સોનિયાજી, તમને લેશન કરી આવવાનું કહેલું તમે માન્યું નહીં હવે જનતા બોધપાઠ શીખવાડશે

સોનિયાજી તમને ગુજરાત કે દેશના ઇતિહાસ અને ભૂગોળની ખબર જ નથી!

કોંગ્રેસને સેવા ભાવ સાથે કોઇ નિસ્બત નથી મેવાભાવ વગર કોંગ્રેસનો મેળ પડે જ નહીં!

તમે જેટલા પૈસા વાપરશો ભાજપાના કાર્યકરોનો પરસેવો તમને પરાસ્ત કરશે તમારી દશા અને દિશા ગુજરાતમાં બદલાવાની નથી

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ગુજરાતમાં સોનિયા ગાંધીની જાહેરસભાઓમાં ગુજરાતને બદનામ કરવાના સોનિયા ગાંધીના ભાષણો સામે ઉગ્ર પ્રત્યાઘાત આપતા જણાવ્યું કે સોનિયાજી તમને દેશના અને ગુજરાતના ઇતિહાસ અને ભૂગોળની જ ખબર નથી. ગુજરાતના વિકાસ આડે વિધ્નો નાંખીને ગુજરાતનો વિકાસ રોકવાના કારસા કરનારી કેન્દ્ર સરકાર કયા મોઢે ગુજરાતમાં ભાજપા સરકારને જનહિત વિરોધી ગણાવે છે? ગુજરાતની જનતાએ તો બાર વર્ષથી જનસેવા માટે અમારી સરકારને અપાર પ્રેમ આપ્યો છે. કોંગ્રેસને તો ગુજરાતનો વિકાસ જ આંખમાં ખટકે છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતમાં ખેડૂતો પાણીવિજળી વગર હેરાન થાય છે અને ગુજરાતમાં ૧૦ લાખ બેકારો છે એવા જૂઠ્ઠાણાનો સણસણતો પ્રતિભાવ આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બપોર બાદ પાટણ, બાયડ, વિજાપુરની જંગી સભાઓમાં જણાવ્યું કે કેન્દ્રની સરકાર જ સત્તાવાર અહેવાલમાં કહે છે કે ગુજરાતમાં સૌથી ઓછી બેકારી છે. હિન્દુસ્તાનનો કોઇ જિલ્લો એવો નહીં હોય જ્યાંનો જૂવાનીયો ગુજરાતમાં રોજીરોટી કમાવવા આવતો ના હોય! મારા ગુજરાતના ઘરેઘરમાં ગરીબના ઝૂંપડામાં પણ ર૪ કલાક વીજળી છે જ્યારે દિલ્હીમાં સોનિયાનો બંગલો હોય કે ડો. મનમોહનસિંહનો ડીઝલ જનરેટરથી વીજળી લેવી પડે છે અને વીજળી માટે ગુજરાતને બદનામ કરો છો?

ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યની સેવાઓ કથળેલી છે એવું કહેનારા સોનિયાજીને ખબર છે કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર એકમાત્ર ગુજરાતને જ સર્વશિક્ષા અભિયાનમાં શિક્ષકોના પગાર, પાઠયપુસ્તકો માટે એક ફદીયું ય નથી આપતી! કોંગ્રેસના ૪૦ વર્ષના રાજમાં ગુજરાતમાં ૧૦૦માંથી ૪૦ દીકરી જ શાળમાં દાખલ થતી અને ૬૦ દીકરી ભણતી જ નહોતી કારણ કે શાળામાં કન્યાઓ માટે અલાયદા સેનિટેશનની વ્યવસ્થા જ વિચારેલી નહોતી.

સોનિયા ગાંધીના ભાષણો ઉપર વેધક કટાક્ષ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે તમને હોમવર્ક કરીને આવવાનું સૂચવેલું પણ તમે માન્યું નથીહવે ગુજરાતની જનતા તમને ચૂંટણીમાં બોધપાઠ શીખવાડી દેશે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કરજણથી ચૂંટણી પ્રચાર અભિયાનનો ઝંઝાવાતી પ્રારંભ કરેલો અને જંગીસભાઓ પંછેલા(દેવગઢ બારિયા), વડગામ, પાટણ, બાયડ અને વિજાપુરમાં જનસભાઓ સંબોધી હતી.

તેમણે જણાવ્યું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનો ગુજરાત વિરોધ ખૂલંખૂલ્લા બહાર આવ્યો છે. છતાં તમારી પાર્ટી કયારેય જીતવાની નથી. તમે જેટલા પૈસા વાપરશો એની સામે ભાજપાના કાર્યકરોનો પરસેવો છે એ જીતી જશે. તમારી દશા અને દિશા તો ગુજરાતમાં કયારે બદલાવાની નથી, ગાંધીનગરની ગાદી જનતા લૂંટવા દેવાની નથી એમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.