ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાતે દક્ષિણ આફ્રિકાના હાઇ કમિશ્નર શ્રીયુત એફ. કે. મોરૂલે (Shri F. K. MORULE)ની આગેવાનીમાં આવેલા ડેલીગેશને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧પમાં દક્ષિણ આફ્રિકા કન્ટ્રી પાર્ટનર બને અને મહાત્મા ગાંધીજી ૧૯૧પમાં દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવેલા તેનું શતાબ્દી વર્ષ ર૦૧પમાં શરૂ થાય છે ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકા સાથે મળીને તેની યથાર્થ ઉજવણી કરે તે માટે મુખ્યમંત્રીશ્રીના કરેલા સૂચનને આવકાર્યું હતું.
દક્ષિણ આફ્રિકાના ઉચ્ચ આયુકતે એમ પણ જણાવ્યું હતું કે તેમનો દેશ રફ ડાયમંડ (કાચા હીરા)ના ઉત્પાદન ક્ષેત્રે સૌથી મોખરે છે અને ભારત (ગુજરાત) ડાયમંડ પ્રોસેસીંગ-પોલીશીંગમાં અગ્રેસર છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના ડેવલપમેન્ટ માટે બંને સહભાગી બને એ આવશ્યક છે.
દક્ષિણ આફ્રિકાના આ ડેલીગેશને ગુજરાતમાં એન્ટરપ્રિનિયોરશીપ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા (EDI) સેન્ટરની મૂલાકાત લીધી હતી અને પોતાના દેશના યુવાનો અભ્યાસ કરી રહયા છે તે જાણીને આનંદ વ્યકત કર્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે આ સૌજ્ન્ય મૂલાકાતમાં તેમણે વિકાસના વિઝનની પ્રશંસા કરી હતી.