી લોકો ટૂરિસ્ટના રૂપમાં હિંદુસ્તાન આવી રહ્યા છે, ગુજરાત પણ આવી રહ્યા છે. મિત્રો, ગરીબમાં ગરીબ લોકોને રોટી આપવાની તાકાત આ ક્ષેત્રમાં છે, તેને પ્રોત્સાહન આપવાનો આપણો પ્રયાસ છે. ભારતનો જે એવરેજ ટૂરિઝમ ગ્રોથ છે, તેનાથી ગુજરાતનો ટૂરિઝમ ગ્રોથ અનેકગણો વધારે થવા લાગ્યો છે, પરંતુ તેને આપણે હજી વધુ આગળ વધારવો છે. તમને આમંત્રણ આપું છું કે આપ એમાં સહયોગ આપો.

હું ફરી એકવાર શિકાગોમાં બેઠેલા મારા ભાઈઓ-બહેનો, ન્યૂજર્સીમાં બેઠેલા મારા ભાઈઓ-બહેનો, અમેરિકાના જુદા-જુદા ભાગોમાં ટી.વી.ના માધ્યમથી આ લાઈવ કાર્યક્રમને જોઈ રહેલા મારા ભાઈઓ-બહેનો, કેનેડામાં પણ અનેક વિસ્તારોમાં જોઈ રહ્યા છે અને ભાઈઓ-બહેનો, ભારતમાં પણ હું જ્યારે આપની સમક્ષ બોલી રહ્યો છું ત્યારે હિંદુસ્તાનની વીસ લીડિંગ ટી.વી. ચેનલો તમારા આ કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરી રહી છે. આખું હિંદુસ્તાન પણ આ કાર્યક્રમને જોઈ રહ્યું છે અને આ અર્થમાં ‘ઓવરસીઝ ફ્રૅન્ડ્ઝ ઑફ બીજેપી’ નો આ પ્રયાસ અભિનંદનીય છે, સરાહનીય છે. તમામ સમાજના લોકો જોડાય, પોતાના દાયરાથી ઉપર ઉઠીને તમામને જોડે, વધારેમાં વધારે, જેટલા પણ આપણા સમાજ વિશ્વમાં ફેલાયેલા છે, સર્વેને જોડે. ‘ભારત એકતા’ નો એક માહોલ આપણે બનાવીએ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું સપનું લઈને આપણે આગળ કેવી રીતે આગળ વધીએ..! વિશ્વભરમાં ફેલાયેલ આપણે બધા જ ભારતીયો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ના મંત્રને લઈને આગળ વધીએ અને સ્વામી વિવેકાનંદજીને સાચી શ્રદ્ધાંજલિ આપીએ. આ એક અપેક્ષા સાથે, તમે લોકોએ મારું જે સન્માન કર્યું, આ સન્માન ગુજરાતની જનતાનું છે, આ વિજય ગુજરાતની જનતાનો છે, આ વિજય વિકાસના પ્રયાસનો છે, આ વિજય વિકાસના મંત્રનો છે અને આપના કારણે આ કામ કરવા માટે મને નવી તાકાત મળશે અને જુસ્સો બુલંદ થશે. ફરી એકવાર મિત્રો, આપ સર્વેનો ખૂબ ખૂબ આભારી છું, ‘ઓવરસીઝ ફ્રૅન્ડ્ઝ ઑફ બીજેપી’ નો, સર્વે ઑર્ગેનાઇઝરોનો, સમાજના તમામ લોકોનું જે કંઈપણ યોગદાન મળ્યું છે તે તમામનો હું આભાર વ્યક્ત કરીને આપને આમંત્રણ આપું છું કે ગુજરાત આપનું જ છે, જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે આવો, પોતાનું ભાગ્ય અજમાવો, ગુજરાતને માણો, ગુજરાતનું ટૂરિઝમ જુઓ, અમારા સિંહ જુઓ, દુનિયામાં જઈને ગુજરાતના સિંહોનો પરિચય કરાવો, આ જ અપેક્ષા સાથે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર..!

વંદે માતરમ..!

ભારત માતા કી જય..!

ય હિંદ..!

 

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Economic Benefits for Middle Class
March 14, 2019

It is the middle class that contributes greatly to the country through their role as honest taxpayers. However, their contribution needs to be recognised and their tax burden eased. For this, the Modi government took a historic decision. That there is zero tax liability on a net taxable annual income of Rs. 5 lakh now, is a huge boost to the savings of the middle class. However, this is not a one-off move. The Modi government has consistently been taking steps to reduce the tax burden on the taxpayers. Here is how union budget has put more money into the hands of the middle class through the years...