ભાજપાના પ્રત્યેક કાર્યકરનું ચૂંટણી સંચાલન એક ઉત્તમ નમૂનારૂપ સંયમ અને લોકસંપર્કનું ઉદાહરણ છે

મુખ્યમંત્રીશ્રીની વિશાળ વિજયસભા વિવિધ સમાજોનું સામુદાયિક અભિવાદન

ગુજરાતમાં ચૂંટણીલક્ષીસત્તાલક્ષી સરકાર નહીં, પ્રજાલક્ષી વિકાસને વરેલી સરકાર છે

હિન્દુસ્તાનને વિકાસની રાજનીતિનો ભરોસો ગુજરાતે કરાવ્યો

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મોડી સાંજે મણીનગરમાં વિશાળ વિજય સભાને સંબોધતા જણાવ્યું કે હિન્દુસ્તાનની રાજનીતિ બદલાવવાનો યશ છ કરોડ ગુજરાતીઓને ફાળે જાય છે. મતદાતાઓની ચલિત થયા વગર મક્કમતા અને પ્રતિબધ્ધતાથી જ વિકાસને દેશના રાજકારણમાં સ્વીકૃતિ મળી છે. આપણે ગુજરાતમાં સત્તાલક્ષી કે ચૂંટણીલક્ષી સરકાર નહીં પણ જનતાલક્ષી સરકાર તથા વિકાસનો સર્વસ્પર્શી મહિમા કર્યો છે એમ તેમણે જણાવ્યું હતું. ૧૨ વર્ષના સુશાસન અને લોકસંપર્કના નાતે યુવાનોના સામર્થ્ય, માતૃશકિત, કુદરતી સંશાધનનો, બધાનો ઉપયોગ કરી આગામી પાંચ વર્ષ અનેક રીતે  ઉજ્જવળ રહે તેવા વિકાસનો હશે. ગહનતા, ઉંચાઇ અને ઝડપ વધારે હશે, એમ તેમણે ઉમેયું હતું.

મણિનગરના ધારાસભ્ય તરીકે લોકલાડીલા શ્રી  નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું સામુદાયિક અભિવાદન સમાજના વિવિધ પ્રતિનિધિ વર્ગો તથા અગ્રણીઓ કર્યું હતું.

ભાજપાના ભવ્ય વિજયમાં મણિનગરના મતદાતાઓનો સ્વીકાર કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જાહેર જીવનમાં એવું જવલ્લે જ બને કે ઉમેદવાર માત્ર નામાંકન ભરવા આવે અને આખી ચૂંટણીના અભિયાન દરમિયાન મતક્ષેત્રમાં ડોકીયું કરવા પણ ન જાય તો

પણ લાખો લાખો લોકો ભવ્ય વિજય માટેનું કામ ઉપાડી લે અને અપાર પ્રેમની વર્ષા કરી દે. ચૂંટણીનો આખો બોજ જનતાએ ઉપાડીને ભાજપાની વ્યવસ્થામાં સહયોગ આપ્યો છે તેનો આભાર કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે માત્ર એકવાર મેં એક રાત્રે ફોન કરીને પુછેલું કારણ કે મને એટલો ભરોસો હતો કે જાગૃત મતદારો ભલીભાતી સારું શું છે એ જાણતા હતા.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે મણિનગરે મતદાન કરીને ધારાસભાની ચૂંટણી નહીં પરંતુ આવતીકાલની ગુજરાતની ભવ્યદિવ્ય નિર્માણની ચિંતા કરી છે. ઉમંગ અને ઉત્સાહથી વિજયમાં ભાગીદારી કરી છે. મણિનગરના ભાજપાના હજ્જારો કાર્યકર્તાઓનો તો જમીનથી બે વ્હેંત ઉપર રહેવાને બદલે ધરતી ઉપર રહીને બહાવેલો પરસેવો રંગ લાવ્યો છે. એક પણ ફરિયાદ કોઇ કાર્યકર્તાના વર્તન, વાણી કે વ્યવહાર માટેની આવી નથી. આટલી મોટી શિસ્ત અને સંયમ તથા જાગૃતિ એ ધન્યવાદની પાત્ર છે.

દેશની વર્તમાન સમસ્યાઓનો ઉકેલ સુશાસન અને વિકાસ છે. આ બંને સાથે સુપેરે ચાલે તેનું  ગુજરાત એક ઉત્તમ દ્રષ્ટાંત છે. આ બાબતે આઝાદી પછી શાસકોએ ઉપેક્ષા સેવી તેથી દેશની વર્તમાન હાલત કથળી છે. પાંચ વર્ષની સરકારોએ સત્તાલક્ષી સરકારો રચેલી. અમે ચૂંટણીલક્ષી નહીં, પ્રજાલક્ષી જનઆકાંક્ષાઓનું દર્શન કરાવતી વિકાસની સરકારનો ભરોષો આપ્યો છે. એના કારણે પૂર્વ અમદાવાદના વિકાસની અગાઉ થતી ઉપેક્ષા દૂર થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.

ભારત સરકારની ખોટી નીતિઓથી નિરાશ બની બેસી રહ્યા વગર ગુજરાતે નવી પહેલ કરી તેનું ઉદાહરણ આપતાં ટેક્ષટાઇલ ક્ષેત્રમાં વેલ્યુ એડીશનની ફાઇવએફ ફોર્મ્યુલા સાથે ટેક્ષટાઇલ પોલીસી ગુજરાત સરકાર લાવી તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇએ જણાવ્યું કે, આનાથી ખેતી અને ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે રોજગારી મળશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટમાં ગુજરાતને ટેક્ષટાઇલ હબ બનાવવા માટેનું મેગા એક્ઝીબીશન હશે અને વૈશ્વિક કાપડ બજારમાં ગુજરાતના કપાસ ઉત્ત્પાદકથી લઇને વસ્ત્રોના વેપારીને સંપૂર્ણ આવકો વધશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાતમાં વિકાસના તબકકાવાર વ્યૂહથી કન્યા શિક્ષણની સમાજ અને સરકારની ઉદાસીનતા દૂર કરવા અભિયાન ઉપાડયું, સુવિધાઓ આપી, ગુણોત્સવથી ગુણાત્મક પરિણામો લાવ્યા. વીજળી અને ટેકનોલોજીથી  કોમ્પ્યુટરો પૂરા પાડ્યા અને હવે સેટેલાઇટ સુવિધા મેળવીને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ લોન્ગ ડીસ્ટન્સ એજ્યુકેશન દ્વારા સુંદર ગામડાંના ગરીબ સંતાનને પણ પહોંચાડયું. ગુજરાતે સર્વગ્રાહી વિકાસ વ્યૂહ સફળ બનાવ્યો છે. કાંકરીયા પહેલા પણ હતું અમે એજ કાંકરિયાની આખી તાસીર બદલીને રડિયામણુંહરિયાળુ કાંકરિયા બનાવ્યું. એજ રીતે બી.આર.ટી.એસ. બસ સ્ટેશનોની જાળવણી નાગરિકોની શકિતથી જ જળવાઇ છે. જનતામાં પડેલી આ શકિતઓ વિકાસાવવામાં ભાજપાએ પૂરો ભરોસો મૂકયો. ગુજરાત સરકારે નાગરિકોની શકિત કામે લગાડીને ગામડાં અને શહેરો રળિયામણા બનાવ્યા છે હવે ભવ્યદિવ્ય ગુજરાત બનાવવાનું છે એમ તેમણે જણાવ્યું હતું.