આર્ટ ઓફ લિવિંગ- ગુજરાત આશ્રમ, આંકલાવાડીમાં મુખ્યમંત્રીશ્રી અને શ્રી શ્રી રવિશંકરજી વચ્ચે એક કલાક સત્સંગ-ચર્ચા.

સ્વામી વિવેકાનંદની દોઢસોમી રજતજયંતી વર્ષની ઉજવણી યુવાશક્તિ, આધ્યાત્મિક ચેતના અને સામાજિક મૂલ્યોના જન જાગરણ વિષયક ચર્ચા-વિમર્શ.

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આર્ટ ઓફ લિવિંગ- આધ્યાત્મિક સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરની તેમના ગુજરાત આશ્રમ, આંકલાવાડી ખાતે સૌજન્ય મૂલાકાત લીધી હતી અને એક કલાક સુધી આધ્યાત્મિક મૂલ્યો અને સામાજીક ચેતના વિષયક સત્સંગ કર્યો હતો. શ્રી નરેન્દ્રભાઇ મોદી આજે સવારે આણંદ જિલ્લામાં વાસદ નજીક આંકલાવાડીમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના ગુજરાત આશ્રમમાં પહોંચ્યા હતાં. વિક્રમસંવતના નૂતનવર્ષની શુભકામનાની પરસ્પર વિનિયોગ કરીને મુખ્યમંત્રીશ્રીએ શ્રી શ્રી રવિશંકરનું ભાવભર્યુ અભિવાદન કર્યુ હતું. શ્રી શ્રી રવિશંકરજીએ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતાં.

એક કલાકની આ સત્સંગ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આગળ સને ૨૦૧૨-૧૩ નું વર્ષ સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી ઉજવણી નિમિત્તે અને વિશેષ કરીને ગુજરાત સરકારે આ ઉજવણીને યુવા શક્તિ વર્ષ તરીકેની જાહેરાત કરી છે, તે સંદર્ભમાં યુવા વર્ગમાં આધ્યાત્મિક ચેતના અને સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યેની કર્તવ્ય ભાવના અને પારિવારિક મૂલ્યોનાં સામુહિક જાગરણ અભિયાન સંદર્ભમાં શ્રી શ્રી રવિશંકર પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.

આર્ટ ઓફ લિવિંગ- ગુજરાત આશ્રમ, આંકલાવાડીના પદાધિકારીઓ અને વિરાટ સંખ્યામાં ઉપસ્થિત સત્સંગી પરિવારોને પણ મુખ્યમંત્રીશ્રી મળ્યા હતાં અને નવા વર્ષની શુભકામના સૌને પાઠવી હતી.