અમેરિકા અને કેનેડાના બાર મુખ્ય શહેરોમાં ગુજરાત દિવસની અભૂતપૂર્વ ઉત્સાહઉમંગની ઉજવણીના આનંદમાં સહભાગી બનતા મુખ્ય મંત્રીશ્રી

ગુજરાતની આવતીકાલના વિકાસવિઝન અને જનસુખાકારીની અનેકવિધ પહેલની ભૂમિકાથી વિશ્વભરના લોકો પ્રભાવિત

અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી અને ભારતીય પરિવારો સાથે વિડીયો કોન્ફરન્સ સેટેલાઇટ માધ્યમથી વાર્તાલાપ કર્યો

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમેરિકા અને કેનેડામાં ગુજરાત દિવસની ઉજવણી કરી રહેલા ગુજરાતી સહિત ભારતીય પરિવારોના આનંદમાં સેટેલાઇટ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થતા ગુજરાતીઓને વિકાસ માટેની ગુજરાતની ક્ષમતા અને સામર્થ્યનું શ્રેય આપ્યું હતું. ભારતને શક્તિશાળી બનાવવા ગુજરાત સર્વાધિક યોગદાન આપી રહ્યું છે અને પ્રત્યેક ગુજરાતી વિશ્વમાં આંખમાં આંખ મિલાવી ગૌરવ લઇ શકે એવા ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવાનું આહ્વાન પણ તેમણે કર્યું હતું.

। ઇન્ડિયન ગુજરાતી સમૂદાય ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા અને કેનેડાના બાર પ્રમુખ શહેરોમાં ગુજરાત રાજ્યની ૫૨મી  વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતીય સમય પ્રમાણે આજે રવિવારે સવારે સાત વાગ્યે શ્રી નરેન્દ્રભાઈ મોદી સેટેલાઇટ વિડીયો માધ્યમથી એકી સાથે શિકાગો સહિત બાર શહેરોમાં ઉપસ્થિત ગુજરાતી પરિવારો અને ભારતીય સમૂદાયો સાથે ગાંધીનગરના નિવાસસ્થાનેથી વાર્તાલાપ કર્યો હતો જેનું જીવંત પ્રસારણ ટીવી કેબલ ચેનલો અને મુખ્ય મંત્રીશ્રીની વેબસાઇટ દ્વારા વિશ્વભરમાં સૌએ નિહાળ્યું હતું.

ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસની અનેકવિધ સિદ્ધિઓને આવરી લેતા પ્રેરક સંબોધનમાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, તમે ગુજરાતી હો કે ના હો, ગુજરાતના વિકાસની ચર્ચા દુનિયામાં થઇ રહી છે, એનાથી કોઇપણ પ્રભાવિત છે.

 

ગુજરાત દિવસની ઉજવણી દ્વારા ગુજરાત પ્રત્યે વતનનો પ્રેમ અભિવ્યકત કરવા માટે પ્રસંશા અને શુભેચ્છા વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આપણા દેશમાં નિરાશાના વાતાવરણની સ્થિતિ બદલી શકાય છે અને હિન્દુસ્તાન પણ તેનું વિકાસનું સામર્થ્ય દર્શાવવા શક્તિમાન છે એવો વિશ્વાસ ગુજરાતે ઉજાગર કર્યો છે. હિન્દુસ્તાન પછી આઝાદ થયેલા અનેક દેશો વિકાસમાં આગળ વધી ગયા પણ આપણે પાછળ રહી ગયા એ માહોલમાં પરિસ્થિતિ બદલવા માટે ગુજરાતે માર્ગ બતાવ્યો છે.

ગુજરાતની શાસન જવાબદારી ર૦૦૧માં તેમણે સંભાળી ત્યારથી આજ સુધીના આટલા લાંબાગાળાનું દાયિત્વ નિભાવવા અને સેવા કરવા જે અવસર મળ્યો છે તેમાં જનતાના અઢળક પ્રેમ માટે આભારની લાગણી મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. ગુજરાત કયારેય સંકુચિત સ્વાર્થની સીમામાં રહ્યું નથી અને આપણા મહાન નેતાઓ ઇન્દુચાચા હોય કે રવિશંકર દાદા, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ, શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણા બધાએ આઝાદી માટે અહિંસક સત્યાગ્રહ કે સશસ્ત્ર ક્રાંતિ સંગ્રામ બંનેની વિચારધારામાં ગુજરાતે જ નેતૃત્વ લીધું હતું. આ મહાન વિરાસતના સપના પુરા કરવા માટે તેમણે ગુજરાતની ભૂમિની સેવા માટે પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

ગુજરાતી હવે ગ્લોબલ કોમ્યુનિટી અને ગુજરાત ગ્લોબલ ડેસ્ટીનેશન બની ગયા છે અને એટલે જ ગુજરાતી સર્વપ્રિય છે એમ ગૌરવપૂર્વક જણાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત વિશે જૂઠાણા ફેલાવનારા પ્રત્યે ગુજરાતીના મનમાં આક્રોશ જાગે છે. કારણ કે, વિનાશક ભૂકંપ અને તે પહેલાંની આફતોમાંથી ગુજરાતે વિકાસયાત્રા આગળ ધપાવી અને એની એ જ વ્યવસ્થા સંસાધનો છતાં વિકાસને ઊંચાઇ ઉપર આપણે લઇ ગયા છીએ. દશ વર્ષ પહેલાં ગુજરાતનું અર્થતંત્ર રૂા. ૬પ૦૦ કરોડની ખાદ્યવાળું હતું. આજે ગુજરાત એક પણ રૂપિયાનો કરવેરો નાંખ્યા વગર ખર્ચ ઘટાડીને અને પારદર્શી વહીવટથી પુરાંતવાળા અર્થતંત્રની સિદ્ધિ મેળવી શકયું છે એની ભૂમિકા તેમણે આપી હતી.

ગુજરાતનો વિકાસ સમતુલિત અર્થતંત્ર માટેના ત્રણ આધારસ્થંભ ઉપર થઇ રહ્યો છે તેની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, કૃષિ, ઉદ્યોગ અને સર્વિસ ક્ષેત્રનો એક સરખો વિકાસ આ સરકારે કર્યો છે. ઓદ્યોગિક વિકાસની હરફાળ છતાં કૃષિ યોગ્ય વાવેતર વિસ્તાર ૧૦૮ લાખ હેકટરમાંથી ૧૪પ લાખ હેકટર એટલે કે ૩૭ લાખ હેકટર વધ્યો છે અને ઉદ્યોગો રણકાંઠાને સમુદ્ર કિનારાની વેરાનભૂમિમાં વિકસ્યા છે.

ભારતમાં માંડ ૩ ટકા કૃષિ વિકાસનો દર છે ત્યારે ગુજરાતે લગાતાર ૧૧ ટકાનો કૃષિ વિકાસ કર્યો છે. ખેત ઉત્પાદન રૂા. ૧૪,૭૦૦ કરોડમાંથી રૂા. ૯૮,૦૦૦ કરોડ ઉપર પહોંચાડયું છે. બાગાયત ખેતીમાં ૬૦ લાખ ટનમાંથી ૧૮૦ લાખ ટન ઉત્પાદન થાય છે. દૂધમાં એક જ દશકમાં ૬૮ ટકા ઉત્પાદન વૃદ્ધિ થઇ છે અને દૂધની પ્રથમ શ્વેતક્રાંતિની સફળતા પછી ગુજરાત દૂધ જેવા સફેદ કપાસની બીજી શ્વેતક્રાંતિ કરી રહ્યું છે તેની ભૂમિકા પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી હતી. કેળા, બટાટા, ડુંગળી, દિવેલાના પાકોની ઉત્પાદકતામાં ગુજરાતે વિશ્વમાં સૌથી વધુ સરેરાશ મેળવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું અને ઉમેર્યું કે, જળસંચયથી જળસિંચનનું જન અભિયાન કરીને ગુજરાતનો ખેડૂત વેલ્યુ એડિશન એગ્રીકલ્ચર દ્વારા વિશ્વના બજારો સુધી પહોંચી ગયો છે.

મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં ચીન સાથે ગુજરાત સ્પર્ધા કરી રહ્યું છે અને મોરબીના સિરામિક ઉદ્યોગે તો ચીનને મહાત કરેલું છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટર૦૧૧માં અમેરિકાની પ૦ જેટલી કંપનીઓએ રૂા. ૧પ,૦૦૦ કરોડ કરતાં વધારે રોકાણના સમજાૂતિના કરારો કર્યા છે અને ગુજરાતમાં સૌથી વધુ ફોરેન ડિરેકટ ઇન્વેસ્ટમેન્ટ અમેરિકાનું છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, અમેરિકા અને કેનેડાના અર્થતંત્રમાં ગુજરાતીઓનું યોગદાન મહત્વનું બની ગયું છે. ગુજરાતમાં વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના પાંચ તબક્કામાં મળીને ૮૭૦ બિલીયન ડોલર રોકાણ થયું છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ હિન્દુસ્તાનની ૧૦ ટકા વૃદ્ધિની સરેરાશ સામે ૧૬ ટકા થયો છે અને ભારતમાં કુલ રોજગારીના ૭૮ ટકા રોજગારીનો ફાળો એકલા ગુજરાતનો છે તેનો ગૌરવસહ ઉલ્લેખ કરી જણાવ્યું કે, ગુજરાતે ટેકનોલોજી દ્વારા ટ્રાન્સપરન્સી (પારદર્શી શાસન વ્યવસ્થા)થી સિદ્ધિઓ મેળવી છે.

જનસુખાકારીની સિદ્ધિઓ વર્ણવતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતની નર્મદા કેનાલ અને રર૦૦ કિ.મી. પાઇપલાઇનથી ૯૦૦૦ ગામો અને ૧ર૧ શહેરોને પીવાનું શુદ્ધ પાણી અપાય છે. ગેસગ્રીડથી સી.એન.જી. પરિવહન અને ઘરવપરાશના ગેસ જોડાણો આપવામાં ગુજરાતે પહેલ કરી છે.

રાજ્યમાં દશકા પૂર્વે ૪ ટકા ઘરોમાં નળ જોડાણો હતા. આજે ૭૬ ટકા ઘરોમાં નળ કનેકશનો છે. ૪૬ લાખ ઘરોમાં શૌચાલયો જ નહોતા. આ સરકારે ૪૪ લાખ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. પહેલાં માત્ર ચાર ગામો નિર્મળ ગ્રામ હતા. આજે ૪૪૩૪ ગામો નિર્મળ ગ્રામ છે. માતા મૃત્યુ દર અને શિશુ મૃત્યુ દર ઘટયો છે. કન્યા કેળવણીનો ડ્રોપઆઉટ ઘટીને માત્ર બે ટકા જ રહ્યો છે. ગુજરાતની ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અમેરિકાની આ પ્રકારની સેવા કરતાં તદ્દન સસ્તી અને છતાં સમયસર સારવારમાં ચડિયાતી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં મેડિકલ, એન્જીનિયરીંગ કોલેજોની બેઠકોમાં અનેકગણો વધારો તથા આઇ.ટી.આઇ. અને સ્કીલ ડેવલપમેન્ટ ટેકનીકલ એજ્યુકેશનની સુવિધાઓના વ્યાપક ફલકની ભૂમિકા પણ મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી.

દુનિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ઉત્તર ગુજરાતના રણકાંઠે આકાર લઇ રહ્યો છે અને હવે તો નર્મદા કેનાલ ટોપ ઉપર સોલાર પેનલથી સૌર ઊર્જા દ્વારા વીજળી પેદા કરવાની ક્રાંતિકારી દિશા અપનાવી છે. જયોતિગ્રામ ર૪ × ૭ થ્રી ફેઇઝ વીજળીથી બ્રોડબેન્ડ કનેકટીવિટી દ્વારા ૧૮,૦૦૦ ગામડાંને જોડીને આર્થિકસામાજિક બદલાવ લાવવામાં ગુજરાતે દેશને માર્ગ બતાવ્યો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતની આવતીકાલના વિકાસનું વિઝન દર્શાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ૧૬૦૦ કિ.મી.ના સમુદ્રકાંઠે નવું આધુનિક ગુજરાત વિકસી રહ્યું છે. ધોલેરા લ્ત્ય્ તો ચીનના શાંગહાઇ કરતાં વધુ વિશાળ બનવાનો છે, એમ તેમણે ઉમેયુર્ં હતું.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં મેન્યુફેકચરીંગ સેકટરમાં ઝીરો ડિફેકટ, ઉદ્યોગોમાં ઝીરો મેનડેઇઝ લોસ, ઝીરો પાવર કટ, શિક્ષણમાં ઝીરો ડ્રોપઆઉટ, આતંકવાદમાં ઝીરો ટોલરન્સ અને કૃષિમાં વેલ્યુ એડિશનનું વિઝન પણ સ્પષ્ટ કર્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં સહુને સુખ, શાંતિ અને સમૃદ્ધિના સપના સાકાર થતા દેખાય છે અને હિન્દુસ્તાનના ખૂણેખૂણેથી ગુજરાતમાં રોજીરોટી મેળવવા વિવિધ પ્રાંતના લોકો આવી વસેલાં છે. ગુજરાતીઓની સદ્દભાવના શાંતિ અને એકતાની શક્તિથી ગુજરાત વિકાસયાત્રા આગળ વધારી રહ્યું છે ત્યારે વિશ્વમાં ગુજરાતીઓ માટે ગુજરાતના ગૌરવનું સ્વાભિમાન જાગે અને ગુજરાત માટે પોતાનું યોગદાન આપે એવી અપીલ કરી હતી.

પ્રારંભમાં શ્રી નિરંજન શાહે શિકાગોથી ગુજરાતના વિકાસમાં મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વની પ્રસંશા કરી ભારતમાં નમૂનેદાર વિકાસનું મોડેલ આપવાનું શ્રેય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપ્યું હતું.