શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આગામી ઓલિમ્પિક રમતોમાંથી કુસ્તીની રમતની બાદબાકી કરી દેવાના નિર્ણયને ભારત માટે અપમાનજનક ગણાવી આક્રોશ વ્યકત કર્યો!
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ખેલ મહાકુંભનું સમાપન જાહેર કરતા આગામી ઓલિમ્પિક રમતોમાંથી કુસ્તીની રમતની બાદબાકી કરી દેવાના નિર્ણયને ભારત માટે અપમાનજનક ગણાવી આક્રોશ વ્યકત કર્યો હતો. કુસ્તી અતિપ્રાચીન રમત છે અને ભારત સહિત એશિયન દેશોમાં ખેલાડીઓએ પોતાનુ કૌશલ્ય બતાવેલું છે ત્યારે ભારત સરકાર અને વડાપ્રધાને પહેલ કરીને હજ્જારો વર્ષની કુસ્તીની રમતને ઓલિમ્પિક રમતમાંથી દૂર ન કરાય તે માટેનો અવાજ ઉઠાવે.
સમગ્ર ખેલ જગતના લોકો હિંમતપૂર્વક કુસ્તીની રમતના મહિમાને આધુનિકતાના નામે નષ્ટ કરવા સામે અવાજ ઉઠાવવો જ જોઇએ. માત્ર કુસ્તીબાજો જ નહીં પણ એશિયા અને ભારતની કુસ્તીની રમતનું આધુનિકતાના નામે હનન કરવાની રમત એ બદઇરાદો છે અને ભારતે અવાજ ઉઠાવવો જ જોઇએ, એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.