વિકાસના મુદ પર વિશ્વાસ ન ધરાવતા અંગ્રેજી રાજકીય પંડીતો ગુજરાતમાં આ ફરી એકવાર ખોટા ઠરશેઃ માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી

  

પાકિસ્તાનની સરહદ નજીક આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ મુકામેથી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાના ૧૬મા દિવસે ઉદ્બોધન કરતાં માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ઉત્તર ગુજરાત તો મારુ ઘર છે, અહીં હું આપની સાથે વાતચીત કરવા આવ્યો છું, મારે અહીં સ્વાભાવિક સંવાદ કરવો છે. મારા ગુજરાતને નવી નવી ઉંચાઈઓ સર કરાવવી છે તે માટે આપ આશીર્વાદ વરસાવો. આ નવી ઉંચાઈઓ ગુજરાતના ગરીબોના ઉત્થાન માટે, આદિવાસી ભાઈઓની પ્રગતિ માટે, બક્ષીપંચના કુટુંબોના કલ્યાણ માટે, છેવાડાના માનવીઓના સુખ માટે સર થાય તેવાં આપના આશીર્વાદ આપો.

૧૧ સપ્ટેમ્બર, ર૦૧રથી શરૂ થયેલી આ યાત્રાને અભૂતપૂર્વ આવકાર, સ્નેહ અને પ્રેમ મળી રહ્યો છે, પ્રજાના અંતરના આશીર્વાદ મળી રહ્યા છે. ગુજરાતના ઈતિહાસમાં આવી ઘટના જવલ્લેજ બની હશે. દેશભરમાં અંગ્રેજી રાજકીય પંડીતો અત્યાર સુધી એવું માનતા હતા કે વિકાસનો મુદ્દો રાજકારણમાં કદી ન ચાલી શકે એ તો "બેડ પોલિટીક્સ" ગણાય, આ મુદ્દાથી કદી જીત ના થાય. પરંતુ ગુજરાતની જનતાએ ર૦૦ર, ર૦૦૭ માં વિકાસના મુદ્દાને પ્રાધાન્ય આપ્યુ છે અને આગામી ર૦૧રની ચૂંટણીમાં પણ વિકાસ જ માત્ર મુદ્દો છે અને પ્રગતિનો વિકલ્પ છે અને ગુજરાતે દેશને વિકાસની રાહ બતાવી છે, અને તેમાં સૌને વિશ્વાસ પણ જાગ્યો છે અને આશા પણ જાગી છે. દેશમાં એવાં રાજકારણનો ઉદય થયો હતો જેમાં ટુકડા ફેંકાતા, મતદારને ભરમાવામાં આવતા, આંખમાં ધૂળ નાંખવાં આવતી, એમાંના એકાદ ટુકડાને સાચવી રાખીને સત્તા ભોગવવાનો ખેલાતો હતો. પરંતુ વિકાસની રાજનીતિએ હિન્દુસ્તાનની રાજનીતિમાં એક નવી દિશા બતાવી. મતબેંકની રાજનીતિમાંથી વિકાસની રાજનીતિ તરફ જવા માટે મજબુત કરી દીધા છે. વિકાસની જ રાજનીતિ ચર્ચામાં છે. વીજળી, પાણી, અને રોડ-રસ્તા સુધી અટકેલી વિકાસની વાતને હવે બારીકાઈથી જોવાઈ રહી છે. વિકાસના મુદ્દા પર વિશ્વાસ ન ધરાવતા અંગ્રેજી રાજકીય પંડીતો આગામી ચૂંટણીમાં ફરી એકવાર ખોટા ઠરશે.

ભાઈઓ-બહેનો, પોલિટીકલ પંડીતોને કહુ છું કે, જાણીબુઝીને આંધળા બની ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો, વિકાસને નકારવાનું ક્યાં સુધી ચાલુ રાખશો?, ગુજરાતને છાશવારે નીચુ પાડવા અને બદનામ કરવાની જાણે ફેશન બની ગઈ છે.આ વિકાસની ગતિએ જ નર્મદા અને મહીના પાણી બનાસકાંઠા સુધી લાવવાનું શક્ય બનાવ્યુ છે. રાજકીય રમતના આટાપાટા રમતી કોંગ્રેસની કેન્દ્ર સરકારના વડા ડો.મનમોહનસિંહે હું દસેક વાર સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાડવાની મંજુરી માટે મળ્યો છું. દર વખતે આપની વાત સાચી છે તેનો સ્વીકાર કરે છે, પરંતુ તેની મંજુરી આપતા નથી. આવી રીતે અન્યાય ચાલતો જ રહ્યો છે. દરવાજા લગાડવાની મંજુરી મળે તો પણ લગાડતા ૩ વર્ષનો સમય લાગી જવાનો છે, ત્યાં સુધી ભલે નર્મદાનું પાણી દરીયામાં વહી જતુ તે પ્રકારની કોંગ્રેસની દિશા અને માનસિકતા છે. ભાઈઓ-બહેનો, સોનિયા મેડમ આજે જીન્દ હરિયાણાના પ્રવાસે છે. આ હરિયાણામાં રોજ એક બળાત્કારની ઘટના ઘટે છે. આજે પણ સમાચાર આવ્યા છે કે ત્યાં એક દલિત કન્યા પર બળાત્કાર થતાં એ દલિત કન્યાએ અગ્નિસ્નાન કર્યુ છે. થોડા દિવસ પહેલા સલાહ આપવા આવેલા સોનિયાજી તેમના પક્ષની કોંગ્રેસની સરકારને કોઈ સલાહ આપશે? મિત્રો, ૧પ-૧પ ચૂંટણીઓનો અનુભવ ધરાવતા અને વાળ ધોળા થઈ ગયેલા અનુભવીને પણ કોંગ્રેસ ઠગી જાય એટલી ચતુર છે, એવાં અનુભવીને પણ ઠગાઈ ગયા પછી ખબર પડે કે આપણે તો ઠગાઈ ગયા! છેતરપિંડી કરનાર કોંગ્રેસને બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી સાફ કરી નાંખો. જયાં ધુળની ડમરીઓ સિવાય કશું જોવા મળતુ ન હતુ એ બનાસકાંઠાના પારંપારિક પાઘડી-ધોતી પહેરતા ખેડૂતો આજે અફઘાનિસ્તાન સુધી બનાસકાંઠાની ધરતીમાં પકવેલા ટામેટાની નિકાસ કરી રહ્યા છે.વિકાસની આ દિશા ગુજરાતની છે.

માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાનેરા ખાતે જણાવ્યુ હતુ કે, હું ધાનેરામાં હું ઘણી વખત જાહેરસભા, સંમેલનો જેવાં પ્રસંગોએ આવ્યો છું. મારા જાહેરજીવનના ઈતિહાસમાં ધાનેરામાં આવું દ્રશ્ય પહેલીવાર જોયુ છે. આ દ્રશ્ય સરકારના ૧૧ વર્ષ વીત્યા પછી જોવા મળી રહ્યુ છે એ પ્રેમ, ઉમળકો અને ઉમંગ તો છે જ સાથેસાથે દિલ્હી સરકારની ગુજરાત સરકારને હેરાન પરેશાન કરવાના ષડયંત્રો પ્રત્યેનો આક્રોશ પણ છે. સંવૈધાનિક સંસ્થાઓ, બંધારણિય સંસ્થાઓના બેફામ દુરૂપયોગથી ગુજરાતને અને ગુજરાત સરકાર વિરૂદ્ધ પાયાહિન આરોપો થઈ રહ્યા છે. કોઈ દિવસ એવો નથી ઉગ્યો કે એ લાંછન લગાવવાની કોશિષ ના થઈ હોય. આ બધું સામી છાતીએ સહન કરવાની કોશિષ કરી છે. આનો કોઈ જવાબ ન હતો કે છુપાવવાનું હતુ એટલા માટે ચુપ નહતો પરંતુ મને ગુજરાતની જનતા પર ભરોસો છે કે તેઓને ગુજરાતની જનતા આ બધાંનો જડબાતોડ જવાબ આપશે અને આજની આ સભા તેનું જીવતુ જાગતુ ઉદાહરણ છે.

ગુજરાતમાં કોંગ્રેસની છેલ્લે સરકાર ક્યારે હતી એ યાદ કરાવતા માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ કે, ૧૯૯૬-૯૭માં સમગ્ર ગુજરાત માટે સિંચાઈનું બજેટ રૂા.૬૦૦ કરોડ હતુ આજે એકલા ધાનેરાને સીખુ અને દાંતીવાડાના ડેમ દ્વારા નર્મદાના પાણી આપવાનું બજેટ રૂા.૭પ૦ કરોડ છે. મને સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે આપે રાખ્યો છે તેનું કારણ શું? કારણ કે આવો મજુરીયો નહીં મળે, ર૪ કલાક કામ કરતો ગુજરાત અને ગુજરાતીઓની ચિંતા કરતો મુખ્યમંત્રી ક્યાં મળવાનો છે તેમ માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ.

મહારાષ્ટ્રમાં પાંચ વર્ષમાં ૪ મુખ્યમંત્રી બદલાય તે તેમની સ્થિરતા છે, ગુજરાતની પ્રગતિમાં ૧૧ વર્ષની સ્થિરતાનો બહુમૂલ્ય ફાળો છે તેમ માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યુ હતુ.

માન. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉદ્બોધન પૂર્વે ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ માન. શ્રી પરશોત્તમભાઈ રૂપાલાજીએ જણાવ્યુ હતુ કે, અકસ્માતમાં જીવ ગુમાવનારના બેસણા-શોકસભામાં જઈએ ત્યારે દવાખાને પહોંચવામાં મોડા થવાના કારણે જીવ ગુમાવ્યાની વાત સામાન્ય હતી. આ મોડા પડવાની વાતને વહેલા આવ્યામાં ફેરવાય તે માટે કોઈ સરકારે વ્યવસ્થા વિચારી ન હતી, આ માટે કોઈ માંગણી પણ કરતુ ન હતી. દેવદૂત જેવી ૧૦૮ સેવા દ્વારા આ સંભવ બન્યુ છે ત્યારે તેનો જશ કોંગ્રેસ લેવા નીકળી છે. આ થરાદ તો રાજસ્થાનની સરહદે છે જરા રાજસ્થાનની સરહદે જઈને ૧૦૮ લગાડી જુઓ આખો દિવસ મથશો તો પણ બળદગાડી પણ નહીં આવે. આ રાજસ્થાનને તમારી સરકારના રૂપિયા આપીને ત્યાં ૧૦૮ની સુવિધા અપાવોને?

માન. શ્રી રૂપાલાજીએ વધુમાં જણાવ્યુ હતુ કે, માન. શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનું સામે રાષ્ટ્રપતિશ્રીને ભ્રષ્ટાચાર અંગેનું આવેદન આપ્યુ, રાજયપાલ દ્વારા એ આરોપનામુ મુખ્યમંત્રીશ્રીને મળ્યુ તેઓએ અન્ય રાજયોની જેમ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયધિશને તપાસ સોંપવાને બદલે પોતાની જ સામેનું આરોપનામુ સાબિત કરવા સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધિશ જસ્ટિસ શાહ સાહેબને સોંપ્યુ. શાહપંચની તપાસના અંતે પ્રાથમિક અહેવાલમાં ભ્રષ્ટાચાર અંગે સ્નાનસુતકનો પણ સંબંધ આ સરકારને છે તેવું સાબિત નથી થયુ. મન ફાવતુ ન મળતા કોંગ્રેસે કાગારોળ મચાવી, અહેવાલ બાબતે શંકા ઉઠાવતા નિવેદનો કર્યા, અહેવાલ અંગે શંકાનું રટણ કરતાં કોંગ્રેસના નેતાઓ એ ભુલી ગયા કે શાહપંચને અગાઉ કોંગ્રેસ સરકારે પણ તપાસની કામગીરી સોંપી હતી. તેઓ કામગીરી સોંપેલી ત્યારે બધું બરાબર હતુ અને હવે ?

કોંગ્રેસને પ૦ વર્ષના શાસનમાં ઘર આપવાનું યાદ ન આવ્યુ અને હવે ગાંધીનગરમાં તેમનું ઘર ખોવાઈ ગયુ છે તે શોધવા માટે ફરફરિયા લઈને નીકળ્યા છે. જો જો છેતરાતા નહીં... તમારા ઘર થકી એમનું ઘર શોધી રહ્યા છે.

થરાદ અને ધાનેરા ખાતે સ્થાનિક અગ્રણીઓ, વિવિધ સમાજોના આગેવાનો, સેવાકીય સંસ્થાઓ, વેપારી મંડળો અને વ્યવસાયી સંસ્થાઓ ઉપસ્થિત રહીને માન. મુખ્યમંત્રીશ્રીનું ફુલહાર, સ્મૃતિચિહ્ન આપીને ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ. થરાદ મુકામે અનેક કોંગ્રેસી આગેવાનો પોતાના સમર્થકો સાથે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુજીને ઉપસ્થિતમાં ભાજપામાં જોડાયા હતા.