મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે કચ્‍છની સૂકી ધરતી ઉપર હરિયાળી કૃષિક્રાંતિના આર્થિક વિકાસના નવા મોડેલ તરીકે નર્મદાની કચ્‍છ શાખા નહેરના કામોનો શિલાન્‍યાસ કરતાં જાહેર કર્યું હતું કે, નર્મદાનું પાણી કચ્‍છમાં પારસ બનીને આખા સુકા પ્રદેશને લીલોછમ બનાવશે.

તેમણે કચ્‍છમાં નર્મદાના પીવાના પાણી પાઇપલાઇનથી રાજ્‍ય સરકારે પહોંચાડયા તેનાથી કચ્‍છના જન-જનમાં પાણીદાર પુરૂષાર્થના ઉદયનો પ્રસંગ હતો. આજે કચ્‍છના રણને નવપલ્લવિત કરીને કચ્‍છમાં નર્મદાના પાણી કચ્‍છની કૃષિ ક્ષેત્રે પણ કાયાપલટ કરશે, એમ જણાવી નર્મદાના પાણીના ટીપેટીપાનો ટપક સિંચાઇથી સદ્દઉપયોગ કરવા અપીલ કરી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીએ કચ્‍છ જિલ્લાના રાપર તાલુકામાં કચ્‍છની ૩૬૦ કિ.મી. લાંબી નર્મદા બ્રાન્‍ચ કેનાલના ખાતમૂર્હુતનો આજે પ્રારંભ કર્યો હતો. વિરાટ કચ્‍છી જનશક્‍તિનું દર્શન કરાવતા આ પ્રસંગે કચ્‍છમાં કુલ રૂ. ૪૬૦૦ કરોડના નર્મદાની કચ્‍છ કેનાલના પાંચ કામોનો એકી સાથે પ્રારંભ થયો હતો. જેમાં પ્રથમ તબક્કે રૂ. ૧ર૬પ કરોડના ખર્ચે રાપરમાં ૮૬ કી.મી. લાંબી બે નહેર શાખાના કામો અને વીસ-વીસ માળના ઊંચાઇવાળા ત્રણ વિશાળકાય પંપીંગ સ્‍ટેશનોનું ખાતમુર્હૂત મુખ્‍ય મંત્રીશ્રીએ કર્યું હતું.

મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું કે, કચ્‍છની સૃૂકી ધરતી અને તરસી જનતાને ૧૯૬૧માં નર્મદાના સરદાર સરોવર યોજનાનો પાયો નાંખ્‍યો તે પછી પ૦-પ૦ વર્ષ સુધી નર્મદાને ઉગમસ્‍થાનથી દરીયા સુધી પહોંચાડવા જે પીડા ભોગવવી પડી તે રાજકીય આટાપાટા અને કાવાદાવાના કારણે છે. આ સરકાર રાજકીય આટાપાટા નહીં પણ નર્મદાનો અમલ કરવા પ્રતિબદ્ધ છે.

નર્મદાની પાઇપલાઇનથી ર૦૦૩માં પીવાનું પાણી કચ્‍છમાં આપ્‍યું ત્‍યારે કચ્‍છના પ્રત્‍યેક નાગરિકમાં હર્ષના આંસુનો અભિષેક થયો હતો તે અભૂતપૂર્વ ઉમંગનો ઉલ્લેખ કરી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, આટલો જ ઉમંગ આજે નર્મદાની કચ્‍છ કેનાલના સિંચાઇના પાણી માટે રણમાં ખેતી થઇ શકે એવો આ પ્રસંગ છે. આ માટે કચ્‍છની જનતાને સો-સો સલામ છે. નર્મદા કચ્‍છની કેનાલ આખા કચ્‍છની ધરતીને લીલીછમ બનાવી દેશે એમ તેમણે જણાવ્‍યું હતું.

ખેડૂતને વીજળીના તારના કરંટ ખાઇને અધમૂવો કરી દેવામાં આવ્‍યો પરંતુ આ સરકારે ખેડૂતને ખેતી માટે વીજળી નહીં પાણી જોઇએ અને આ સરકારે ખેતી માટે વીજળી નહીં પણ પાણીની સુવિધા આપી કચ્‍છી ખેડૂતોએ આ વાત સ્‍વીકારી, પ્રગતિશીલ ખેતી અને ફળફળાદીની નિકાસની સિદ્ધિ મેળવી લીધી છે, એમ મુખ્‍ય મંત્રીશ્રીએ ટપક સિંચાઇ અપનાવનારા ખેડૂતોએ નર્મદાના પાણીના ટીપેટીપાનો ઉપયોગ ટપક સિંચાઇથી પણ કરશે એવો વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

કચ્‍છની માતૃશક્‍તિ અને નારીશક્‍તિની ક્ષમતાને વંદન કરતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, પાંચ વર્ષથી કચ્‍છના ગામેગામ નારીશક્‍તિનું દર્શન પાણી વિતરણની પાણી સમિતિઓ દ્વારા થઇ રહ્યું છે. ગુજરાતમાં વાસ્‍મોને જે વૈશ્વિક એવોર્ડ મળ્‍યો તેનો યશ આ કચ્‍છી બહેનોની કાર્યક્ષમ પાણી સમિતિઓને ફાળે જાય છે અને દુનિયાનો વિકાસ સાધી રહેલા દેશોને પણ પાણી વ્‍યવસ્‍થાપનનું અનોખું ઉદાહરણ પુરું પાડે છે.

કચ્‍છમાં પીવાના પાણીના વિતરણના હક્કો નારીશક્‍તિને સરકારે આપી દીધા એમ કેનાલના પાણીની સિંચાઇ માટેની વિતરણ વ્‍યવસ્‍થા પણ કિસાનોના અધિકારથી આપી દેવાનો નિર્ધાર તેમણે વ્‍યકત કર્યો હતો. તેમણે જણાવ્‍યું કે, નર્મદા કેનાલમાંથી કચ્‍છના ખેડૂતોને પાણી પહોંચે તે પહેલાં આ સરકાર ખેતરે ખેતરે પાણી પહોંચાડવા ખેડૂતો-કિસાનોની સિંચાઇ સમિતિઓ બનાવીને નર્મદાના પાણી ખેતી માટે પહોંચાડવાનું કાર્ય પુરું કરે એવી અપીલ તેમણે કરી હતી.

ગુજરાત સરકાર જીવમાત્ર માટે સંવેદનશીલ છે અને વિકાસ સંતુલિત હોવો જોઇએ એવા પર્યાવરણલક્ષી વિકાસ માટે કેટલી આતુર છે તેનું દ્રષ્‍ટાંત આપતાં મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, કચ્‍છની વિરાસત સમા ઘૂડખર પ્રાણીઓની સુરક્ષા માટે પણ કેનાલના આખા રૂટ ઉપર બંને બાજુએ વ્‍યવસ્‍થા કરી છે. છેવાડાના ખેડૂતના ખેતર સુધી પાણી પહોંચે તે માટે ઇજનેરી ટેકનોલોજીકલ કૌશલ્‍યનું અદ્દભૂત કામ કરીને વીસ-વીસ માળ ઉંચા ત્રણ પંપીંગ સ્‍ટેશનો ઉભા થવાના છે.

કચ્‍છીઓ માટે હવે મુંબઇથી આવીને કચ્‍છના વતનનો પ્રેમ જાગ્‍યો છે. કચ્‍છમાંથી હિજરતના હવે દિવસો વીતી ગયા છે. હવે તો કચ્‍છ હિન્‍દુસ્‍તાનના જિલ્લા વિકાસનું મોડેલ બની રહેશે. કચ્‍છનું આ ખમીર અને પાણીદાર પ્રજાને નર્મદાના પાણીનો અભિષેક કરાશે, એમ તેમણે જણાવ્‍યું હતું.

સરદાર સરોવર પ્રોજેકટના નર્મદા ડેમના સાનિધ્‍યમાં જ લોહપુરૂષ સરદાર પટેલનું વિશ્વમાં સૌથી ઉંચુ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી વિશ્વની ભવ્‍ય સરદાર પ્રતિમારૂપે બનાવવાની ગુજરાત સરકારના સંકલ્‍પની ભૂમિકા મુખ્‍ય મંત્રીશ્રીએ આપી હતી. કચ્‍છ જિલ્લાના એક જ સુવઇ ગામના ખેડૂતોએ એમાં ભરોસો મુકીને સો કીલો ચાંદી સરદાર પ્રતિમાના નિર્માણ માટે અર્પણ કરવાની દિલેર ભાવનાને બિરદાવી હતી.

મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, નર્મદાના પાણીથી કચ્‍છની બધી જ નદીઓ સજીવન થશે.

મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્‍યું હતું કે, ગુજરાતની સમસ્‍યાઓને જનઆંદોલનમાં પરિવર્તિત કરી તકમાં ફેરવવામાં આવી છે. રાજ્‍યમાં કન્‍યા કેળવણી ક્ષેત્રે સારા પરિણામ મળ્‍યા છે. છેલ્લી વસ્‍તી ગણતરી પ્રમાણે રાજ્‍યમાં ર૦ ટકા સાક્ષરતાનો દર વધી ૭ર ટકા થયો છે. બેટીબચાવો આંદોલનના પરિણામ સ્‍વરૂપસ્ત્રી જન્‍મદરનું પ્રમાણ વધીને ૯૧૪ થયું છે. રાજ્‍ય સરકાર કચ્‍છના ખેડૂતોને બમણી આવક થાય એ માટે પ્રયત્‍નશીલ છે. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયત્‍નો રંગ લાવ્‍યા છે. નર્મદાના નીર ગામડે ગામડે પહોંચાડવા માટે જનઆંદોલન શરૂ કરવામાં આવ્‍યું છે.

જળસંપત્તિ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, કચ્‍છમાં આજે નર્મદા યોજનાના પાણી લાવતી કચ્‍છ શાખાનો કરોડોના ખર્ચે શિલાન્‍યાસ થઇ રહ્યો છે તેને પરિણામે કચ્‍છનો સર્વાંગી કાયાપલટ થશે. મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ પાણી માટે વર્ષોથી ટળવળતી કચ્‍છની પ્રજાને વહેલામાં વહેલી તકે નર્મદાના જળ મળે તેની ચિંતા કરી છે. પરિણામે ર૦૦૩થી કચ્‍છને નર્મદાનું પીવાનું પાણી મળતું થયું છે. અનેક વિઘ્‍નો અને પડકારોનો સામનો કરી નર્મદા યોજનાનાં પાણી કચ્‍છની તરસી ધરતીને મળે તે માટેનો પુરૂષાર્થ આ સરકારે કર્યો છે. તેમણે જણાવ્‍યું હતું કે, આજે રૂ. ૧ર૬પ કરોડના ખર્ચે નર્મદાની કચ્‍છ શાખા નહેરનો શિલાન્‍યાસ થયો છે જે કચ્‍છની ધરતીને હરિયાળી બનાવશે.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્‍ય શ્રી શંકરભાઈ ચૌધરીએ વિશાળ જનસમૂદાયને સંબોધતાં જણાવ્‍યું હતું કે, નર્મદા યોજનાના પાણી કચ્‍છને મળે તેવી વર્ષોની કચ્‍છીઓની મનોકામના રાજ્‍ય સરકારે અથાગ પુરૂષાર્થ કરી પૂર્ણ કરી છે. તેમણે જણાવ્‍યું હતું કે, રાધનપુર વિસ્‍તારના ગામોની સૂકી ધરતી નર્મદા યોજનાને પ્રતાપે હરિયાળી બની છે. ખેડૂતો સમૃદ્ધ બન્‍યા છે તેવી જ હરિયાળી કચ્‍છમાં આ યોજનાને પરિણામે સર્જાશે તેવી શ્રદ્ધા વ્‍યકત કરી હતી.

આ પ્રસંગે મુખ્‍ય મંત્રીશ્રીનું મુંબઇ વસતા કચ્‍છના વતનીઓએ ખાસ ટ્રેઇનમાં રાપર ખાતે આવીને કચ્‍છના ઐતિહાસિક પ્રસંગમાં ઉપસ્‍થિત રહી સન્‍માન કર્યું હતું. સુવઇ ગામના લોકોએ સરદાર સરોવર નર્મદા નિગમ, કેવડીયા ખાતે સાકાર થનાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા માટે ૧૦૦ કિલો ચાંદી અર્પણ કરવાનો સંકલ્‍પ કર્યો હતો. મુખ્‍ય મંત્રીશ્રીએ તેઓને બિરદાવ્‍યા હતા.

આ પ્રસંગે કચ્‍છના તમામ ક્ષેત્રના આગેવાનો, સંસ્‍થાઓએ કન્‍યા કેળવણીના ચેક મુખ્‍ય મંત્રીશ્રીને અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે સરદાર સરોવર નર્મદા નિગમના જોઇન્‍ટ મેનેજિંગ ડિરેકટર શ્રી કે. શ્રીનિવાસે સ્‍વાગત પ્રવચન કર્યું હતું. નિગમના ડીરેકટર શ્રી મુકેશભાઈ ઝવેરીએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં નર્મદા નિગમના મેનેજિંગ ડીરેકટર શ્રી એસ. જગદીશન વગેરે અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. મોટી સંખ્‍યામાં કચ્‍છ જિલ્લામાંથી અને મુંબઇ સહિતના વિસ્‍તારોમાં વસતા કચ્‍છી ભાઇ-બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.