ઇઝરાયેલના રાજદૂતની મુખ્ય મંત્રીશ્રી સાથે અત્યંત ફળદાયી સૌજન્ય મુલાકાત

ર૦૧૪માં વાઇબ્રન્ટ ગુજરાત એગ્રો ટેક ગ્લોબલ ફેરમાં ઇઝરાયેલને પાર્ટનર કન્ટ્રી બનવા ઇજન

ઇઝરાયેલ અને ગુજરાત વચ્ચે પરસ્પર સહભાગીતાના અનેક નવા ક્ષેત્રો વિકસાવાશે

ઇઝરાયેલ કૃષિ વિકાસ, જળ વ્યવસ્થાપન, ઊર્જા, વીજળી વ્યવસ્થાપન અને ઔદ્યોગિક વિકાસમાં સહભાગીતાના વ્યાપક ફલક અંગે ફળદાયી પરામર્શ

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાતે આવેલા ઇઝરાયેલના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત એલોન યુશપીઝ (MR. ALON USHPIZ) અને તેમના સહયોગીઓએ ગુજરાત અને ઇઝરાયેલની વચ્ચે પરસ્પર સહભાગીતા અને મૈત્રીપૂર્ણ સંબંધોના વિવિધ નવા ક્ષેત્રો વિકસાવવાની તત્પરતા વ્યકત કરી હતી.

ગુજરાતના વિકાસ અને કુશળ પ્રશાસનના નેતૃત્વ માટે શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતાં ઇઝરાયેલના રાજદૂતશ્રીએ ગુજરાત જે રીતે કૃષિ, જળવ્યવસ્થાપન, ઔદ્યોગિક સહયોગ, વીજળી અને માનવ વિકાસ સંસાધનના ક્ષેત્રોમાં નવી સહભાગીદારીથી વિધવિધ શકયતાઓ સંદર્ભમાં ગુજરાતની સાથે ઇઝરાયેલ સરકાર અને ઇઝરાયેલની કંપનીઓની ભાગીદારી અંગે પ્રભાવક પરામર્શ કર્યો હતો. ઇઝરાયેલ કોન્સલ જનરલ સુશ્રી ઓરના સાગીવ (MRS. ORNA SAGIV) પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત અને ઇઝરાયેલના સતત વધતા રહેલા સહભાગીતાના સંબંધોને વધુ વ્યાપક ફલક ઉપર લઇ જવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાના પગલે સને ર૦૧૪થી દર બે વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત એગ્રો ટેક ફેર સમિટ યોજવાના મહત્વાકાંક્ષી આયોજનમાં ઇઝરાયેલ કન્ટ્રીપાર્ટનર બને એવું ઇજન આપ્યું હતું. આ અંગે ઉષ્માસભર વિધેયાત્મક પ્રતિભાવ શ્રીયુત એલોન યુશપીઝે આપ્યો હતો અને ઇઝરાયેલે પણ વોટર કોન્ફરન્સ યોજવાનું ઓકટોબરમાં આયોજન કરેલું છે તેમાં ગુજરાત સહભાગી બને એવું આમંત્રણ આપ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ઇઝરાયેલ જે રીતે લઘુતમ પાણીના વપરાશથી કૃષિક્રાંતિ કરી રહ્યુ છે ત્યારે કૃષિ ટેકનોલોજીના અભ્યાસ માટે જુદી જુદી બેચમાં ગુજરાતના ધારાસભ્યોને ઇઝરાયેલના કૃષિ અને જળવ્યવસ્થાપન માટેના અભ્યાસ પ્રવાસે લઇ જવાની નેમ પણ વ્યકત કરી હતી.

શ્રીયુત એલોન યુશપીઝે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અને રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટના સેકટરમાં બંને વચ્ચે સહભાગીદારીના ક્ષેત્રો વિકસાવવા કોપર્સ ફંડની રચના કરવાનું સૂચન કર્યું હતું. ગુજરાત હવે ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ માટેનું મેગનેટ સેન્ટર બન્યું છે અને ઇઝરાયેલની સરકાર તથા કંપનીઓ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓ સાથે સેન્ટર ઓફ એકસેલન્સ તથા એગ્રો રિસર્ચ એન્ડ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં વધુ નવા ફલક ઉપર ભાગીદારીની સંભાવનાઓ વિકસાવવા, વોટર મેનેજમેન્ટના ક્ષેત્ર અને બંદર વિકાસ તથા ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારી માટેની દરખાસ્તો અંગે ફળદાયી ચર્ચા કરી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકારે રાજ્યમાં પ૦ જેટલા શહેરોમાં વોટર મેનેજમેન્ટ અને વોટર રિસાઇકલીંગના ઇકોનોમિક મેાડેલ વિકસાવવાનું આયોજન કર્યું છે તેમાં પણ ઇઝરાયેલ સરકાર અને કંપનીઓની સહભાગીતા આવકાર્ય છે. આ ઉપરાંત ગુજરાત ડિફેન્સ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગનું સેકટર વિકસાવવા માગે છે અને FICCI દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આ અંગેના સેમિનારમાં મહત્વની સહભાગીતા વિશે ફલશ્રૃતિ તૈયાર થઇ છે તેમાં પણ ઇઝરાયેલની ભાગીદારી થઇ શકે છે.

ઇઝરાયેલના રાજદૂતશ્રીએ મુખ્ય મંત્રીશ્રી સાથેની આ બેઠક પરસ્પર સહભાગીતાના સંબંધો વધુ સુદ્રઢ બનાવવામાં અત્યંત ફળદાયી ગણાવી હતી.

બેઠકમાં ઉદ્યોગના અગ્ર સચિવ શ્રી એમ. શાહુ અને મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા ઉપસ્થિત રહ્યા હતા.