મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઔઘોગિક શ્રમયોગીઓને વિવિધ કક્ષામાં આપવામાં આવતા પુરસ્કારોનો વ્યાપ વિસ્તારવાનો સ્તુત્ય નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા ઔઘોગિક શ્રમયોગીઓને આપવામાં આવતા વિવિધ કક્ષામાં કુલ ૧૬ પુરસ્કારોને સ્થાને હવે સમગ્રતયા ૬૪ પુરસ્કારો પ્રદાન કરાશે.
રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંચાલન હેઠળના એકમો સિવાયના ઔઘોગિક એકમોમાં કાર્યરત શ્રમયોગીઓને વિશિષ્ટ કામગીરીની કદરરૂપે શ્રમરત્ન, શ્રમભૂષણ, શ્રમવીર તથા શ્રમશ્રી અને શ્રમદેવી પુરસ્કારો હાલ આપવામાં આવે છે તેમાં વધારો કરીને પ્રત્યેક શ્રેણીમાં ૧૬-૧૬ શ્રમયોગીઓને આ પુરસ્કારો અપાશે. શ્રમીકો વિશાળ સંખ્યામાં આ પુરસ્કાર યોજનાનો વ્યાપક લાભ લઇ શકે તે હેતુથી સુરત, વડોદરા અને રાજકોટ પ્રદેશોના વિભાજન કરીને હવે ત્રણ ક્ષેત્રીય પ્રદેશ સુધી આ પુરસ્કારોનું ફલક વિસ્તાર્યું છે. આ હેતુ માટે પ્રવર્તમાન જોગવાઇમાં ૪૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, જે શ્રમયોગીઓ ઔઘોગિક ઉત્પાદન કે ઉત્પાદકતા વધારવા, ઔઘોગિક શાંતિ અને સલામતી જાળવવા, આફત સમયે પોતાની આગવી આત્મસૂજ અને ત્વરિત પગલાંથી જાન-માલનું નુકશાન થતું અટકાવવા તેમજ શ્રમયોગી કલ્યાણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરે છે તેને પ્રોત્સાહિત કરવા શ્રમરત્ન પુરસ્કાર અંતર્ગત રૂા. રપ૦૦૦, શ્રમભૂષણ પુરસ્કાર અન્વયે રૂા. ૧પ૦૦૦, શ્રમવીર માટે રૂા. ૧૦૦૦૦ અને શ્રમશ્રી-શ્રમદેવીને રૂા. પ૦૦૦ના પ્રત્યેક પુરસ્કારથી નવાજવામાં આવે છે.
આમ હવે કુલ ૬૪ શ્રમયોગીઓ ચાર શ્રેણીમાં પુરસ્કૃત થશે. ઔઘોગિક શાંતિ અને સુમેળભર્યા સંબંધો માટે ગુજરાત આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે ત્યારે તેમાં ઔઘોગિક શ્રમજીવીઓનો નિર્ણાયક ફાળો ધ્યાનમાં રાખીને તેમને વિશેષ પ્રોત્સાહિત કરવાનો આ શ્રમયોગી કલ્યાણલક્ષી નિર્ણય મુખ્યમંત્રીશ્રીએ કર્યો છે.