સાબરમતી મેરેથોનઃ અમદાવાદ-ર૦૧૧ને નગરજનોનો અપૂર્વ પ્રતિસાદ

૧૮૦૦૦થી અધિક દોડવીરોએ મેરેથોન દોડમાં ભાગ લીધો

વહેલી સવારે સાબરમતી રિવરફ્રંટ ઉપર મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે પ્રસ્‍થાનઃ હજારો નાગરિકો ઉત્‍સાહ-ઉમંગથી હેલે ચડયા

મેરેથોન રન નગરનો ગૌરવ ઉત્‍સવ બને

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે વહેલી સવારે સાબરમતી નદીના તટે, રિવરફ્રંટ ઉપર, સાબરમતી મેરેથોન અમદાવાદ-ર૦૧૧નું પ્રસ્‍થાન કરાવતા મેરેથોન દોડ નગરનું ગૌરવ થાય તેવો નાગરિકો અને યુવા શક્‍તિનો ઉત્‍સવ બનશે એવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

કાંકરિયા કાર્નિવલના ભાગરૂપે યોજાયેલી આ સાબરમતી મેરેથોન દોડની કુલ ૪ર કિ.મી.ની ફૂલ મેરેથોન રન, ર૧ કિ.મી.ની હાફ મેરેથોન, ડ્રીમ રનના સાત કિ.મી. અને શારીરિક ક્ષતિ છતાં આંતર ઊર્જાની વિશિષ્‍ઠ શક્‍તિ ધરાવતા વિકલાંગ અને પ્રજ્ઞાચક્ષુઓની દોડ સ્‍પર્ધાઓથી નદીપટનું પ્રભાત હજારો નગરજનોના ઉત્‍સાહથી હેલે ચડયું હતું. અમદાવાદ મહાનગર સેવા સદનનો આ વર્ષે આ બીજો સાબરમતી મેરેથોન ઉત્‍સવ હતો.

ગુજરાતમાં વડોદરા પછી અમદાવાદે મેરેથોન રનની સ્‍પર્ધાઓ યોજવાની પહેલ કરેલી છે. આજની સ્‍પર્ધાની ચારેય કક્ષામાં મળીને ૧૮૦૦૦થી વધુ યુવાવર્ગ-બાળકો અને મહિલાઓ તથા વરિષ્‍ઠ નાગરિકો અપૂર્વ ઉમળકાથી જોડાયા હતા. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મેરેથોન દોડથી નગર આખું દોડતું થાય અને યુવાશક્‍તિના મિજાજ સાથે નગરનું ગૌરવ ખેલદિલીની ભાવનાથી થાય તેવું વાતાવરણ સર્જવા ઉપર ભાર મુકયો હતો. તેમણે ભવિષ્‍યમાં મેરેથોન રનના વ્‍યવસ્‍થાપનની જવાબદારી નાગરિકોની સમિતિ ઉપાડી લે એવું પ્રેરક સૂચન કર્યું હતું. શારીરિક ક્ષતિ છતાં વિશેષ શક્‍તિ ધરાવતા વિકલાંગો પણ ખૂબ જ ઉત્‍સાહથી મેરેથોન દોડમાં જોડાયા તેને આવકારતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, રમવું એ જ જીતવું એ આપણી ખેલદિલીની ભાવના છે. આ મેરેથોનમાં ભાગ લેનારા અને વિજેતા બનનારા સહુને તેમણે અભિનંદન આપ્‍યા હતા.

મેયર શ્રી અસિત વોરાએ અમદાવાદમાં સાબરમતી મેરેથોનના આયોજનની રૂપરેખા આપી નગરજનોના અભૂતપૂર્વ પ્રતિસાદને આવકાર્યો હતો. આ પ્રસંગે રિવરફ્રંટ ઉપર હજારો દોડવીરોને પ્રોત્‍સાહિત કરવા ઉત્‍સાહ-ઉમંગથી અનેક પરિવારો ઉપસ્‍થિત હતા. દક્ષિણ પヘમિ વાયુદળ કમાન્‍ડના ચીફ એર સ્‍ટાફ ઓફિસર એરમાર્શલ આર. કે. જોલી, ધારાસભ્‍ય શ્રી રાકેશ શાહ સહિત મ્‍યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્‍થિત હતા.