ગુજરાતના માલી સમાજનો ગરિમાપૂર્ણ વાર્ષિકોત્‍સવ સંપન્ન

સમાજ વિકાસ માટેની શિરમોર સેવા શિક્ષણની પ્રાથમિકતાની પ્રવૃત્તિ છેઃ નરેન્‍દ્રભાઈ મોદી

વિકાસમાં સૌની ભાગીદારીથી જ સમાજ સશક્‍ત બને છે

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ આજે ગાંધીનગરના કોબામાં ગુજરાતના માલી સમાજના વાર્ષિકોત્‍સવને અતિથિવિશેષપદેથી સંબોધતાં જણાવ્‍યું હતું કે, સમાજના સર્વાંગી વિકાસ માટે સૌથી શિરમોર સેવા શિક્ષણની પ્રાથમિકતા છે. વિકાસ માટે ગુજરાતે સૌને સાથે રાખીને નવો મંત્ર આપ્‍યો છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

ગુજરાત અને રાજસ્‍થાનની સ્‍થિતિની તુલના કરતા મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, ગુજરાતે દશ વર્ષમાં કૃષિ વિકાસ, જળવ્‍યવસ્‍થાપન અને માનવ સંસાધન વિકાસ દ્વારા સમાજજીવનને સશક્‍ત બનાવ્‍યું છે.

મહાત્‍મા જયોતિબા ફૂલે સેવા સંસ્‍થાનના ઉપક્રમે ગુજરાત સહિત રાજસ્‍થાન અને દેશના વિવિધ રાજ્‍યોમાંથી ઉત્‍સાહ-ઉમંગથી માલી કોમના વિવિધ સમાજોના પરિવારો આ વાર્ષિકોત્‍સવમાં ઉપસ્‍થિત રહ્યા હતા. મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે ગુજરાત માલી સમાજ ફેડરેશન દ્વારા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્‍કૃત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે યોજાયેલા સમાજના શિક્ષણ જાગૃતિ સંમેલનને સંબોધતાં શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું કે, સમાજોના ઉત્‍થાન માટેની અનેક સેવા પ્રવૃત્તિઓ થતી રહે છે એમાં શિરમોર સેવા ગરીબને શિક્ષણ આપવાની છે. ગરીબ શિક્ષિત હશે તો સમાજ ઉપર બોજ બન્‍યા વગર પોતાના પગ ઉપર નિર્ભર રહેશે. શિક્ષણ જ બધી મુસીબતોમાંથી બહાર આવવાનું ઉત્તમ સાધન છે અને જયોતિબા ફુલેએ શિક્ષણથી  સમાજ ઉત્‍થાન, દલિતો, પીડિતો, શોષિતોને શિક્ષિત બનાવવા અંગ્રેજોના ગુલામીકાળમાં સંગઠ્ઠિત કરીને ક્રાંતિ કરી હતી. આ જ પરંપરાને ગુજરાતના માલી સમાજે શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ સર્જીને જાળવી છે.

મહારાષ્‍ટ્રમાં મહાત્‍મા જયોતિબા ફુલેએ સામાજિક સુધારાની ક્રાંતિ કરી હતી એવા માલી સમાજમાં તેમના ધર્મપત્‍ની સાવિત્રીબાઇ ફુલેએ પણ શિક્ષિત કન્‍યા માટેની જયોત જગાવેલી તેનો ઉલ્લેખ કરી મુખ્‍ય મંત્રીશ્રીએ માલી સમાજની કન્‍યાઓને શિક્ષિત બનાવીને તેનું સશક્‍તિકરણ કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સરકાર મહાત્‍મા જયોતિબા ફુલેની અને તેમના ધર્મપત્‍ની સાવિત્રીબાઇની સ્‍મૃતિમાં દલિત પત્રકાર અને દલિત મહિલાને ખાસ એવોર્ડ આપે છે, એમ તેમણે જણાવ્‍યું હતું.

વિકાસ માટે ગુજરાત સરકારે જે સામાજિક ચેતનાનું આંદોલન જગાવ્‍યું છે તેની ભૂમિકા આપી મુખ્‍ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, સૌના વિકાસમાં સૌના સાથનો મંત્ર ભારત જોડવાનો સંકલ્‍પ સાકાર કરે છે. નર્મદા યોજનાથી રાજસ્‍થાનને કેનાલના પાણી પહોંચાડીને રાજ્‍યો-રાજ્‍યો વચ્‍ચે નદીના પાણીના ઝઘડા સામે પાણી વિકાસની શક્‍તિ બને તેવો સંકલ્‍પ પૂર્ણ કર્યો છે.

પ્રારંભમાં ગુજરાત માલી ફેડરેશનના શ્રી ગંગારામ ગેહલોતે આવકાર પ્રવચનમાં સમાજના વિવિધ સેવા કાર્યોની રૂપરેખા આપી હતી. મુખ્‍ય મંત્રીશ્રીને માલી સમાજ દ્વારા રૂા. ૧.પ૧ લાખનો ચેક આ અવસરે અર્પણ કરવામાં આવ્‍યો હતો. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિધવા બહેનોને સહાય યોજના અન્‍વયે પ્રતિકરૂપે સિલાઇ મશીનનું વિતરણ કર્યું હતું.

આ પ્રસંગે રાજ્‍ય આયોજન પંચના ઉપાધ્‍યક્ષ શ્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્‍યો શ્રી અનિલભાઈ માળી અને શ્રી ભરતભાઈ બારોટ, રાજસ્‍થાનના પૂર્વ મંત્રી શ્રી રાજેન્‍દ્ર ગેહલોત સહિત ગુજરાત-રાજસ્‍થાનના માલી સમાજના અગ્રણીઓ તથા પરિવારો ઉપસ્‍થિત રહ્યા હતા.