કૃષિ મહાકુંભનો શાનદાર પ્રારંભ
વિરાટ કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરતા મુખ્ય મંત્રીશ્રી
-: એગ્રો-વિઝન : ઇન્ડી્યાઃ૨૦૧૪ :-
નરેન્દ્ર ભાઇ મોદી : સરદાર સરોવર ડેમની ઉપર દરવાજા મૂકવા તત્કાળ મંજૂરી આપો
સમૃધ્ધ ખેતી માટે પાણી બચાવવાનું અભિયાન ઉપાડીએ
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સૌરાષ્ટ્રના ખોડલધામ તીર્થ પરિસરમાં વિરાટ કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરતા નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ ઉપર દરવાજા મૂકવાની મંજૂરી તાત્કાલિક આપવા વડાપ્રધાનને ભારપૂર્વક અપીલ કરી હતી.
હું વડાપ્રધાનશ્રી અને શાસક પક્ષના આગેવાનોને વિનંતી કરું છું કે રાજકારણના ખેલ છોડીને નર્મદા યોજનાના બંધ ઉપર દરવાજા મૂકવા માટે મંજૂરી આપો. આ ડેમ બની જાય તો બધી જ સરકારોને ક્રેડિટ મળવાની જ છે, એમ તેમણે જણાવ્યું હતું.
કાગવડમાં ખોડલ ધામ ટ્રસ્ટ આયોજિત એગ્રોવિઝન ઇન્ડિયા-૨૦૧૪ - કૃષિ મહાકુંભ આજથી ચાર દિવસ માટે શરૂ થયો હતો. કિસાનો માટે કૃષિ જ્ઞાન-વિજ્ઞાન અને આધુનિક ખેતી માટેના સંશોધનો-સંસાધનોના પ્રદર્શનરૂપે દેશ-વિદેશના ૮૦૦ જેટલા સ્ટોલ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
ગુજરાત સરકારે આ કૃષિ મેળાને પ્રોત્સાહન આપ્યું છે. કારણ કે કૃષિ ક્ષેત્રને આધુનિક બનાવવા અછતગ્રસ્ત ગણાતા ગુજરાતમાં કૃષિ વિકાસનો નવો પ્રયોગ કૃષિ મહોત્સવ અને જળસંચયના અભિયાનોથી કર્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખેડૂતને વીજળી મેળવવા અગાઉ વીસ વર્ષથી અવળે પાટે ચડાવી દેવાયેલો તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લા દશ વર્ષથી ખેડૂતને વીજળી નહીં, પાણી જોઇએ - તેવું લોકશિક્ષણ આ સરકારે આપ્યું અને કૃષિ માટે જળસંચયના સફળ અભિયાનો કર્યા તેથી ખેતીનો વિકાસ સાચી દિશામાં થયો છે.
પાણી બચાવોનું અભિયાન કિસાનો ઉપાડે તેવું પ્રેરક આહ્વાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરી પરંતુ સાથોસાથ પાણીના ટીપે ટીપાં પાક ઉત્પાદનમાં વપરાય તે માટે ટપક સિંચાઇને પ્રેરિત કરી છે. જમીન વધવાની નથી તેથી ઓછી જમીનમાં પણ કૃષિપાકોનું મહત્તમ ઉત્પાદન લેવાનું ખેડૂત શીખી ગયો છે. પર ડ્રોપ મોર ક્રોપથી પાક ઉત્પામદન વધી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
ખેડૂત કાળી મજૂરી કરીને મબલખ અનાજ પકવે અને વર્તમાન કેન્દ્ર સરકારની અનાજ સંગ્રહની વ્યવસ્થાના અભાવે અનાજ સડી જતું હોય તે સ્થિતિ દેશમાં પ્રવર્તે છે. આનું નિરાકરણ સ્ટોરેજ ચેઇનથી લાવી શકાય છે પણ તેના ઉપર ધ્યા્ન અપાતું નથી, એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યાવર્ધન (વેલ્યુએડીશન) ખેતી ઉપર ભાર મૂકતા જણાવ્યું કે પરંપરાગત ખેતીમાં હવે મૂલ્યવર્ધિત કૃષિપેદાશો અને તેના વિકાસ માટેની આધુનિક જાણકારી ખેડૂતોએ અપનાવવી પડશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગામડા આબાદ બનશે, ખેતી સમૃધ્ધ બનશે તો દેશનું અર્થતંત્ર મજબૂત બનશે અને લોકોની ખરીદશકિત વધશે.
‘‘સ્ટે્ચ્યુ ઓફ યુનિટી'' એ લોહપુરુષ જેવા સરદાર પટેલના દેશને એકતાથી જોડવાના અદ્ભૂત વ્યકિતત્વ અને કિસાનોની શકિતના પ્રેરણાષાતને શ્રધ્ધાંજલિ આપતું એકતાનું ભવ્ય સ્મારક બની રહેશે એની રૂપરેખા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
ખોડલ ધામ ટ્રસ્ટ્ની સમાજ અને રાષ્ટ્રહિતની પ્રવૃત્તિઓને અને દાતાઓને અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ધાર્મિક પ્રવૃત્તિ અને સામાજિક પ્રવૃત્તિ કરતા સંગઠનો સમાજ સેવાની ઉત્તમ પ્રવૃત્તિ કરે છે અને આ સમાજશકિત જ આપણી સાંસ્કૃતિક ધરોહર છે અને દેશને મજબૂત કરવાની મોટી તાકાત બની ગઇ છે. ખોડલ ધામ ટ્રસ્ટઅ એમાં ગુજરાતની ધરતી ઉપર આ સંસ્કાર સાથે સેવા-પ્રવૃત્તિ કરે છે તે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
આ પ્રસંગે મહેસુલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, કૃષિ મંત્રી શ્રી બાબુભાઇ બોખિરીયા તથા રાજ્ય મંત્રીશ્રીઓ સર્વશ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી રજનીભાઇ પટેલ, વસુબેન ત્રિવેદી, જયંતિભાઇ કવાડીયા, નાનુભાઇ વાનાણી તેમજ ભાજપા પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી.ફળદુ, સાંસદશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ પદાધિકારીશ્રીઓ તથા પૂર્વ મંત્રી શ્રી ગોરધનભાઇ ઝડફીયા તેમજ ખેડૂતો અને અગ્રણીઓ મોટી સંખ્યા,માં ઉપસ્થિોત હતા.