અંબાજી શકિતપીઠના વિકાસ માટે રૂા.૬૦ કરોડનો મહત્વાકાંક્ષી પ્રોજેકટ પ્રગતિમાં - મુખ્યમંત્રીશ્રી
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સુપ્રસિધ્ધ શકિતપીઠ આદ્યશકિત ધામ અંબાજી મંદિરમાં ભકિતભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યા હતા. તેમણે અંબાજી શકિતપીઠના વિકાસ પ્રોજેકટની પ્રગતિનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દેશભરના લાખો ભાવિકોના શ્રધ્ધા-આસ્થા કેન્દ્ર અંબાજીધામના ભકિતવંત મહિમાને ઉજાગર કરતા પવિત્ર યાત્રાધામ નિર્માણના રૂા.૬૦ કરોડના વિકાસ પ્રોજેકટની રૂપેરખા આપી હતી. દેશના બાવન શકિતપીઠની પવિત્રતા સાથેની પ્રતિકૃતિ નિર્માણ અંબાજીધામ પરિસરમાં હાથ ધરાઇ છે. આ માટે રાજ્યના વિવિધ મંદિરોના-સ્થાનકોના પૂજારીઓને સંબંધિત શકિતપીઠમાં પૂજન-આરતી તાલીમ માટે મોકલવામાં આવશે અને જે તે શકિતપીઠની પવિત્ર પૂજન-અર્ચન પરંપરા અંબાજી ધામમાં આકાર લેનારા આ સમગ્ર પૂનઃનિર્માણ સંકુલમાં અકબંધ રાખવાનો નિર્ધાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ભારતભરમાંથી અંબાજી ધામના દર્શનાર્થે આવતા યાત્રાળુ પ્રવાસીઓને દર્શન સુવિધા સાથે માળખાકીય સવલતો અને અન્ય દર્શનીય સ્થળો નિહાળવાની પ્રવાસન પ્રવૃત્તિ વિકસાવવા માટેનો આ બહુહેતુક પ્રોજેક્ટ આગામી ફેબ્રુઆરી-૨૦૧૪માં લોકાર્પણ કરાશે તેની વિગતો પણ આપી હતી.
અંબાજી મંદિર ટ્રસ્ટના વહિવટદારશ્રી તથા બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આ પ્રસંગે ઉપસ્થિત હતા.