આજે બીજી ઓક્ટોબર છે. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રી આ બંને મહાપુરુષોનું પુનઃસ્મરણ કરવાનો અવસર છે. આજે આપણે બીજી ઓક્ટોબરના રોજ આ બંને મહાપુરુષોની જન્મજયંતી પર પ્રવાસી ભારતીય કેન્દ્રનું ઉદ્ગાટન કરી રહ્યા છીએ એ બહુ ઉચિત અને સુસંગત છે. મહાત્મા ગાંધી હિંદુસ્તાન છોડીને દક્ષિણ આફ્રિકા ચાલ્યા ગયા હતા. પણ દેશનો પોકાર તેમને માદરે વતનમાં પરત ખેંચી લાવ્યો. અને વિશ્વમાં પહોંચેલા કોઈ પણ હિંદુસ્તાની માટે તેનાથી વધુ પ્રેરણા બીજે ક્યાંથી ન મળી શકે. આ એક એવી ઘટના છે, જે સમગ્ર વિશ્વમાં પથરાયેલા ભારતીય સમુદાયને ભારત સાથે જોડવાનો અર્થ સમજાવે છે. આપણા એ જોડાણનો અહેસાસ કરાવે છે.
છેલ્લા ઘણા વર્ષોથી આપણને એક શબ્દ સાંભળવા મળે છે કે આપણા લોકો ભણીગણીને તૈયાર થઈને વિદેશોમાં વસવા ચાલ્યા જાય છે. બ્રેઈન ડ્રેઈન, બ્રેઈન ડ્રેઈન આ શબ્દ આપણે વર્ષોથી સાંભળી રહ્યા છીએ. પણ વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયને ફક્ત સંખ્યાની દ્રષ્ટિએ ન જોવાય. જો તમે તેને શક્તિ સ્વરૂપે, સામર્થ સ્વરૂપે જોશો, તો આ બ્રેઈન ડ્રેઈનની આપણી ચિંતાને આપણે બ્રેઈન ગેઈનમાં તબદીલ કરી શકીએ.
નદીમાં પાણી સતત વહેતું રહે છે. પણ કોઈ ડેમ બનાવે તો તેમાંથી ઊર્જાનું ઉત્પાદન થાય છે અને એ જ પાણી એક નવી શક્તિનો સ્ત્રોત બની જાય છે. વિશ્વમાં ફેલાયેલ ભારતીય સમુદાયમાં પણ આવું સામર્થ્ય છે. કોઈ એવી કામગીરી કરવાની જરૂર છે, જે તેમની ઊર્જાને તબદીલ કરીને રાષ્ટ્રમાં પ્રકાશ ફેલાવવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. જ્યારે નીતિ આયોગની રચના થઈ, ત્યારે નીતિ આયોગે તેના મુખ્યમાં એક વાત ખાસ લખી છે. તેમાં એક સ્થાને અને કદાચ ભારતના દસ્તાવેજમાં આ પ્રથમ દસ્તાવેજ હશે, જેમાં પ્રવાસી ભારતીયોના સામર્થ્યનો સ્વીકાર કરવામાં આવ્યો છે. સમગ્ર વિશ્વમાં લગભગ પોણા ત્રણ કરોડ પ્રવાસી ભારતીય છે, જેઓ ભારતીય મૂળના છે કે પછી પ્રવાસી ભારતીય છે. બીજું, દુનિયાના લગભગ 150થી વધારે દેશોમાં આપણું મિશન પહોંચ્યું હોય કે ન પહોંચ્યું હોય, પણ કોઈને કોઈ પ્રવાસી ભારતીય જરૂર પહોંચ્યો છે.
દુનિયાના ઘણા દેશોમાં મિશનની શક્તિ કરતા અનેકગણી શક્તિ પ્રવાસી ભારતીયોની છે. ઘણા મિશન બહુ કુશળતાપૂર્વક પોતાનો વેપાર કરે છે. એ મિશનના અગ્રણી પ્રવાસી ભારતીયોની તાકાતને જાણે છે અને તેઓ સતત એ દેશમાં પ્રવાસી ભારતીયોને જોડીને ભારતની વાત પહોંચાડવા માટે બહુ કુશળતાપૂર્વક કામ કરે છે. આવા પ્રયાસ સતત ચાલતા રહે છે. પણ હવે એક પ્રયાસ કરવાનો છે કે આપણે આ શક્તિને સંગઠિત કરીને તેનો ઉપયોગ કરવાનો છે.
ભારત પ્રત્યે જિજ્ઞાસામાં વધારો થયો છે. વિશ્વનું ભારત પ્રત્યે આકર્ષણ વધ્યું છે. આ સમયે અજાણ્યો બહુ મોટો અડચણ હોય છે. અને આ અજાણ્યા ભયને નાબૂદ કરવાની તાકાત જો કોઈનામાં છે, તો એ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાયમાં છે. તેઓ એ દેશના વ્યક્તિને કહે છે, અરે ભાઈ ચિંતા ન કર, હું પણ ત્યાંનો જ છું. એક વાર આવું કહી દે પછી આત્મવિશ્વાસનું સ્તર વધી જાય છે અને પછી અજાણ્યો ભય દૂર થઈ જાય છે. અચ્છા-અચ્છા તમે હિંદુસ્તાનના છો. જો તેઓ આવું પૂછી લે કે તમે ક્યારે ગયા હતા, તો તેઓ થોડા મુશ્કેલીમાં મૂકાશે. પણ જો ન પૂછે તો તેનો વિશ્વાસ કરશે કે ભાઈ, આ સજ્જન મને મળ્યા છે એ હિંદુસ્તાનના છે અને ચાલો હું પણ જઈ શકું છું.
વિશ્વભરમાં ફેલાયેલ ભારતીય સમુદાય પ્રત્યે વિશ્વમાં જિજ્ઞાસા પેદા થઈ છે. તેમના પ્રત્યે વિશ્વમાં આકર્ષણ પેદા થયું છે. આ માટે કોઈ બહુ મોટી ચીજ કોઈ હોય તો એ સરકાર કે ભારતીય એમ્બેસી કરતા પણ આપણો પ્રવાસી ભારતીય સમુદાય. એટલે આપણે સૌપ્રથમ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય સમુદાય સાથે આપણે જોડાણ કરવું પડશે. આ જોડાણ જરૂરી છે.
અટલ બિહારી વાજપેયીએ બહુ ઉત્તમ શરૂઆત કરી હતી – પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવાની. પછીની સરકારોએ પણ આ ઉજવણીને ચાલુ રાખી અને પ્રવાસી ભારતીય દિવસના માધ્યમથી મિશનનું પણ ધ્યાન કેન્દ્રીત થયું. તેમને અનેક કામોમાં આ પણ એક મહત્ત્વપૂર્ણ કામ છે એવું લાગ્યું અને તેના કારણે પ્રવાસી ભારતીય અનુભવવા લાગ્યા કે, દુનિયાના કોઈ પણ છેડે કેમ ન જાવ, આપણો ખ્યાલ રાખનાર કોઈ છે.
તમે છેલ્લા બે વર્ષમાં જોયું હશે કે ભારતે માનવતાના મુદ્દા પર કામ કરવાની, વિશેષ કરીને ભારતના વિદેશ વિભાગે માનવતા માટે કામ કરીને સારી એવી શાખ ઊભી કરી છે. કોઈ દેશમાં 20-25 દેશના લોકો ફસાયેલા હોય, તો તેમાં ભારતીય સમુદાય સામેલ હશે. આવી સ્થિતિમાં દુનિયાના મોટા દેશો સૌપ્રથમ ભારતીય એમ્બેસીનો સંપર્ક કરે છે અને તેમના લોકો ત્યાં ફસાયેલા છે એવી જાણ કરે છે. તમારો દેશ જરૂર કોઈ કામગીરી કરતો હશે, તો ભારતીય સમુદાય સાથે અમારા દેશના સમુદાયને પણ મદદ કરશો તેવી વિનંતી કરે છે. વિશ્વના 80થી વધારે દેશ આવા છે, જેમના લોકોને છેલ્લા બે વર્ષમાં ભારતીયોની સાથે સાથે બચાવવાનું કામ વિદેશ વિભાગના નેતૃત્વમાં ભારતે કર્યું છે.
નેપાળમાં ધરતીકંપ આવ્યો. પછી આપણે આપણા ભારતીય ભાઇબહેનોની ચિંતા કરી શકતા હતા, પણ આપણે એવું ન કર્યું. આપણે માનવતાના આધારે શક્ય તમામ લોકોની મદદ કરી, બધાને મદદ પહોંચાડી. સંકટ યમનનું હોય કે પછી માલદીવનું હોય, માનવતા આપણી મૂળભૂત પ્રેરણા છે. આજે ભારતને વિશ્વમાં માનવતાના મુદ્દા પર સૌથી મોટા સહભાગી તરીકે જાણવામાં આવે છે, આપણી આ પરંપરાને સ્વીકારવી પડે છે. અને તે આપણા શબ્દોથી નહીં, આપણા મહાન સાંસ્કૃતિક વારસાથી નહીં, આપણા ભવ્ય ઇતિહાસથી નહીં, પણ આપણે વર્તમાન ઘટનાઓમાં જે કામગીરી કરી તેનાથી શક્ય બન્યું છે.
આપણે પ્રથમ વિશ્વયુદ્ધ, બીજું વિશ્વયુદ્ધની કલ્પના કરી શકીએ. આ દેશ ક્યારેય જમીનનો ભૂખ્યો નહોતો. આપણે ક્યારેય દુનિયામાં કોઈની જમીન પચાવી પાડવા આક્રમણ કર્યું નથી. તેમ છતાં પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં આપણા દોઢ લાખ જવાનો શહીદ થયા હતા. દોઢ લાખ કોઈ નાની સંખ્યા નથી. પણ આપણે ભારતીયો છીએ. આપણે આપણા શહીદો સાથે જોડાઈને, તેને નમન કરીને વિશ્વને તેમના ત્યાગ અને બલિદાનનો અહેસાસ કરવાનો સમય પાકી ગયો છે. અત્યારે હું દુનિયાના કોઈ પણ દેશમાં જાઉં છું, તો નાના-નાના સ્મારકોની મુલાકાત પણ લઉં છું. વિશ્વના લોકોએ બંને વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા આપણા સૈનિકોને યાદ રાખવા જોઈએ. સમગ્ર વિશ્વએ એ વાતનો સ્વીકાર કરવો જોઈએ કે અમે કોઈના માટે અમારા જીવનનું બલિદાન કરનારા મહાન ભારતીયો છીએ. અમે ત્યાગ કરવા માટે તૈયાર મહાન ભારતીયો છીએ. આપણી આ મહાન પરંપરા છે, ઉજ્જવળ ગાથા છે. આ જ આપણી તાકાત છે. તેનો અહેસાસ દુનિયાને માનવતાથી લઈને સામર્થ્ય સુધીનો અહેસાસ કરાવે છે અને આ અહેસાસ કરાવવાની જવાબદારી આપણા લોકોની છે.
વિશ્વની ભારત પ્રત્યેની અપેક્ષા વધી છે, વિશ્વ ભારતને અત્યારે જે સ્વરૂપમાં જુએ છે, તેમાં આગામી દિવસોમાં વિશ્વભરમાં પથરાયેલા ભારતીયો મોટી ભૂમિકા નિભાવી શકે છે. આપણો ભારતીય સમુદાય દુનિયાના વિવિધ દેશોમાં વસે છે, સ્થાયી થાય છે, પણ રાજનીતિથી દૂર રહે છે. તેઓ સત્તા મેળવવાના ખેલમાં પડવાનું પસંદ કરતા નથી. તેઓ ત્યાં રહે છે અને સમાજની ભલાઈ માટે કામ કરવાનો વિચાર કરે છે. દુનિયાના કોઈ પણ દેશમાં જાવ, ત્યાં 100 વર્ષથી ભારતીય સમુદાય રહેતો હોય, 50 વર્ષથી રહેતો હોય કે પછી 20 વર્ષથી કોઈ દેશમાં ભારતીય સમુદાયની વૃદ્ધિ થઈ હોય, પણ તમે જોયું હશે કે મૂળ સમુદાયને ભારતીય સમુદાયથી ક્યારેય કોઈ મુશ્કેલી પડી નથી. આપણે બધા સાથે દૂધમાં સાકળની જેમ ભળી જઈએ છીએ. આપણે આપણા સિદ્ધાંતોને જાળવીને પણ બધાને પોતાના કરીએ છીએ. આ જ આપણા સંસ્કારોનું પરિણામ છે, આપણો સાંસ્કૃતિક વારસો છે. આપણે ભારતીયો કોઈ પણ જગ્યાએ ‘પાની રે પાની તેરા રંગની કૈસા’ની જેમ ભળી જઈએ છીએ. આ કારણે તેઓ આપણી તાકાત બની જાય છે. આ જ ભારતીય સમુદાયની વિશેષતા છે. હિંદુસ્તાન પાસે પ્રવાસનના વિકાસ માટે બહુ સંભાવના છે. વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામતો વ્યવસાય છે.
તમે દુનિયાના કેટલાક દેશોમાં જશો, તો તમને મનોરંજન માટે બહુ બધું મળશે. પણ માનવ ઇતિહાસનો મહાન વારસો જોવો હોય તો તમારે હિંદુસ્તાન જેવા ગણ્યાગાંઠ્યા દેશોની મુલાકાત લેવી પડે. આપણા જેવા દેશો પ્રત્યે લોકોનું આકર્ષણ છે. આપણે તેમને શ્રેષ્ઠ હોટેલની સુવિધા આપીશું. આપણે તેમને આપણું શ્રેષ્ઠ સ્થાપત્ય દેખાડીશું. ભારત પાસે વિશ્વ સામે પીરસવા માટે પ્રવાસન ક્ષેત્રમાં ભવ્ય વારસો છે. દુનિયાના દેશોમાં જઈને કહેશો કે, ભાઈ જૂની ચીજવસ્તુઓ દેખાડો. તો તેઓ 200 વર્ષ જૂની, કોઈ દેશ 400 વર્ષ જૂની ચીજવસ્તુઓ કે સ્થાપત્ય દેખાડશે. પણ ભારત પાસે 5,000 વર્ષનો સમૃદ્ધ વારસો છે. દુનિયાને આપવા માટે ઘણું છે. પ્રવાસી ભારતીય દિવસ પર આ આત્મવિશ્વાસ સાથે આપણે આ કામ કરી શકીએ અને આપણે તેને કરવા ઇચ્છીએ છીએ.
પ્રવાસી ભારતીય કેન્દ્ર વિશ્વમાં પથરાયેલા પ્રવાસી ભારતીયોનું ઘર છે. 100 વર્ષ અગાઉ હિંદુસ્તાનમાં બહાર ગયેલા લોકોના સંતાનોને એટલી જ ખબર છે કે તેમનું લોહી આ દેશ સાથે જોડાયેલ છે. પણ અહીં આવ્યા પછી તેમને પૂછનાર કોઈ નથી. તમે કોણ છો? તેમને તેમના ગામની ખબર નથી, પૂર્વજોના ઘરની જાણ નથી. પણ આ કેન્દ્રમાં આવીને તેમને એક ઘર મળી ગયાનો અહેસાસ થશે. વિશ્વમાં ફેલાયેલા પોણા ત્રણ કરોડ પ્રવાસી ભારતીયોનું એવું કેન્દ્ર બનશે, જેમને અહીં આવીને કોઈને કોઈ પોતાનું મળી જશે. અહીં આવીને તેમને પૂછનાર મળશે – આવો ભાઈ, બિહારના સ્ટેશન જાવું છે. ઠીક છે, આવી રીતે જવાશે. અચ્છા, આ તમારું ગામ હતું. જોઈએ પ્રયાસ કરીશું, મળી જશે. તમારા કોઈ સંબંધી મળી જશે. આ કેન્દ્ર એક મોટી સમર્પિત વ્યવસ્થા છે. મને વિશ્વાસ છે કે વિશ્વભરમાં ફેલાયેલા પ્રવાસી ભારતીયો માટે બહુ ઉપયોગી કેન્દ્ર છે.
મને જણાવવામાં આવ્યું કે લગભગ 60થી 70 દેશોમાં પ્રવાસી ભારતીય નાગરિક આ કાર્યક્રમને જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે – ટેક્નોલોજીના માધ્યમથી. આજે અહીં એક વધુ પ્રસ્તાવનું આયોજન પણ થયું છે. ભારત પ્રત્યે જિજ્ઞાસા બહુ વધી છે, જેનું સૌથી મોટું કારણ યોગ છે. આખું વિશ્વ યોગના ઉત્સવને ઉજવવા માટે જે રીતે પહેલ કરે છે, દુનિયાની સરકારો, દુનિયાના નેતાઓ બધા યોગ સાથે જોડાઈ રહ્યા છે. યોગ પ્રત્યે એક શ્રદ્ધા જન્મી છે. માનસિક તણાવમાંથી પસાર થઈ રહેલા, મુશ્કેલ સ્થિતસંજોગોનો સામનો કરતા સમાજને શાંતિ આપવાની તાકાત જો કોઈનામાં છે, તો ભારતમાં વિકસેલી યોગરૂપી વ્યવસ્થામાં છે, જે તન-મન અને બુદ્ધને જોડવાની તાકાત ધરાવે છે. 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. તે દિવસે મેં દેશભરમાં યોગ સાથે જોડાયેલા લોકોને અપીલ કરી હતી, ખાસ કરીને ભારતના નાગરિકોને, કે યોગનો પ્રચારપ્રસાર સારી વાત છે. યોગનું આભામંડળ, તેનો પ્રભાવ વધી રહ્યો છે અને એ ખુશીની વાત છે. યોગ રોગ દૂર કરવાની સાથે સામાન્ય નાગરિક માટે આશીર્વાદરૂપ પણ છે. મેં યોગના જાણકાર લોકોને વાત કરી હતી કે ભારતમાં ઝડપથી ડાયાબીટિસનું પ્રમાણ વધી રહ્યું છે. અને દરેક ઉંમરની વ્યક્તિમાં ડાયાબીટિસ જોવા મળે છે. ડાયાબીટિસ એક એવો રોગ છે, જે તમામ બિમારીઓને આમંત્રણ આપે છે. તે સૌથી મોટો હોસ્ટ છે. દરેકને આ રોગ સ્વીકાર્ય નથી. અને એટલે મેં પૂછ્યું હતું કે, યોગના માધ્યમથી ડાયાબીટિસથી બચી શકાય? યોગના માધ્યમથી ડાયાબીટિસને નિયંત્રણમાં રાખી શકાય? કે પછી એ જ પ્રકારે યોગને અનુકરણ કરીએ તો આપણે ચોક્કસપણે ડાયાબીટિઝમાંથી મુક્તિ મેળવી શકીએ?
આ વિષયના જાણકાર લોકો સાથે સતત અમે પ્રયાસ કર્યો. મને જણાવવામાં આવ્યું કે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો છે. મને જણાવવામાં આવ્યું કે આટલી ચીજો આ આ રીતે કરવાથી ડાયાબીટિઝમાંથી રાહત મળે છે. આ પ્રોટોકોલની બુકનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ડો. નાગેન્દ્રજી યોગના નિષ્ણાત છે. તેઓ અહીં ઉપસ્થિત છે. આ કામ આયુષ મંત્રાલય જુએ છે અને તેના અધિકારીઓ પણ હાજર છે.
વળી મહાત્મા ગાંધી પણ નૈસર્ગિક ઉપચારથી સ્વાસ્થ્યનું જતન કરવાના હિમાયતી હતા એ પણ ઉચિત છે. નેચરોપેથીમાં તેમને બહુ વિશ્વાસ હતો. આજે તેમની જ જન્મજયંતી પર આપણે આંતરરાષ્ટ્રીય ભારતીય સમુદાય માટે એક કેન્દ્રનો શુભારંભ કરી રહ્યા છીએ. આ જ છે જે વિશ્વમાં યોગ સ્વરૂપે ફેલાયેલ છે. આજે આ સમારંભમાં આ બુકલેટનું વિમોચન અતિ સુસંગત છે. જ્યારે ગયા વર્ષે પ્રવાસી ભારતીય દિવસ શરૂ થયો હતો, ત્યારે આ જ વિષય મેં રજૂ કર્યો હતો.
હું વિદેશ મંત્રાલયને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. નહીં તો સરકારમાં વિચાર આવે છે, વિચાર આવ્યા પછી બેઠકો થાય છે, બેઠકો થયા પછી નવા વિચારો જન્મે છે. પછી ફરી બેઠક યોજાય છે, જેમાં મૂળ વિચાર જ ખોવાઈ જાય છે. પાછી ફરી બેઠક થાય છે અને ચર્ચા થાય છે. પછી આયોજન ફાઇનાન્સ વિભાગમાં અટકી જાય છે. સરકાર આવી રીતે ચાલે છે એ બધા જાણે છે. પણ આ વિદેશ વિભાગ છે. નવ મહિનાની અંદર આટલા મોટા કામને પાર પાડી દીધું અને એ કામ હતું ક્વિઝ કોમ્પિટીશનનું, જેનો ઉદ્દેશ સમગ્ર વિશ્વમાં પથરાયેલા સમુદાયને ભારતના જાણવાની તક આપવાનો, ખાસ કરીને યુવા પેઢીને. આપણો દેશ શું હતો, કેવો હતો, તેની વિશેષતાઓ શું હતી. આજે આ જાણકારીઓ આપવાનું કામ ટેકનોલોજીને કારણે બહુ સરળ થઈ ગયું છે. ઓનલાઇન ક્વિઝ કોમ્પિટીશનમાં ભારતની જાણકારી આપતા હજારો સવાલો છે.
દુનિયાના ઘણા દેશાના યુવાનોએ ઓનલાઇન આવીને કોમ્પિટીશનમાં ભાગ લીધો. તેનું અપેક્ષા કરતા વધારે સારું પરિણામ મળ્યું. ક્યારેક-ક્યારેક હિંદુસ્તાનના બાળકો પણ તાજમહેલ પર આટલી ઝીણી માહિતી નહીં આપી શકે. આ વિદેશમાં વસતા બાળકોએ તાજમહેલ પર શોધખોળ કરીને તૈયારી કરી અને તેઓ તેના વિશે સારી એવી જાણકારી આપે છે. ઓનલાઇન એક એવું આંદોલન શરૂ થયું છે, જે આગામી દિવસોમાં વિશ્વભરમાં પથરાયેલા ભારતીયોને ભારતની દરેક જાણકારી આપશે. આ જાણકારીઓ ફક્ત જ્ઞાનવર્ધક નહીં, ફક્ત ભારત પ્રત્યે લાગવ વધારશે એવું નથી, પણ આ એવી જાણકારીઓ છે, જેને તેઓ પોતાની શાળા, કોલેજ અને મિત્રો સાથે વહેંચતા હશે. તેઓ વાતો કરશે કે – તમને ખબર છે કે હિંદુસ્તાનમાં આવું છે, મેં હિંદુસ્તાન વિશે આવું વાંચ્યું છે. તમને ખબર છે કે હિંદુસ્તાનમાં આવી ઘટના ઘટી હતી. તેઓ પોતાના સાથીદારોમાં પણ પ્રવાસનના બીજ રોપી દેશે. આ ક્વિઝ કોમ્પિટીશન ભવિષ્યમાં સૌથી સફળ પ્રવાસન માટે પાયાનું કામ કરશે.
અને આજે હું વિજેતાને અભિનંદન આપું છું. જે આવ્યા છે તેમને ભારતદર્શનની તક મળવાની છે. કેટલાક લોકોએ કદાચ ભારતદર્શન કરી લીધું હશે. ઘણા લોકો એવા હશે, જે પહેલી વાર હિંદુસ્તાન આવ્યા હશે. કદાચ શક્ય છે. પણ હું ન્યૂઝિલેન્ડથી આવેલા વરુણને અભિનંદન આપું છું. દક્ષિણ આફ્રિકાથી આવેલા અખિલને અભિનંદન આપું છું. કેન્યાથી આવેલા કાર્તિક, અમેરિકાથી આવેલા આદિત્ય, આયરલેન્ડથી આવેલ શ્વેતા, યુએઇથી આવેલ આદિત્યને અભિનંદન આપું છું – આ તમામ વિજેતા છે. મને એવોર્ડ આપવાની તક મળી એ બધાને હું અભિનંદન આપું છું. પણ હું ફરી તમે બધાએ દાખવેલા ઉત્સાહને બિરદાવું છું. વિશ્વમાં લગભગ 5,000 લોકોએ આ અભિયાનમાં સામેલ થયા. મને આશા છે કે આ 5,000 લોકો આ વાતને આગળ વધારશે. હવે આ કામ આગળ વધારવું તમારી જવાબદારી છે. તમે ઓનલાઇન બધાને પ્રેરિત કરો. 50,000 યુવાનો કેવી રીતે કોમ્પિટીશનમાં ભાગ લે તેનો વિચાર કરો અને મોટી કોમ્પિટીશન યોજાય તથા તેમાં પણ લોકો વિજયી બને એવું વિચારો. હું આ માટે વિજેતાઓને શુભકામના આપું છું. વિદેશ વિભાગે આ કામ બહુ ઓછા સમયમાં સફળતાપૂર્વક કર્યું છે એ માટે અભિનંદન આપું છું. અને વિશ્વભરમાં પથરાયેલા ભારતીય સમુદાયને આજે બીજી ઓક્ટોબરને ગાંધીજયંતી નિમિત્તે એક બહુ શ્રેષ્ઠ ભેટ, પ્રવાસી મહાત્મા ગાંધી આપી છે. આ કેન્દ્ર તમારું છું. તમારો બધાનો ખૂબ-ખૂબ ધન્યવાદ.