ઉત્તર ગુજરાતમાં નવા ત્રણ તાલુકાની જનતાએ નરેન્દ્ર  મોદીનું કર્યું અભૂતપૂર્વ ઉમંગથી અભિવાદન

સરસ્વતી (પાટણ), સુઇગામ (વાવ) અને લાખણી (ડિસા)માં યોજાઇ વિશાળ જનરેલીઓ

• પ્રજાના નાણાં લૂંટી લૂંટીને સત્તાભૂખ્યા કોંગ્રેસીઓ હવે વિકૃતિની હદ વટાવે છે ! • દેશની મહાન નારી ગૌરવની સંસ્કૃતિ અને નારીશકિતનું ઘોર અપમાન કરનારા કોંગ્રેસના મંત્રીનેતા, શરમ કરો શરમ કરો.. • ગુજરાતની સરકાર તો પ્રજાના નાણા પ્રજા માટે જ ખર્ચે છે

મારો કોઇ પરિવાર નથી, મારૂ કુટુંબ છે, છ કરોડ ગુજરાતીઓ નરેન્દ્ર મોદી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઉત્તર ગુજરાતમાં તેમના અભિવાદન માટે યોજાયેલી ત્રણ જેટલી વિશાળ જનરેલીઓમાં દિલ્હીમાં બેઠેલી સોનિયા ગાંધીની કોંગ્રેસ સરકાર પ્રજાના નાણાંની લૂંટાલૂંટ ચલાવીને સત્તાસુખમાં કેવી વિકૃત હદે બેફામ બની ગઇ છે તેના ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

બનાસકાંઠાના ડિસા તાલુકામાંથી લાખણીનો નવો તાલુકા બનાવવાની અને વાવ તાલુકામાંથી સરહદ ઉપર સુઇગામનો નવો તાલુકો રચવાની મુખ્યમંત્રીશ્રીએ કરેલી જાહેરાતો માટે જનતાનું ઉમળકા ભર્યું અભિવાદન આજે સુઇગામ અને લાખણીની જનરેલીઓમાં થયું હતું. પાટણમાં કાંસા ખાતે પાટણ તાલુકામાંથી નવરચિત સરસ્વતી તાલુકાના ગામોની જનમેદનીએ પણ અભૂતપૂર્વ ઉત્સાહથી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સૂઇગામના નવા તાલુકાનો વિકાસ એવી રીતે કરવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો કે સરહદને સામે પાર પાકિસ્તાનના સત્તાધિશો પણ ઇર્ષામાં પડી જશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારના મંત્રીઓના ભ્રષ્ટાચારોના કૌભાંડો અને બેઇમાનીના દરરોજ નવા કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે ર્ડા.મનમોહનસિંહ ભ્રષ્ટાચારના કાયદા સુધારવા નિવેદનો કરે છે તેની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે, ર્ડા.મનમોહનસિંહે પહેલાં કોંગ્રેસને તો પ્રજાના નાણાંની લૂંટ કરતા રોકવા સિંઘમ્ બનવું પડશે, પણ એક કુટુંબના જમાઇરાજ જ ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાઇ ગયેલા છે ત્યાં પ્રધાનમંત્રી સિંઘમ્ બની શકશે એવું સામાન્ય માનવીને લાગતું જ નથી.

મુખ્યમંત્રીશ્રીએ પ્રજાના નાણાં લૂંટી લૂંટીને કેન્દ્રના કોંગ્રેસીઓ કેવી વિકૃત માનસિકતા ધરાવે છે તેની ગંભીરતા પ્રત્યે જનતાનું ધ્યાન દોરતાં જણાવ્યું કે કોંગ્રેસના પ્રમુખસ્થાને મહિલા સન્નારી હોવા છતાં તેમની શરમ પણ કોંગ્રેસીઓ રાખતા નથી. એક કેન્દ્રીય કોંગ્રેસી મંત્રી જે સોનિયા પરિવારના પ્રિતીપાત્ર છે તેઓ નારીશકિતનું ઘોર અપમાન કરતો વિવાદ ખૂલ્લે આમ ગરજીને બોલે અને બીજા એક કોંગ્રેસી હરિયાણામાં દલિત દીકરીઓ ઉપર સામૂહિક બળાત્કારના કિસ્સાઓમાં ભોગ બનેલી દલિત બાળાઓની પીડા પ્રત્યે ઘા ઉપર મીઠું ભભરાવતી વિકૃત વાણીનો વિસાલ કરે છે. આ કોંગ્રેસી નેતા ગાલ ફૂલાવીને કહે છે કે બળાત્કારતો ભોગ બનનારી ૯૦ ટકા મહિલાઓની સંમતિ હોય છે.આટલી હદે કોંગ્રેસીઓ દેશની નારીશકિતનું ઘોર અપમાન કરી રહ્યા છે પણ સોનિયાજી કે ડો. મનમોહનસિંહની સંવેદના જાગતી નથી ! કોંગ્રેસની સત્તા ભૂખ કયાં જઇને અટકશે એવો સવાલ તેમણે ઉઠાવ્યો હતો.

પાટણની જંગી જનસભામાં સરસ્વતી તાલુકાની રચના વિકાસની નવી ઊંચાઇ બતાવશે એની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જનતાને જ્ઞાતિવાદ અને જાતિવાદના કોંગ્રેસના રાજકારણના પેંતરાનોભોગ બનવાથી સાવધ રહેવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ સરકાર સૌનો સાથ લઇ સૌનો વિકાસ કરવાની છે. પ્રજાના નાણાંની પાઇએ પાઇ પ્રજા માટે જ વપરાશે‘‘મારો વ્યકિતગત કોઇ પરિવાર નથી. મારૂ કુટુંબ છે, છ કરોડ ગુજરાતીઓ અને એના માટે જ હું જીવન ખપાવી રહ્યો છું’’ એમ મુખ્યમંત્રીશ્રીએ હર્ષનાદો વચ્ચે જણાવ્યું હતું.

બનાસકાંઠાના લાખણીમાં નવા તાલુકાથી ઉમંગ ઉત્સાહની હેલી સાથે આવેલી જનતા સમક્ષ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે નર્મદાની મુખ્ય કેનાલ રાજસ્થાન સુધી પહોંચાડીને આખા ઉત્તર ગુજરાતમાં સ્વર્ણિમ ઊર્જાનો વિકાસ ઝળહળતો થવાનો છે એમ તેમણે જણાવ્યું હતું.