જ્યુઇશ, અમેરિકા, ઇઝરાયેલ ગુજરાત વચ્ચેના સંબંધો અને સહભાગીતા અંગે પરામર્શ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે અમેરિકન જ્યુઇશ કમિટી (AJC)ના એશિયા પેસિફીક એક્ષ્પર્ટ સુશ્રી પેટ્રીસીયા મારકસે (Ms. PATRICIA MARCUS) લીધી હતી.
અમેરિકા સહિત વિશ્વભરમાં વસતા જ્યુઇશ સમાજના માનવ અધિકારો અને લોકતાંત્રિક મૂલ્યો માટે AJCની એશિયા પેસિફીક ઇન્સ્ટીટયુટના ડિરેકટર સુશ્રી પેટ્રીસીયા મારકસ અમેરિકન ડેમોક્રેટિક પાર્ટી સાથે સક્રિય છે અને આંતરરાષ્ટ્રીય સંબંધો-બાબતો માટે કાર્ય કરે છે, તેમણે આ સૌજ્ન્ય મૂલાકાત દરમિયાન ગુજરાત અને ઇઝરાયેલના પારસ્પરિક વિસ્તૃત ફલકના સંબંધો અને સહભાગીતા, જ્યુઇશ અને ગુજરાતી સમાજો વચ્ચેની ભાવાત્મકતા, ગુજરાતના વિકાસ અને ભારત તથા એશિયાની પ્રગતિ, વૈશ્વિક અર્થકારણના બદલાતા પરિમાણો, એનર્જી સિકયોરિટી અને અમેરિકા તથા ગુજરાત વચ્ચે સંબંધોના સેતુના નવા ક્ષેત્રો વિષયક વિચાર-વિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત અને ઇઝરાયેલની સામ્યતાના સંદર્ભમાં જળવ્યવસ્થાપન, કૃષિ અને ઊર્જા ક્ષેત્રમાં જે સહભાગીતાનું ફલક વિસ્તરેલું છે તેની ભૂમિકા આપી હતી. જ્યુઇશ કોમ્યુનિટીના ૬૦૦૦ પોલેન્ડવાસી મહિલા અને બાળકોને બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન રશિયાના સાઇબિરીયામાંથી શરણાર્થી તરીકે ગુજરાતના જામસાહેબે જામનગરમાં આદરસહ આશરો આપ્યો હતો. આમ જ્યુઇશ અને ગુજરાતી વચ્ચે ભાવાત્મકતાની અનુભૂતિ વર્ષો જૂની છે.
સુશ્રી પેટ્રીસીયા મારકસે ગુજરાતના વિકાસના વિવિધ પાસાંઓ અને સાફલ્ય સિધ્ધિઓની માહિતી મુખ્યમંત્રીશ્રી પાસેથી મેળવી હતી.
આ બેઠકમાં AJCના એકટીવ એલ્યુમની ડો. ભરતભાઇ બારાઇ અને જ્યુઇશ સીનાગોગના શ્રીયુત બેન્ઝામીન ચ્યુબેન અને મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી કે. કૈલાસનાથન ઉપસ્થિત રહયા હતા.