યંગ એન્ટરપ્રિનિયોર્સ મીટ

‘શ્રમ એવ જયતે’ નું મહાત્મ્ય સ્વીકારો

દેશના યુવાનો માટે વિશાળ અવકાશ છે

વિશ્વના અનેક સમૃધ્ધ દેશો યુવાવસ્થા વટાવી વૃધ્ધત્વમાં પહોંચી ગયા છે ત્યારે એકલું હિન્દુસ્તાન સૌથી યુવા દેશ બની ગયું છે

યુવા ઉદ્યોગ સાહસિકોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક દિશાદર્શન

“સમગ્ર વિશ્વમાં યુવા સાહસિકોના કૌશલ્યનો વિશાળ અવકાશ પૂરવાનું સામર્થ બતાવો”

 

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત યંગ એન્ટરપ્રિનિયોર્સ મીટમાં યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરક દિશાદર્શન આપતા સમગ્ર વિશ્વમાં યુવા બૌધ્ધિકો અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે વિશાળ અવકાશ ઉભો થયો છે એમાં છવાઇ જવાનું સામર્થ્ય યુવાનો બતાવે એવું આહ્વાન કર્યું હતું.

આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કેટલી વ્યાપક ક્ષિતિજોમાં પથરાયેલુ છે તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સમિટમાં ૧૨૭ જેટલી ઇવેન્ટના અવસર વિકાસના બધા જ પહેલુઓને આવરી લે છે. યુવા ઉદ્યોગ સાહસિકોને કંઇક નવું કરવાની પ્રેરણા દેશના એક નાનકડા ગુજરાત રાજ્યએ આપી છે. બીજા રાજ્યો હવે તેને અનુસરે છે પણ ગુજરાત તો હંમેશા નવું ગતિશીલ કરવા તત્પર છે. ગતિ અને પ્રગતિ માટેનું ચિન્તન નવા પરિણામો ઉપર નવ યુવાન ઉદ્યોગ સાહસિકોને પોતાના સપના સાકાર કરવા નિમંત્રે છે. ગુજરાત તો આવતીકાલના યુવાનોને પોતાના સપના આંખમાં સંજોવા માટે પણ પ્રેરણારૂપ ઉદીપક બનવા માંગે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આટલા વિશાળ જનશકિત ધરાવતા દેશમાં એવા યુવાનો હોવા જોઇએ જે જીંદગીમાં સહેતુક શું કરવા માંગે છે તે અંગે ભીતરથી ઉર્જા પ્રગટાવી જોઇએ. જે દેશ દુનિયાનો સૌથી યુવા દેશ છે અને ૨૦૨૦માં તો હિન્દુસ્તાની સરેરાશ આયુ ૨૯ વર્ષની હશે ત્યારે બીજી બાજુ અમેરિકા, યુરોપ, જાપાન અને ચીન પણ વૃધ્ધાવસ્થામાં પહોંચી ગયું છે ત્યારે સમગ્ર વિશ્વમાં યુવાધન અને યુવા બૌધ્ધિકોનો વિશાળ અવકાશ ખડો થઇ રહ્યો છે એને પૂરવાનું સામર્થ્ય યુવા ઉદ્યોગ સાહસિકો બતાવે એવી અપીલ તેમણે કરી હતી.

ઘણાં એવા યુવાનો છે જે પોતાના કૌશલ્યબળથી અન્યને જીવનનો માર્ગ કંડારવાની પ્રેરણા આપે છે, તેના દ્રષ્ટાંતો આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૌશલ્ય વિકાસથી પ્રશિક્ષિત યુવા સમુદાય માટે સર્વિસ સેકટર અને સર્વિસ પ્રોવાઇડરનું વિશાળ ક્ષેત્ર ખૂલી ગયું છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

વ્હાઇટકોલર જોબ નહીં પણ ‘શ્રમ એવ જયતે’નું પરિશ્રમનું મહત્વ અને મહિમા સમજવાનો અનુરોધ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પરિશ્રમનું ગર્વ અને ગૌરવ કરવા ઉદ્યોગ સાહસિકોએ પોતાની માનસિકતામાં બદલાવ લાવવો પડશે. મોટા ભાગે યુવાનોની કાર્ય નિષ્ફળતાનું કારણ ‘ટૂંકો રસ્તો’ લેવાની માનસિકતા છે એમાંથી બહાર આવવા તેમણે અપીલ કરી હતી. પોતાના સામર્થ્ય અને વ્યકિતત્વની પહેચાન કરવા માટેનું સજાગ ચિન્તન કરીને વિશાળ ફલક ઉપર વિચારોનું આદાનપ્રદાન કરવાની રૂપરેખા તેમણે આપી હતી.

ગુજરાતના ગામડાને ૨૪ કલાક વીજળી અછતવાળા રાજ્ય માટે આપવાનું કોઇએ દશ વર્ષ પહેલા વિચાર્યુ પણ નહોતું ત્યારે જ્યોતિગ્રામ યોજનાથી ગ્રામીણ અને કૃષિ ફીડરો અલગ કરીને ગુજરાતે વીજપૂરવઠા ક્ષેત્રે ક્રાંતિ કરી તેની વ્યૂહાત્મક ભૂમિકા મુખ્ય મંત્રીશ્રીએ આપી હતી. ૨૪ કલાક વીજળી સુવિધાથી ગામડાની આર્થિક સામાજિક તાસીર બદલી નાંખી તેના દ્રષ્ટાંતો તેમણે આપ્યા હતા.

ગુજરાતે સ્થિતિ બદલવા માટે જે પ્રયાસો કર્યા તેમાં પ્રવાસન ક્ષેત્રે ગુજરાતે દશ વર્ષમાં પોતાની પહેચાન કઇ રીતે બનાવી દીધી તેની ઉદ્યમશીલતાની સાફલ્યગાથા અમિતાભ બચ્ચનના માધ્યમથી ઉભી કરી તેનું પ્રેરક દ્રષ્ટાંત તેમણે આપ્યું હતું.

ઉદ્યોગવેપાર જગતમાં પોતાનું સ્થાન બનાવવાની પ્રતિબધ્ધતા માટે યુવાનોને પ્રેરણા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હવે નવોદિત સંપતિવાનોની નવી પેઢીએ સંઘર્ષો સામેથી પડકાર ઝીલવાનો મિજાજ કેળવવાનો છે.

યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી રમણભાઇ વોરાએ ગુજરાતમાં યુવાશકિતના કૌશલ્ય વિકાસ તથા આંતર શકિતઓને બહાર લાવવા સ્વામી વિવેકાનંદ ૧૫૦મી જન્મજયંતિ વર્ષમાં જે નવતર આયામો મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં અપનાવ્યા છે તેની ભૂમિકા આપી હતી.

મંત્રી શ્રી રમણભાઇ વોરાએ પાછલા એક દશકથી ગુજરાત રોજગાર સવલતો પ્રાપ્ત કરાવવામાં અવ્વલ રહ્યું છે તથા યુવા કૌશલ્ય શિક્ષણ માટેના નવા અભિગમો સાથે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડક્ષ વૃધ્ધિ માટે દેશનું માર્ગદર્શક રહ્યું છે તેની વિસ્તૃત વિગતો પ્રાસંગિક પ્રવચનમાં આપી હતી.

યુવા ઉદ્યોગ સાહસિક મીટમાં યંગ ઇન્ડીયન્સના રાષ્ટ્રીય અધ્યક્ષા અનુપમા આર્યાએ યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરક માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું.

આ મીટમાં યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જ્હા, યુવા ઉદ્યોગકારો અને ડેલીગેટસ ઉપસ્થિત રહ્યા હતા.