Published By : Admin |
October 9, 2012 | 23:32 IST
Share
દિલ્હીની સલ્તનત સાંભળી લે તમારુ સી.બી.આઈ. અમારા ગુજરાતનું કાંઈ નહીં બગાડી શકે
કોંગ્રેસના દાંત ખાટા કરી નાંખવા ગુજરાતની પ્રજા રાહ જોઈને બેઠી છેઃ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાની આજના દિવસની સમાપન વેળામાં ખેરાલુ, વડગામ, કહોડા અને સિદ્ધપુર ખાતે ઉમટી પડેલા માનવ મહેરામણને સંબોધતા માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ખેરાલુ ખાતે મારા કુટુંબીજનોથી સંબોધન શરૂ કરી પોતાના બાળપણને યાદ કર્યુ હતુ. વ્હાલા કુટુબીજનો આપ જાણો છો અહિંની ગલીઓમાં મારુ બાળપણ વીત્યુ છે. ભાવુક થતાં આગળ જણાવ્યુ કે, અહીંની ગલીએ-ગલીએથી મળેલો સ્નેહ આજે પણ મારા હૈયામાં અકબંધ છે. ભાઈઓ-બહેનો, કોંગ્રેસ પાર્ટીનું જે હદે પતન થયુ છે એ જોતા સ્વામી વિવેકાનંદજીનું સ્વપ્ન સાકાર થશે? વિવેકાનંદજીને આ દેશના યુવાનોમાં આશા હતી - ભરોસો હતો. વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતિ પ્રસંગે સ્વામીજીને સૌથી પ્રિય એવાં યુવાનોના સાથ-સહકારથી દિવ્ય ભવ્ય ગુજરાતનું નિર્માણ કરવું છે. સોનિયાબેન રાજકોટમાં આવી સલાહ આપે છે તેને બદલે દિલ્હીની કેન્દ્ર સરકાર ભારતના ભલા માટે શું કરે છે? એ કહેવું જોઈએ તેવો વેધક સવાલ સભામાં કર્યો હતો. સોનિયાજીની સલાહ જોઈએ છે? નો પ્રશ્ન પૂછી જણાવ્યુ હતુ કે, જે હરિયાણામાં તમારી સરકાર છે ત્યાં ૧પ દિવસમાં ૧ર બળાત્કાર થયા છે, દલિત કન્યા ઉપર થયેલા સામૂહિક બળાત્કારના કારણે એ દલિત કન્યાએ માથુ ઉંચુ રહે તે માટે મોતને વ્હાલુ કર્યુ ત્યાં જઈને સલાહ આપો. દલિતો ઉપર કોંગ્રેસના રાજમાં થાય છે એટલો અત્યાચાર બીજે ક્યાંય નથી થતો. છેતરપિંડી કરનાર કોંગ્રેસને સજા નહીં થાય ત્યાં સુધી નહીં સુધરે. ૧૧ વર્ષથી કોંગ્રેસના જુઠૃાણા, અત્યાચાર અને જુલ્મો સહન કર્યા છે એ એટલા માટે સહન કર્યા કે મને મારા ગુજરાતીઓ ઉપર ભરોસો છે અને સમયે આવ્યે ગુજરાતીઓ કોંગ્રેસના દાંત ખાટા કરવા માટે બેઠા છે તેમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ. વડગામ અને કહોડા ખાતે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, વડગામ દલિત સીટ હોવા છતાં અહીંના પ્રજાજનો એક બનીને આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. એમાં એકતા અને ભાઈચારાના દર્શન થયા છે તે માટે આપસૌ અભિનંદનના અધિકારી છો, આપસૌને મારા અભિનંદન છે. દિલ્હીની બાજુમાં આવેલુ હરિયાણામાં દલિત કન્યા ઉપર સામૂહિક બળાત્કાર થયો અને તે દલિત કન્યાએ મોતને વ્હાલુ કર્યુ તે દલિત કન્યાના પરિવારને સાંત્વના આપવાના બદલે કોંગ્રેસના પેટનું પાણી પણ હલતુ નથી. પૌરાણિક નગરી અને શાસ્ત્રોમાં જેને ઉલ્લેખ છે એવા બિન્દુ સરોવર જયાં આવેલુ છે તે સિદ્ધપુર ખાતે જંગી માનવ મહેરામણ સમક્ષ માન. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતુ કે, ૧૧ વર્ષના શાસનમાં દેશ અને દુનિયામાં ગુજરાતીઓ માથુ ઉંચુ કરીને ફરી શકે એ દિશાએ ગુજરાતને લઈ ગયો છું. ગુજરાતનું નામ પડે એટલે સામે ઉમળકાભેર આવકાર મળે છે, સન્માન મળે એવું કાર્ય કર્યાનો સંતોષ છે. દેશના કોઈપણ શહેરમાં જાવ તે શહેરોમાં ગુજરાતી યુવાન રોજગારી મેળવવા માટે ભટકતો જોવા મળશે નહીં. ગુજરાત એ ગુજરાતીઓને તો રોજગારી આપે જ છે પરંતુ દેશભરના અન્ય રાજયના નાગરિકોને પણ રોજગારી મળશે તેવો ભરોસો છે. ઉત્તર ગુજરાત એક સમયે ધુળીયુ કહેવાતુ, ઉત્તર ગુજરાત, કચ્છ અને કાઠીયાવાડના લોકો રોજીરોટી નહીં મળે તેવા ડરથી પોતાના વતનથી દૂર રોજી માટે ચાલ્યા જતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે અને વિદેશમાં વસેલા ગુજરાતીઓ પણ ગુજરાતમાં પાછા આવવા માટે થનગની રહ્યા છે. ગુજરાતના કોઈપણ જિલ્લામાં અન્ય પ્રાંતના દરેક જિલ્લાના લોકો રોજગારી માટે આવેલા જોવા મળે છે. હાલમાં જ કેન્દ્ર સરકારે બહાર પાડેલા આંકડા મુજબ સમગ્ર દેશમાં રોજગારીની પુરી પડાયેલી તકોમાં ૭ર ટકા હિસ્સો એકલા ગુજરાતનો અને ર૮ ટકા હિસ્સો સમગ્ર દેશનો છે એ આ વાતની સાબિતી પુરી પાડે છે.ભાઈઓ-બહેનો, આ વખતની ચૂંટણી કોંગ્રેસ નહીં લડે, કોંગ્રેસ તો માત્ર ઉમેદવારો ઉભા રાખશે. સી.બી.આઈ. ચૂંટણી લડવાની છે. દંડાવાળી કરવાવાળી કરવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ચૂક્યો છે. દિલ્હીની સલ્તનત સાંભળી લે તમારી સી.બી.આઈ. ગુજરાતનું કાંઈ નહીં બગાડી શકે, સામી છાતીએ લડી લઈશ પીઠ ક્યારેય નહીં બતાવું. મહારાષ્ટ્રના ખેડૂતોને મફત વીજળીનું વચન આપી વોટ પડાવી લેનાર જુઠૃાણા ચલાવતી કોંગ્રેસના કરતુતો ગુજરાતમાં નહીં ચાલે. કોંગ્રેસની નફકરાઈની હિંમત તો જુઓ ફરફરિયા વેચી ઘરનું ઘર આપવાના સપના બતાવી ગેસના બાટલા પણ લઈ લીધા છે હવે રોકાઈ જાય.
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા : ડીસા અને પાલનપુર
વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા આજે બપોરે ડીસા અને પાલનપુર ખાતે પહોંચી ત્યારે પ્રવેશથી સભાસ્થળની બંને બાજુએ માનવદિવાલ જેવાં દ્રશ્યો સર્જાતા હતા અને અભિવાદન કરતાં કરતાં સભામાં આવ્યા ત્યારે વધુ મોડુ થવાના કારણે માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જણાવ્યુ હતુ કે, ડીસાના નગરજનો સભામાં મોડા પડવા બદલ હું આપની દિલથી માફી માંગુ છું પણ ડીસાના પુલની પેલશી તરફથી અહિંયા સુધી પહોંચતા ડીસાના નાગરિકોના પ્રેમના કારણે હું વધુ મોડો પડયો છું. મારી સરકારને ૧૧ વર્ષ પુરા થયા છે ત્યારે આપનો પ્રેમ હજુ પણ અકબંધ છે. આપના આ પ્રેમની સાથોસાથ કોંગ્રેસ પ્રત્યેનો આક્રોશ પણ જણાઈ આવે છે. ભારતમાં ૬પ ટકા કરતાં વધારે લોકો ૩પ વર્ષથી નાની વયના છે, આમ, ભારત એ દુનિયાનો સૌથી યુવાન દેશ છે. સમગ્ર વિશ્વ જયારે ર૧મી સદીમાં ભારત કમાલ કરશેની આશા રાખીને બેઠુ છે ત્યારે દિલ્હીની કોંગ્રેસની સરકાર સ્વામી વિવેકાનંદજીના ભારતના જગતગુરૂ બનવાના સપનાને રોળી રહી છે. કમાલની જગ્યાએ દેશના ૭પ ટકા વિસ્તારમાં ૪૮ કલાક સુધી વીજળી ગુલ થઈ જાય એવો વહીવટ દિલ્હીની સરકાર કરી રહી છે ત્યારે ગુજરાતે ચમકતા રહીને વિશ્વની વાહ વાહ મેળવી છે. આ તબક્કે ગુજરાતની જયોતિગ્રામ યોજનાને વિશ્વએ પીછાણી. મિત્રો, એક વખત એવો હતો વાળુ કરવાના સમયે વીજળી ગુલ થઈ જતી હતી, વિદ્યાર્થીઓના પરીક્ષાના સમયે વીજળીના ધાંધિયા હોય. અંધારાથી અજવાળા તરફના વિકાસની દિશા એ ગુજરાતની દિશા છે.માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પાલનપુર ખાતે જણાવ્યુ હતુ કે, કૌભાંડો, ભ્રષ્ટાચાર, કોર્ટ-કચેરીના રોજીંદા સમાચારોની દિશાએ ચાલતી કોંગ્રેસ સ્વામી વિવેકાનંદજીના સપનાને કેવી રીતે સાકાર થવા દેશે? કોંગ્રેસ દ્વારા ભાઈ-ભાઈ વચ્ચે ભેદ પડાવવાનો ખેલ ચાલી રહ્યો છે, કોમવાદનું ઝેર ફેલાવાઈ રહ્યુ છે, ભ્રષ્ટાચારનું મેદાન મોકળુ બની રહ્યુ છે, કૌભાંડોની લીલા આચરાઈ રહી છે એ દિશા આપણા ગુજરાતને પાલવે? એવો વેધક સવાલ ઉઠાવ્યો હતો. દિલ્હીમાં ભ્રષ્ટાચારના રોજેરોજ નવા વિક્રમો થઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસના વચનભંગ અને છેતરપિંડીથી જાગૃત થયેલા ગુજરાતીઓ કોંગ્રેસને ગુજરાતમાં પેસવા નથી દેતા રપ વર્ષથી સત્તામાંથી હડસેલી મૂક્યા છે. જેથી નાસીપાસ થઈને કોંગ્રેસીઓ અનાપસનાપ ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. મિત્રો, કોંગ્રેસીઓ વચનો આપવામાં પણ સુરાપુરા છે અને ભુલવામાં પણ..... જયારે સુજલામ્ સુફલામ્ ની વાત લઈ આ વિસ્તારના નાગરીકોને હૈયાધારણ આપી ત્યારે કોંગ્રેસીઓ ગામે ગામ એવું કહેતા હતા કે મોદી તો જુઠૃાણુ ચલાવે છે આ જિલ્લામાં આ યોજનાથી પાણી આવે જ નહીં પરંતુ આપ જોઈ રહ્યા છો કુવાઓ રિચાર્જ થયા છે અને આજે બનાસકાંંઠા ડાર્કઝોનમાંથી બહાર આવ્યુ છે. દાંતીવાડામાં એગ્રીકલ્ચરનું કેમ્પસ હતુ કે નહીં? નો પ્રશ્ન કરી જણાવ્યુ કે યુનિર્વિસટી બનાવતા કોણે રોક્યા હતા? આવડવું જોઈએ ને? આવડે તો કરે ને? રાજકોટ ખાતે મુલાકાતે આવેલા સોનિયાજીએ મોંઘવારી માટે સંવેદનાનો એક શબ્દ ઉચ્ચાર્યો નથી, સંવેદના હોય તો બોલે ને? બે દસકા પહેલા પંચાયતથી પાર્લામેન્ટ સુધી બીજા પક્ષોને ઘુસવાની પણ જગ્યા ન હતી ત્યારે પણ કૌભાંડો આચરતી કોંગ્રેસ રૂા.૧માંથી ૧પ પૈસા જ પ્રજા સુધી પહોંચાડી શકતી હતી એમાં કોઈ સુધારો કરવાની આવડત કોંગ્રેસીઓમાં નથી. ભાઈઓ-બહેનો મારા જીવનનો પહેલો ગરીબ કલ્યાણ મેળો મેં ડીસામાં કર્યો હતો અને સમગ્ર ગુજરાતમાં ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ૮પ લાખ લોકોને રૂા.૧૪ હજાર કરોડની રકમ સીધેસીધી કોઈપણ વચેટિયાઓ વગર, કોઈપણ પ્રકારની લૂંટાલૂંટ કે કટકી કંપની વગર રૂપિયો પુરેપુરો પ્રજા સુધી પહોંચાડયો છે. કોંગ્રેસે પ૦ વર્ષના શાસનમાં કુલ ૧૦ લાખ ઘર બનાવ્યા હતા ભાજપે ૧૦ વર્ષમાં જ રર લાખ ઘર પ્રજાના ચરણે ભેટ ધર્યા છે. આગામી દિવસોમાં કાચા મકાનો તેમજ ઝુંપડપટ્ટીના સ્થાને રપ લાખ પાકા મકાનો બનાવવાનું નક્કી કર્યું છે. અહીં મારી ૧૧ વર્ષની સાધનાનો હિસાબ આપવા આવ્યો છું, એક સાધક જેમ સાધના કરે તેમ ગુજરાતની પુજા કરી છે-ગુજરાતની આરતી કરી છે. યાત્રાના સ્વાગત પોઈન્ટ ચંડીસર મુકામે માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, આપે કદી કલ્પના કરી હતી કે બનાસ નદીમાં નર્મદા મૈયાનું પાણી ભરી દેવાશે? ખાલી કોરી રહેતી બનાસ નદી પાણીથી ભરપુર બનશે. મેં વચન આપ્યુ હતુ કે બનાસકાંઠામાં નર્મદાના નીર આવશે, વચન પાળી બતાવ્યુ કે નહીં? કોંગ્રેસ રોજગારી આપવાના અને મોંઘવારી હટાવવાના વચનો આપે છે પણ પાળે છે ખરાં? કોના વચન પર ભરોસો કરાય? એવાં પ્રશ્નના જવાબમાં પ્રજાએ હર્ષોલ્લાસ સાથે જવાબ આપ્યો કે તમારામાં..... થરાદથી પાલનપુર સુધીના માર્ગો પર ઠેરઠેર મુખ્યમંત્રીશ્રીની માનવસમૂહ રાહ જોતી હતી પાઘડી, ફેંટા, ફુલમાળાથી સ્વયંભૂ સ્વાગત કરવામાં આવતુ હતુ. સ્વાગતની સાથે સાથે ભારત માતા કી જય, વંદેમાતરમ્, અને નરેન્દ્રભાઈ તુમ આગે બઢોના નારાઓથી સ્વાગત કરતાં જોવા મળતા હતા. થરાદથી પાલનપુરના માર્ગો માનવપર્વતો અને માનવદિવાલ સમા બની ગયા હતા.