મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીનો ગુજરાતની જનતાજોગ સંદેશ

ગુજરાતને વિકાસની એવી ઊંચાઇ ઉપર  પહોંચાડયું છે, જ્‍યાં  પ્રત્‍યેક ગુજરાતી  ‘‘ મારું ગુજરાત''નું  ગૌરવ લઇ શકે છે

મહાગુજરાતની ચળ­­­­­વળના સૌ શહીદોને શત્‌  શત્‌ વંદન

શહીદોના રક્‍તને એળે જવા દીધું નથી

મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્‍થાપનાના ૫૨માં ગુજરાત ગૌરવ દિવસની રાજ્‍યના સૌ નાગરિકોને શુભકામના પાઠવતાં એવો નિર્ધાર વ્‍યક્‍ત કર્યો છે કે, ગુજરાતને એવા વિકાસની ઊંચાઇ ઉપર પહોંચાડયું છે, જ્‍યાં દરેક ગુજરાતીને ગુજરાતી હોવાનું ગૌરવ થાય કે, આ ગુજરાત મારું છે.

પ્રજાજોગ સંદેશામાં મુખ્‍યમંત્રીશ્રીએ મહાગુજરાતની ચળવળના ઇન્‍દુચાચા સહિત સૌ સાથીઓને યાદ કરીને, શહીદોને શત્‌ શત્‌ વંદન કરતા આ શહીદોના રક્‍તો એળે જવા દીધા નથી અને વિકાસ માટે પ્રત્‍યેક ગુજરાતી ગૌરવ લઇ શકે છે.

મુખ્‍ય મંત્રીશ્રીનો ગુજરાત ગૌરવ દિનનો અક્ષરશઃ સંદેશો આ પ્રમાણે છે :

ગુજરાતના સૌ વ્‍હાલા નાગરિક ભાઇઓ અને બહેનો. ૧લી મેને ૧૯૬૦ ગુજરાતનો સ્‍થાપના દિવસ. ૫૧ વર્ષ વીતી ગયા. આજે ૫૨માં વર્ષમાં આપણો મંગલ પ્રવેશ છે અને આ મંગલ પ્રવેશની વેળાએ મહાગુજરાતની ચળવળના એ સૌ શહીદોને આપણે નમન કરીએ. ઇન્‍દુચાચા સહિત મહાગુજરાતની ચળવળ ચલાવનાર સમગ્ર ગુજરાતવાસીઓને યાદ કરવાનો આ અવસર છે.

એ વખતની વિદ્યાર્થી આલમે ગુજરાતના ગૌરવને કાજે ગોળીઓ ખાવાનું પસંદ કર્યુ હતું. ગુજરાત એ ક્‍યારેય નહીં ભૂલે. ભદ્રના કોંગ્રેસ ભવનમાંથી ગુજરાતના વિદ્યાર્થીઓ પર ગોળીઓની રમઝટ ચાલી હતી. અનેક દુધમલ યુવાનોએ પોતાનું લોહી વહેવડાવ્‍યું હતું. પરંતુ ગુજરાતે આ વીરલાઓના રક્‍તને એળે નથી જવા દીધું. ગયા ૫૧ વર્ષની અંદર અનેક સરકારો આવી, અનેક આંદોલનો થયા, અનેક ઉપક્રમો થયા. સારી-નરસી ઘટનાઓ બનતી રહી પણ એ બધાંની વચ્‍ચે, ગુજરાત સદાયે આગળ તરફ વધતું રહ્યું. આ ૫૧ વર્ષ તરફ નજર કરીએ તો સાફ દેખાય છે કે ૨૧મી સદીનો આ પહેલો દશકો વિકાસની હરણફાળ ભરનારો દશકો બની રહ્યો. ૨૦૦૧માં ગુજરાતે, અનેક આફતો જોઇ. એકવીસમી સદીનો આરંભ જ આપણા માટે કારમો રહ્યો. ભયંકર ભૂકંપ આજે પણ આપણે ભૂલી શકીએ એમ નથી.  સહકારી બેંકોમાં ઉથલ-પાથલની છાયા, દુષ્‍કાળના ઓળા, કેટકેટલી મુસીબતોમાંથી, ૨૦૦૧ પછી, આપણે ગુજરાતને મક્કમતા પૂર્વક આગળ વધાર્યું. આફતો અનેક હતી, અવરોધો અપરંપાર હતા, ગુજરાત વિરોધીઓ ગેલમાં હતા. સૌ એમ માનતા હતા કે, ગુજરાત ક્‍યારેય ઉભું નહીં થાય. ગુજરાત ક્‍યારેય બેઠું નહીં થાય. આ બધા જ અવરોધોને પાર કરી ગયા. સંકટોનો સામનો કર્યો. આફતોને અવસરમાં પલટવા માટેનો ભરપૂર પ્રયાસ કર્યો. એનું પરિણામ એ આવ્‍યું કે, આજે સમગ્ર વિશ્વની નજરે વિકાસની વાત આવે અને ગુજરાતની ચર્ચા ન થાય એવું ક્‍યાંય જોવા ન મળે. આ ચારેય તરફ ગુજરાતના વિકાસની વાત થાય છે એનું કારણ શું ? મેં જ્‍યારે સદ્‌ભાવનામિશનમાં ગુજરાતમાં ખૂણે ખૂણે જઇને ઉપવાસનું આંદોલન ચલાવ્‍યું હતું. સદ્‌ભાવનામિશન અંતર્ગત ઉપવાસ કરતો હતો ત્‍યારે મેં ડંકાની ચોટ પર કહ્યું હતું કે, ગુજરાતના વિકાસની પાછળ છ કરોડ ગુજરાતીઓની આ એકતા, ભાઇચારો, શાંતિની સાધના છે. એના કારણે જ, આજે ગુજરાત આ બધી ઊંચાઇઓને પાર કરી શક્‍યું છે. અનેક યોજનાઓ એમાં પૂરક બની છે. કુદરતે પણ મહેર કરી છે. દુષ્‍કાળનું નામોનિશાન રહ્યું નથી અને પ્રજાકીય પુરૂષાર્થ ઉત્તરોત્તર એક શક્‍તિ બનીને ઉભરી રહ્‍યો છે. પરંતુ આટલાથી સંતોષ માનવાનો આપણો સ્‍વભાવ નથી. આપણે ઘણી ઊંચાઇઓ પાર કરવી છે. હજુ આગળ વધવું છે. ગુજરાતને એવી ઊંચાઇઓ પર લઇ જવું છે કે, જેથી કરીને આખા દેશની ઉત્તમમાં ઉત્તમ સેવા ગુજરાત કરી શકે. ગુજરાતના વિકાસની અંદર નજર કરીએ તો, એક તરફ ધ્‍યાન સૌનું જાય છે. એક જમાનાનું દુષ્‍કાળગ્રસ્‍ત ગુજરાત રણપ્રદેશ, ધૂળની ડમરીઓ, ચોકડીઓ ખોદતી જીંદગી, રાહતકામો સિવાય કંઇ ચાલતું જ ના હોય. એની સામે આજે આખા દેશમાં ગુજરાત એની કૃષિક્રાંતિ માટે વખણાતું થયું છે. આખો દશકો ૧૧ ટકાનો વિકાસદર, કૃષિનો રહે એ વાત દુનિયાના કૃષિ નિષ્‍ણાંતો માટે આヘર્યરૂપ છે. એ અભ્‍યાસ કરવા આવે છે. આટલું મોટું આヘર્યજનક કામ થયું કેવી રીતે ? ગુજરાતના ખેડૂતોએ કરી બતાવ્‍યું છે.

જળસંચયના અભિયાનને કારણે, પાણી રોકવાને કારણે, ખેતી ક્ષેત્રે મોટી ક્રાંતિ થઇ છે. પણ કમનસીબે કેટલીક નીતિઓ એવી આવી રહી છે કે જેના કારણે ખેડૂતોને  સહન કરવું પડે છે. હું આજે એ વિવાદમાં પડવા માંગતો નથી. પણ આજના આ પવિત્ર દિવસે પણ, ગુજરાતનો ખેડૂત દુઃખી થાય તો મને દુઃખ થાય તે સ્‍વાભાવિક છે.

આપણે ખેતીમાં વિકાસ કર્યો, દૂધમાં પણ વિકાસ કર્યો. આ દશ જ વર્ષની અંદર દૂધના ઉત્‍પાદનમાં ૬૬ ટકાનો વધારો થયો છે. જે લોકો ગુજરાતને બદનામ કરવા માટે ગાયોના નામે રાજકીય રોટલા શેકવા નીકળે છે એમને ખબર નથી કે કોઇ જમાનામાં ક્‍યારેય ગુજરાતના દૂધનો વિકાસ દર ૬૬ ટકા રહ્યો નથી. પશુપાલકો માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે. સરકારે ગૌવંશ - ગાયની ચિંતા કરી છે એના કારણે શક્‍ય બન્‍યું છે.

કચ્‍છ અને કાઠિયાવાડમાં ડેરીઓ ન ખોલવાના અગાઉ સરકારે પરિપત્ર નીકળ્‍યા.ખેડૂત દૂધ ક્‍યાં વેચે, એનું શોષણ થતું. આ સરકારે કચ્‍છ અને કાઠિયાવાડમાં ઠેર-ઠેર ડેરીઓનું કામ ચાલુ કર્યું. જેથી કરીને નાના નાના પશુપાલકોને દૂધની પૂરતી આવક થાય, એનું ગુજરાન ચાલે. એમાં પૂરક આવક બને. આજે કચ્‍છ અને કાઠિયાવાડે દુધની બાબતમાં ખૂબ મોટી પ્રગતિ કરી છે. ગુજરાતે કૃષિ ક્ષેત્રે કામ કર્યું છે, દૂધ ઉત્‍પાદનમાં કામ કર્યું છે, ઔદ્યોગિક ક્ષેત્રે તો હરણફાળ ભરી છે.

આપણું ગુજરાત પહેલાં ગોલ્‍ડન કોરીડોર  અંકલેશ્વરથી વાપી સુધીનો પટ્ટો એટલે ઉદ્યોગ. મને આヘર્ય થાય છે કે, આના જેવી ફળદ્રુપ જમીન જ્‍યાં બારે મહિના પાણી હતું એ જમીન ઉદ્યોગોમાં શું કરવા નાંખી દીધી ? એ વખતે આપણા વડીલોએ ઉદ્યોગો બીજી જગ્‍યાએ નાંખ્‍યા હોત, દરિયા કિનારે નાખ્‍યા હોત, રણ કિનારે નાંખ્‍યા હોત તો, આ લીલીછમ લીલા નાઘેર જેવી ઘરતી આટલી ઉદ્યોગોમાં ગઇ ના હોત. એમણે તો જે ભૂલો કરી એ કરી. આપણે ઉદ્યોગોને સૂકા પ્રદેશમાં લઇ ગયા. જ્‍યાં આગળ ભૂતકાળમાં કશું જ નહોતું. એક તણખલું ન ઉગે એવી જગ્‍યા પર ઉદ્યોગો લઇ ગયા અને ગુજરાતમાં ભૂતકાળની અંદર ઉદ્યોગો ક્‍યા જ્‍યાં જુઓ ત્‍યાં કેમિકલ અને ફાર્માસ્‍યુટીકલ. આપણે ધીરે ધીરે કરી એમાં બદલાવ લાવ્‍યા. એન્‍જીનીયરીંગ ઉદ્યોગો પર બળ આપ્‍યું, ઓટો મોબાઇલ્‍સ ઉદ્યોગો પર બળ આપ્‍યું, બોમ્‍બાર્ડીયર જેવી મેટ્રો ટ્રેઇન બનાવતી કંપનીઓને લઇ આવ્‍યા અને એન્‍જીનીયરીંગ ઉદ્યોગો હોવાના કારણે ગુજરાતના નવજવાનોને રોજગાર પણ વધારે મળે એ દિશામાં આપણે પ્રયત્‍ન કરીએ છીએ. આમ ઉદ્યોગક્ષેત્રનું આખુંય ચરિત્ર બદલી નાંખ્‍યું છે. નહીં તો કેમિકલ ઉદ્યોગોના કારણે અનેક મુસીબતો આવતી હતી. એમાંથી ધીરે ધીરે એક આખું નવું વિકાસનું ક્ષેત્ર ઉભું થયું. આપણે જળ, થલ, નળને આંબવા માંડયાં. એક એવી ગુજરાતની ઓળખ હતી. શીપ બ્રેકિંગ યાર્ડની અલંગ જાઓ વહાણ તૂટતા હોય પણ વહાણ બનાવવાનો વિચાર ન આવ્‍યો.

આપણે વહાણ બનાવવાની દિશામાં આગળ વધ્‍યા છીએ અને ગુજરાતના યુવાનોને વહાણ બનાવવામાં ખૂબ રોજગાર મળે એવી તકો ઉભી કરવાની દિશામાં આગળ વધ્‍યા છીએ. આખી દુનિયામાં સામુદ્રિક વ્‍યાપાર વધી રહ્યો છે એટલે જ બંદરો વિકસાવ્‍યા છે એની તરફ ધ્‍યાન આપ્‍યું છે. માળખાકીય સુવિધાઓ.... એની અંદર ધ્‍યાન આપ્‍યું છે.

માનવ સંશાધન વિકાસ કોઇપણ રાજ્‍યની પ્રગતિ કરવી હોય તો હ્યુમન રીસોર્સ ડેવલપમેન્‍ટ ખૂબ જ મહત્‍વની બાબત બની રહે છે. ITI સાવ નાનું એકમ ગણાય. એના ઉપર આપણે ધ્‍યાન કેન્‍દ્રીત કર્યુ છે. આંગણવાડી સાવ નાનું એકમ ગણાય એના ઉપર ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે. આજે ગુજરાતની ITI ની ચર્ચા સમગ્ર દેશમાં થાય છે. નાના નાના કોર્સિસ અને ITI માં ગરીબ બાળકો ભણવા આવે, ૭મું ભણવાનું છોડી દીધું હોય, ૧૦મું ભણવાનું છોડી દીધું હોય, પરીક્ષામાં એક બે વખત નાપાસ થયો હોય, ઘરની આર્થિક સ્‍થિતિ ના હોય, ભણી ના શકતો હોય એવા એવા બાળકોને એમની કારકિર્દી અને જીવન બને એના માટે કામ કર્યું છે. ગયા મહિને જ ૬૫,૦૦૦ આવા યુવકોને સીધે સીધા રોજગાર માટેના નિમણૂંક પત્રો આપી દીધા. ઔદ્યોગિક વિકાસના કારણે રોજગારીની કેટલી બધી તકો ઉભી થઇ છે. આપણે પહેલીવાર ITI માં સુપર સ્‍પેશ્‍યાલિસ્‍ટ કોર્સિસ ચાલુ કર્યા છે. જેના કારણે કૌશલ્‍ય બજારમાં એનું મૂલ્‍ય વધી ગયું છે.

હમણાં તાજેતરમાં જ આપણે ગરીબ કલ્‍યાણ મેળા કર્યા. માર્ચ મહિનામાં બજેટ પુરું થયું અને એક જ મહિનાની અંદર સમગ્ર રાજ્‍યમાં ૨૫૦ કરતાં વધારે ગરીબ કલ્‍યાણ મેળા કરીને ૧૬૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે રકમ સીધે સીધી ગરીબોના હાથમાં આપી દીધી. ગરીબી સામે લડવા માટેની જે મથામણ આદરી છે એની અંદર એક પછી એક પૂરક યોજના એમાં જોડાય એના માટેની મથામણ આદરી છે. સખી મંડળો બનાવ્‍યા એટલા માટે અમારી માતાઓ, બહેનો ગૌરવભેર જીવે. આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બને. રાજ્‍યની અંદર ૨,૩૭,૦૦૦ સખી મંડળો. ૨૯ લાખ કરતાં વધારે ગરીબ પરિવારની બહેનો સભ્‍ય બની છે અને લગભગ ૪૦૦ કરોડ રૂપિયા આ બહેનોએ રૂપિયો, બે રૂપિયા બચાવી બચાવીને ભેગા કર્યા છે. સરકારે એમાં પૂરક પૈસા આપ્‍યા, બેંકો પાસે અપાવ્‍યા.

ગુજરાતના ગામડાની ગરીબ બહેનોના હાથમાં ૧૬૦૦ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ આજે આપી છે. તેઓ આર્થિક પ્રવૃત્તિમાં ભાગીદાર બની છે. ક્‍યાંક કોઇ અગરબત્તી બનાવે છે, મીણબત્તી બનાવે છે, મસાલા બનાવે છે, કોઇ ખાખરા-પાપડ પણ બનાવે છે, કોઇ ઢોર લઇ આવે છે, દૂધ ઉત્‍પાદન કરે છે, કોઇ રસોઇ પરસવાના કામો કરે છે, કોઇ હોમ સર્વીસ-ટીફીન સર્વીસ ચાલુ કરે છે. અનેક કામો  સીવણના વર્ગો ચાલવે, કોમ્‍પ્‍યુટરના વર્ગો ચલાવે અને માત્ર સખી મંડળના બહેનો આજે પાર્ર્કિગના કામો ઉપાડે છે, બસસ્‍ટેશનમાં કેન્‍ટીન

ચલાવે છે, સરકારી કચેરીઓમાં કેન્‍ટીન ચલાવે છે. ગરીબ બહેનો આર્થિક વિકાસની અંદર ભાગીદાર બની રહી છે અને ગરીબ પરિવારોને વ્‍યાજખોરોની ચૂંગાલમાંથી બચાવવાનું મોટામાં મોટું કામ આ મિશનમંગલમ્‌ દ્વારા ચાલી રહ્યું છે. સખી મંડળો દ્વારા ચાલી રહ્યું છે. આજે ગરીબને ઓશિયાળી જીંદગી જીવવી ન પડે એની ચિંતા કરી છે. શિક્ષણની, આરોગ્‍યની ચિંતા, ગુજરાતનો ગરીબ માનવી એના પરિવારમાં માંદું પડે એનો ૩૦ હજાર રૂપિયા સુધીનો ખર્ચો સરકાર ભોગવે એવી વીમા યોજના પણ બનાવી છે. આ બધી તો નાની મોટી બિમારીઓની વાત છે, પણ ગરીબના ઘરમાં પણ કેન્‍સર તો આવે, ગરીબના ઘરમાં હાર્ટએટેક તો આવે, ગરીબના ઘરમાં પણ કીડની ફેલ થાય એનું શું ? લાખો રૂપિયાનો ખર્ચો થતો હોય ત્‍યારે આ ગરીબ જાય ક્‍યાં ? આ રાજ્‍ય સરકારે ખાસ બજેટમાં ૨૦૦ કરોડ રૂપિયાની મુખ્‍ય મંત્રી અમૃતમ્‌ યોજના કરી છે. આ જીવલેણ બિમારી કોઇ ગરીબના ઘરમાં આવે તો એનો ખર્ચો સરકાર કરશે એના માટેની યોજના આ છે. મારે ગરીબ પરિવારને દુઃખી નથી રહેવા દેવા, મારે ગરીબ પરિવારના આરોગ્‍યની ચિંતામાં સરકાર સક્રિય ભાગીદાર બને એ દિશામાં પ્રયત્‍ન આદર્યા છે. ગુજરાતનો નવજવાન અનેક આશા-અરમાન સાથે આગળ વધી રહ્યો છે.

મારો વનવાસી, મારો દલિત, મારો વંચિત, એને મારે વિકાસની યાત્રામાં મોખરે લાવવો છે. આદિવાસી ભાઇઓ માટે ૪૦,૦૦૦ કરોડ રૂપિયાનું વનબંધુ પેકેજનું હિન્‍દુસ્‍તાન ભરના આદિવાસી ક્ષેત્રે કામ કરનાર લોકો અભ્‍યાસ કરવા આવે છે કે, ગુજરાતે આ કમાલ કેવી રીતે કરી છે. શહેરી ગરીબોના માટે ૨૨,૦૦૦ કરોડ રૂપિયાનું પેકેજ આપ્‍યું છે, ઉમ્‍મીદ નામની યોજના આપી છે, એમને સ્‍વરોજગાર શીખવાડયો છે. હુન્‍નર શીખવાડયો છે અને એમનામાં શક્‍તિનો સંચય થાય, જેથી કરીને આ નવજવાનો રોજગારી માટે પોતે પગ ઉપર ઉભા રહે.

આ વર્ષ વિવેકાનંદ જયંતીનું વર્ષ છે. ૧૫૦મી વિવેકાનંદ જયંતી છે, ગુજરાતે એને યુવાશક્‍તિ વર્ષ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. લાખ્‍ખો નવજવાનોને રોજગારી મળે, સાથે સાથે કોઇ યુવક એવો ન હોય, કોઇ યુવતી એવી ન હોય કે જેની પાસે કોઇ હુન્‍નર ના હોય, કોઇ કૌશલ્‍ય ન હોય, એનામાં કોઇ આવડત ન હોય. આપણે એના માટે સમગ્ર રાજ્‍યમાં કૌશલ્‍યવર્ધનનું એક અભિયાન ઉપાડયું છે. અરબો-અબજો રૂપિયા ખર્ચીને ગુજરાતના યુવકોને આત્‍મશક્‍તિ આપી છે, જેથી કરીને પોતે પણ પોતાના પગભર ઉભા રહેવું હોય તો ઉભો રહી શકે છે.

કોઇ ક્ષેત્ર એવું નથી કે જે વિકાસથી વંચિત ન હોય. કોઇ વ્‍યકિત એવી ન હોય કે વિકાસનો લાભાર્થી બન્‍યો ન હોય, છ કરોડ ગુજરાતીઓ એક નવી આશા અને ઉમંગ સાથે આગળ ધપે એ દિશામાં આપણે પ્રયત્‍ન કરી રહ્યા છીએ.

ગયા વર્ષે આપણે ગુજરાતની સ્‍વર્ણિમ જયંતી મનાવી કેવા નવા લક્ષ્યાંકો પાર કર્યા. એક જમાનો હતો. ગુજરાતમાં ૪ ગામ સાફ-સુથરાં નિર્મળ ગ્રામ બનતા હતા. સ્‍વર્ણિમ જયંતીની અંદર આખાય ગુજરાતના ગામડાંઓએ અભિયાન ઉપાડયું. ૪૬૦૦ ગામ નિર્મળ ગ્રામ બન્‍યા અને ભારત સરકારનું ઇનામ લઇ આવ્‍યા. ડંકાની ચોટ પર લઇ આવ્‍યા.

આવો, આજે સંકલ્‍પ કરીએ, નિર્ધાર કરીએ, વિકાસની વાતને વધુ તેજ બનાવી છે. વધુ વ્‍યાપક બનાવવી છે. ગરીબના ઝૂંપડાં સુધી પહોંચવું છે. ગામડા સુધી પહોંચવું છે. ખેડૂત સુધી પહોંચવું છે. દરેકને એનો લાભ થાય અને દરેકને લાગે કે આ ગુજરાત મારું છે. દરેકને થાય  હું ગુજરાતી છું, એનું મને ગૌરવ છે. હિન્‍દુસ્‍તાનના કોઇપણ ખૂણે જાય, દુનિયાનો કોઇ નાગરિક એને મળે, એને ગુજરાતી છું એમ કહેતાની સાથે સામી વ્‍યક્‍તિની આંખમાં ચમક આવી જાય એવા ગુજરાતના નિર્માણ કરવા માટે આપણે તપ આદર્યું છે. ગુજરાતને માટે કરીએ છીએ. છ કરોડ ગુજરાતીઓના ભવિષ્‍ય માટે મહેનત કરી છે. આપણી આવતી પેઢી માટે કરી છે.

સોલાર એનર્જી ઉપર કેવડું મોટું કામ થયું છે ? હિન્‍દુસ્‍તાન આખામાં ૧૨૦ મેગાવોટ સોલાર પાવર વીજળી છે. ગુજરાતે ૬૦૦ મેગાવોટ સોલાર વીજળી પેદા કરી દેશને ચરણે ધરી. એટલું જ નહીં, હમણાં નર્મદા કેનાલ ઉપર સોલાર પેનલ બનાવી, આ ગુજરાત સરકારે આ નર્મદાની કેનાલ ઉપર ઢાંકણું કરવાનું નક્કી કર્યું છે. જેથી પાણીનું બાષ્‍પીભવન ન થાય અને મારા ખેડૂતોને નુકશાન ન થાય અને ઢાંકણા ઉપર સોલાર પેનલો લગાવી છે જેથી એમાંથી વીજળી પેદા થશે. એક પંથ અનેક કાજ. આવું ઉત્તમ કામ આપણે કરી દીધું છે. આ બધું જ ગુજરાતની આવનારી પેઢીને કામ આવવાનું છે. વિકાસ સિવાય કોઇ મંત્ર નથી. વિકાસ સિવાય કોઇ સપનું નથી. વિકાસ સિવાય કોઇ કામ નથી. વિકાસ સિવાય કોઇ વાત નથી. માત્રને માત્ર વિકાસ...... એને લઇને આગળ વધવું છે. અને એમાં સૌ ગુજરાતી ભાઇઓ-બહેનો ગર્વપૂર્વક આગળ આવે.

સમગ્ર વિશ્વમાં પથરાયેલાં ગુજરાતી ભાઇઓને પણ આજના પર્વે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને જ્‍યાં હોઇએ ત્‍યાં આપણે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કરીએ, ગુજરાતી હોવાનું ગૌરવ કરીએ. દુનિયાની અંદર ગુજરાતીપણાની છાપ ઉભી કરીએ અને સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવવાનો ગુજરાતીઓનો જે સ્‍વભાવ છે, સૌને સાથે લેવાનો ગુજરાતીઓનો જે સ્‍વભાવ છે એના દર્શન દુનિયા આખીને કરાવીએ. એવી મારી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આજે ૧લી મે ગુજરાતની વિકાસયાત્રાની, સ્‍વતંત્ર વિકાસયાત્રાની આ ૫૨મી મઝલ છે. ૫૧ વર્ષ પૂરા થયા છે. આપ સૌને અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ..

જય જય ગરવી ગુજરાત.....

ભારત માતા કી જય......