ચેન્નાઇમાં એસ.આર.એમ. યુનિવર્સિટીના ૯મા પદવીદાન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિશેષ અતિથિ
શિક્ષણ મની મેકિંગ મશીન નહિં, મેન મેકિંગ મિશન (માનવ નિર્માણ) હોવું જોઇએ : મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી
આપણે શિક્ષણ દ્વારા માનવ રોબોટ બનાવવા નથી - સંવેદનાસભર વ્યક્તિત્વનું ઘડતર કરવું છેઃ મુખ્યમંત્રીશ્રીનું યુવાછાત્રોને પ્રેરક સંબોધન
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ચેન્નાઇમાં એસ.આર.એમ. યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારોહમાં વિશેષ અતિથિ તરીકે પ્રેરક સંબોધન કરતાં જણાવ્યું કે, શિક્ષણ મેન મેકિંગ મિશન (માનવ નિર્માણ) છે મની મેકિંગ મશીન નહિં.
આપણે શિક્ષણ દ્વારા માનવ રોબોટ બનાવવા નથી પરંતુ સંવેદનાસભર વ્યકિતત્વનું ઘડતર કરવાનું છે તેવું પ્રેરક આહ્વાન પણ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એસ.આર.એમ. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાના પ્રતિભા સંપન્ન યુવા છાત્રોને નવમા પદવીદાન સમારોહ અવસરે ડીગ્રી પ્રદાન કરી હતી.
ભારતની પ્રાચીન વિદ્યા અને શાષા પરંપરાની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આ એ જ ભુમિ છે કે જ્યાં હજારો વર્ષ પહેલાં નાલંદા, તક્ષશિલા અને વલભી જેવી યુનિવર્સિટીઓ હતી. તે સમયે આ યુનિવર્સિટીઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત હતી. આ જ ભુમિ એ આર્યભટ્ટ અને વરાહમિહિર વિશ્વને આપ્યાં છે. આ જ ભૂમિ પર માનવજીવનની શરૂઆતના પ્રારંભિક વર્ષોમાં જ્ઞાન અને બૌધ્ધિક શકિતનો વિકાસ થયો હતો. અહીં જ જ્ઞાનને સંપત્તિ સાથે સરખાવવામાં આવે છે, જેને આપણે જ્ઞાનધન અથવા વિદ્યાલક્ષ્મી તરીકે ઓળખાવીએ છીએ. કમનસીબે આપણા શાસકોએ એ સમૃધ્ધ વારસાથી વિમૂખ રાખવાનું જે પાપ કર્યું તેના પરિણામે આઝાદીના ૬૫ વર્ષ બાદ પણ આપણે શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકયા નથી. કોઇ એક વ્યકિતની પ્રગતિ કે દેશના આર્થિક વિકાસ પૂરતું શિષણ મહત્વનું નથી, પરંતુ રાષ્ટ્ર ના નિર્માણ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેવો સ્પષ્ટ મત પણ મુખ્ય મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ૨૧મી સદી જ્ઞાનની સદી છે. દરેક દેશ અને તેના નાગરિકો માટે જ્ઞાન એ સૌથી મોટી સંપત્તિ છે. ગરીબી સામેની લડાઇમાં શિક્ષણ મહત્વપૂર્ણ સાધન બની રહે છે. ભારત પાસે અત્યંત બુધ્ધિશાળી યુવાધન છે. આપણી પાસે મોટી સંખ્યમાં ફિલાન્થ્રો પિસ્ટેસ છે. વૈશ્વિક અર્થતંત્રનો પ્રમાણમાં એક મોટો હિસ્સો આપણી પાસે છે. યુવાશકિતના આ ડેમોગ્રાફીક ડિવીડન્ડનો રાષ્ટ્ર નિર્માણ માટે વિનિયોગ કરવા દેશના પ્રત્યેક શહેરો અને નગરોમાં શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા સભર સંસ્થાઓ શા માટે ન હોય ? તેવો સવાલ કરતાં મુખ્ય્મંત્રીશ્રીએ આ માટે એક યોગ્ય માહોલ તૈયાર કરવાની આવશ્યકતા પર તેમણે ભાર મુક્યો હતો.
ભારત એક વિશાળ અને વૈવિધ્ધાસભર દેશ છે અને શિક્ષણ સહિત તમામ ક્ષેત્રે વિશ્વગુરૂ બનાવાની સમર્થતા ધરાવે છે તેવો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીએ જણાવ્યું કે, દેશમાં કુદરતીસ્ત્રોતોની પણ વૈવિધ્યતા છે. આપણી પાસે વિશાળ દરિયાકાંઠો છે અને તેનું સંચાલન અને વિકાસ કરવો જરૂરી છે. ‘‘આપણી પાસે મોટા જંગલો છે, જેને સંરક્ષિત રાખવા અને વધારવા જરૂરી છે. આપણી પાસે સમૃધ્ધ ખાણો છે. તેનો યોગ્ય વપરાશ થવો જોઇએ. આપણી પાસે નદીઓ છે તેને પણ સ્વચ્છ રાખવી અને એકબીજા સાથે જોડવી જરૂરી છે. વિવિધ ચીજ વસ્તુ ઓ અને સેવાઓની આયાત પર આપણી નિર્ભરતા ઘટાડવી એ આપણી સામે પડકાર છે. આત્યાધુનિક સાધનોથી આપણા સાર્વભૌમત્વ અને અખંડિતતાને સુરક્ષિત રાખવાની જરૂર છે.'' તેની આવશ્યકતા તેમણે સમજાવી હતી.
દેશનું યુવાધન ભારત ભાગ્ય વિધાતા છે તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તેને સાકાર કરવા માટે આપણી પાસે ઉચ્ચસ્તરીય શૈક્ષણિક વ્યવસ્થા હોવી જરૂરી છે. આપણને સાયન્ટિફિક ટેમ્પર અને ટેકનોલોજીકલ ટુલ્સ ની જરૂર છે. આપણે રીસર્ચ એન્ડ, ડેવલપમેન્ટમાં રોકાણ કરવું જોઇએ. આપણે નવીન સંશોધનોને પ્રોત્સાહન આપવું જોઇએ. આ સંદર્ભમાં તેમણે ગુજરાતે યુવા કૌશલ્ય નિર્માણ માટે સ્કીલ ડેવલપમેન્ટના જે આયામો અપનાવ્યા છે તેની સફળતાના દ્રષ્ટાંતો આપ્યા હતા.
દેશમાં ક્રાઇસિસ ઓફ ટ્રસ્ટ ની સ્થિતિ પ્રર્વતે છે તે અંગે ચિંતા વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દેશના લોકોનો સરકારમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે. છેલ્લા એક દશક દરમિયાન કેન્દ્રના શાસકોએ ગવર્નન્સ અને વહીવટી વિના પોલિટિકસ ઓફ એસ્પિરેશન તૈયાર કર્યું છે. આના કારણે જ હવે લોકોનો એ સરકારમાંથી વિશ્વાસ ઘટી રહ્યો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ભારત વિશ્વની મહાન લોકશાહિ રાષ્ટ્રમાં ગણના પ્રાપ્ત રાષ્ટ્ર છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, લોકશાહિની આ મહાન પરંપરાને આધુનિક જ્ઞાન-વિજ્ઞાન સાથે જોડીને ભારતને જગતગુરૂ બનાવવાના સ્વાર વિવેકાનંદના સ્વપ્ન સાકાર કરવા યુવાશકિત સમર્પિત ભાવ સાથે આગળ આવે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ યુવાનોને પોતાના કૌશલ્ય સામર્થ્યાથી ભારતમાં માઇક્રોસોફટ ઉભું કરવા આહ્વાન કર્યું હતું.
એસ.આર.એમ. યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના ફાઉન્ડરવાઇસ ચાન્સેલર ર્ડા. ટી.આર.પચમુથ્થુ તેમજ એસ.આર.એમ.ના ગૃપ ચેરમેન તથા વિદ્યાર્થીઓ, શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.