મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સામાન્ય નાગરિકોની રજૂઆતોની સંવેદના ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને તેમને રંજાડનારા તત્વો સામે સખત કાર્યવાહી કરવા જિલ્લા તંત્રોને ખાસ તાકીદ કરી છે.

આજે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સચિવાલય જનસંપર્ક કક્ષમાં ઉપસ્થિત રહી સામાન્ય પ્રજાજનોની રજૂઆતો સાંભળી હતી, અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સચિવો અને જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરી સંતોષપૂર્વક ન્યાયી ઉકેલ માટેની માર્ગદર્શક સૂચનાઓ પણ આપી હતી.

ગુજરાતીમાં જમીન અંગેના વ્યવહારોમાં માથાભારે તત્વો સામે કોઇ શેહશરમ રાખ્યા વગર સખ્ત પગલાં લેવા અને સહકારીતાના ક્ષેત્રમાં સ્થાપિત હિતોની કોઇ ફાવટ આવે નહીં તેની તાકીદ પણ તેમણે કરી હતી.

ગુજરાતમાં ગ્રામ સ્વાગત અને તાલુકા-સ્વાગત કાર્યક્રમોમાં આવતી નાગરિકોની રજૂઆતોના મૂળમાં ઉંડા ઉતરીને ન્યાયીક દ્રષ્ટિકોણ અપનાવવા તેમણે સૂચના આપી હતી.

આ પ્રસંગે ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવશ્રી જી. સી. મુર્મુ તથા નાયબ સચિવશ્રી જે. પી. મોઢા અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.