મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીને ખેડૂતહિત વિરોધી ગણાવીને કપાસની નિકાસ ઉપરના પ્રતિબંધને તાત્કાલિક અસરથી ઉઠાવી લેવા તથા કપાસના ઉત્પાદન ક્ષેત્રે નિકાસ દ્વારા દેશના અર્થતંત્રમાં અગ્રગણ્ય ફાળો આપતાં ગુજરાતના ખેડૂતોને થઇ રહેલા નુકસાનમાંથી ઉગારવા માટે ખાસ કિસ્સામાં ગુજરાતને જ કપાસની દસ લાખ ગાંસડીઓની નિકાસનો કોટા ફાળવવા વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને આજે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે.
ચેન્નાઇ-તામિલનાડુના પ્રવાસેથી મોડી સાંજે પરત આવેલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીના કેન્દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતના કપાસ ઉત્પાદકો અને કપાસની ખેતી આધારિત ગ્રામ અર્થતંત્ર ઉપર કેવી વિપરીત અસર પડશે તેની સવિસ્તાર જાણકારી આપતાં વડાપ્રધાનશ્રીને પત્રમાં જણાવ્યું છે કે, અગાઉ પણ તેમણે કપાસની નિકાસના પ્રતિબંધને કારણે કપાસ ઉત્પાદકોને આર્થિક સંકટમાં ધકેલી દેવાયા છે તે અંગે સવિસ્તાર રજૂઆત કરી જ હતી. ગુજરાત દેશનું ત્રીજા ભાગનું કપાસનું ઉત્પાદન કરે છે અને 50 ટકા કપાસની નિકાસ કરે છે. ગુજરાતનો કપાસ આજે વિશ્વના બજારોમાં તેની ગુણવત્તાને કારણે મશહૂર બનેલો છે અને 2003માં ગુજરાતનું કપાસ ઉત્પાદન 16 લાખ હેકટરમાં હતું તે વધીને ગયા વર્ષે 24.64 લાખ હેકટર ઉપર પહોંચી ગયું છે. આ વર્ષે તો ગયા વર્ષના 74 લાખ ગાંસડી કપાસના ઉત્પાદન સામે ખેડૂતોએ 104.55 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન કર્યું છે. કપાસની નિકાસબંધી અંગે કેન્દ્રના નાણાં અને વાણિજ્ય મંત્રાલયોની નીતિ કપાસના ખેડૂતોને અન્યાય કરનારી છે અને કપાસ ઉપર નિકાસ પ્રતિબંધ ફરમાવીને ગુજરાતના કપાસ ઉત્પાદકોને નિરૂત્સાહ કરી દેવાની ચાલ રમાઇ રહી છે. 2010માં તો કેન્દ્રીય નાણાં મંત્રાલયે તો પ્રતિ ટન રૂા.2500ની એક્ષ્પોર્ટ ડયુટી લાદી દીધી હતી, જેનું જાહેરનામુ 9મી એપ્રિલ 2010ના રોજ બહાર પાડી દીધું હતું.
આ ખેડૂત વિરોધી નીતિ છે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવ વધી રહ્યાં છે ત્યારે ઘરઆંગણે કપાસના ભાવ સતત ઘટી રહ્યાં છે. કપાસ ઉત્પાદકો પાસે કપાસનો સંગ્રહ કરવાની કોઇ જ વ્યવસ્થા નથી તેથી આ મહામૂલો કપાસ નીચા ભાવે વેચવાની ફરજ ગુજરાતના કપાસ ઉત્પાદકોને પડી છે. થોડાક દિવસ પહેલાં જ બીટીકોટન, એસ/6ના ભાવ સડસડાટ નીચે ઉતરી ગયા છે અને રૂા.62,500 પ્રતિ કેન્ડીના કપાસનો ભાવ ઘટીને રૂા.44,000 થઇ ગયો જ્યારે શોર્ટ સ્ટેપલ વી 797 જાતના કપાસના ભાવમાં તો ગયા મહિને રૂા.50,000 કેન્ડી દીઠ હતો તે અડધો અડધ ઘટીને રૂા.25,000 થઇ ગયો છે. રો-બીટી કોટન ભાવ ચાલુ સીઝનમાં કિવન્ટલ દીઠ રૂા.7250 હતાં તેમાં પણ 40 ટકા ઘટાડો થઇ ગયો છે.
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ગયા વર્ષે કપાસનું ઉત્પાદન 295 લાખ ગાંસડી હતું ત્યારે 85 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ ક્વોટા મંજુર થયેલો. આજે 330 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થયું છે ત્યારે માત્ર ને માત્ર 55 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ કવોટા જ મંજુર થયેલો છે.
કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયનો આ અભિગમ કઇ રીતે અપનાવવામાં આવ્યો છે તે સાદી સમજમાં આવતું નથી એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ અત્યારે દેશમાં કપાસના ભાવો સતત નીચા જવાના કારણે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં કપાસના ભાવ ઉંચા હોવા છતાં કપાસની નિકાસબંધીના નિર્ણયથી સમગ્રપણે કપાસ ઉત્પાદકોમાં અત્યંત આક્રોશ પ્રવર્તે છે આથી કપાસની નિકાસ ઉપરનો પ્રતિબંધ તત્કાળ અસરથી ઉઠાવી લેવો જોઇએ અને ગુજરાતના કપાસની નિકાસ માટે ખાસ કિસ્સામાં 10 લાખ ગાંસડી ક્વોટાની નિકાસની છૂટ આપવી જોઇએ એવી ભારપૂર્વક માગણી મુખ્યમંત્રીશ્રીએ કરી છે.