આપણા સમાજમાં દરેક ઉત્સવનું કોઈને કોઈ સામાજિક મૂલ્ય રહેલું છે. ભૂતકાળમાં રાજ્યોની સંધિ માટે રક્ષાબંધનનો ઉપયોગ થતો. એક રાજા બીજા રાજાને રાખડીના બંધનથી બાંધીને રાજ્યની રક્ષાના કૉલ આપતા હતા. કાળક્રમે એમાં બદલાવ આવતો ગયો. બહેનની રક્ષા કરનાર ભાઈ રાખડી બંધાવે, માતા કુંતી પણ રાખડી બાંધે. અલગ અલગ સમયે એનો અલગ અલગ અનુભવ આવ્યો. એક સ્થિતિ એવી પણ આવી કે લોકો કારને રાખડી બાંધે, ત્રાજવાને રાખડી બાંધે કારણ કે એને લાગે કે સુરક્ષાની જરૂર છે. એમ સમાજમાં, જીવનમાં જેમ જેમ બદલાવ આવતો ગયો એમ પરિવર્તન આવતાં ગયાં, પણ મુખ્યત્વે સંસ્કાર છે નારી શક્તિનું ગૌરવ કરવામાં, નારી શક્તિનું સન્માન કરવામાં અને એ કામ આપણા સમાજજીવનની ધરોહર છે.
કાશ્મીરથી કન્યાકુમારી, સમગ્ર દેશમાં રક્ષાબંધનનું પર્વ મનાય છે. અને ગુજરાતે નારીશક્તિના ગૌરવને માટે અનેકવિધ યોજનાઓ કરી છે. આજના છાપાંઓમાં સરકારે જાહેરાત દ્વારા પણ અનેક વિગતો લોકો સામે મૂકી છે. પણ આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, તો ‘એક કા તીન’ કરવાવાળા મેદાનમાં ઊતરી પડતા હોય છે. બધા આંબા-આંબલી બતાવે અને તમને કહે કે એકના તીન કરી દઈશું. મને આશ્ચર્ય થયું, કેટલાક લોકોએ બે દિવસ પહેલાં જાતજાતની જાહેરાતો કરી છે. મારી એમને વિનંતી છે કે દિલ્હીમાં તમારી સરકાર છે અને પડોશમાં સેલ્વાસ છે, દીવ છે, દમણ છે... તમે જે યોજના અહીંયાં કહો છો, એ તમારી દિલ્હી સરકારના પૈસેથી આ સેલ્વાસ, દમણ તો તમારું જ છે, તમારું જ રાજ ચાલે છે, ત્યાં કરી બતાવો..! પ્રજાને મૂરખ બનાવવાના કાર્યક્રમો ચાલી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે ગુજરાતની માતાઓ-બહેનો ક્યારેય ભ્રમિત થવાની નથી. આ એક કા તીન કરવાવાળા જે લોકો છે એનાથી ચેતવાની જરૂર છે. એનાથી સામાન્ય માનવીને કોઈ છેતરી ન જાય, એની રક્ષા થાય એની પણ કાળજી લેવાની આવશ્યકતા છે.
ભાઈઓ-બહેનો, આપણે ત્યાં પ્રસૂતા માતાઓ, વ્યવસ્થાના અભાવને કારણે હજારોની તાદાતમાં બાળક મૃત્યુ પામે, માતા મૃત્યુ પામતી હોય છે. આજે ચિરંજીવી યોજનાને કારણે હજારો માતાઓની જિંદગી આપણે બચાવી છે. એટલું જ નહીં, આપણે ત્યાં ‘108’ સેવાને કારણે ગરીબમાં ગરીબ બહેન પ્રસૂતિની પીડા હોય એને ‘108’ ની સેવા મળે અને 30,000 કરતાં વધારે બહેનો, એની સુવાવડ ‘108’ માં થઈ ગઈ અને સુરક્ષિત સુવાવડો થઈ, માતા પણ બચી ગઈ, સંતાન પણ બચી ગયું. આ માતૃશક્તિની રક્ષા કેમ કરાય..!
કન્યા કેળવણીનું આપણે કામ ઊપાડ્યું. આપણા રાજ્યમાં સોમાંથી માંડ 35 કે 40 દીકરીઓના નસીબમાં શિક્ષણ હતું. આજે એ શિક્ષણનો વ્યાપ વધારવામાં આપણે સફળતા પ્રાપ્ત કરી છે. ડ્રૉપ-આઉટ 40-42 ટકાથી ઘટાડીને બે ટકા લાવી દીધો. સોએ સો ટકા દીકરીઓ નિશાળે ભણવા જાય એની ચિંતા કરી. લાખો દીકરીઓને પોતાના ગામથી બીજે ગામ ભણવા જવા માટે બસની મુસાફરી મફત કરી દીધી. નજીકના ગામમાં જતી હોય તો એને સાઈકલ આપી. દીકરીઓના શિક્ષણ માટે અનેકવિધ યોજનાઓ કરી. અનેકવિધ યોજનાઓ સાથે આ રાજ્યની અંદર આપણે કામ કરી રહ્યા છીએ.
એક સતત જૂઠાણું કેટલાક સમયથી ચાલે છે અને માતાઓ બહેનોને એની ચિંતા થાય એ બહુ સ્વાભાવિક છે. જે લોકોને જે મન ફાવે એ આંકડા જાહેર કરતા હોય છે. કોઈ કહે કે 10,000 બાળકો ખોવાઈ ગયાં છે, કોઈ કહે 15,000 બાળકો ખોવાઈ ગયાં છે અને કોઈક બહેનો મળે તો કહે કે નરેન્દ્રભાઈ, આનું કંઈક કરવું પડે હોં..! કારણકે જૂઠાણું એટલું બધું ચાલ્યું છે કે કોઈને પણ એમ થાય..! મેં સરકારમાં હિસાબ કઢાવ્યો તો ઝીરોથી ચૌદ વર્ષની ઉંમરનાં, જે નાનાં નાનાં બાળકો કહેવાય, જે લોકો ગુમ થયા હોય, ગયા પાંચ વર્ષમાં એવાં જે બાળકો ગુમ થયાં એમાંથી 90% બાળકો ઘરે પાછા લાવી દેવામાં આવ્યાં છે, પરંતુ એની કોઈ ચર્ચા નથી કરતું. 90% બાળકો..! અને પાંચ વર્ષનો જો હિસાબ લગાવું તો અઠવાડિયે એક કે બે બાળકો આખા ગુજરાતમાંથી ગુમ થયાનો રિપોર્ટ આવે છે. પાંચ વર્ષના માંડ 400-500 બાળકો એવાં..! એ પણ અન્ય રાજ્યોમાં જો માહિતી તત્કાલ મળે એવી વ્યવસ્થા થાય, ભારત સરકાર આની ચિંતા કરે તો આ 400-500 જે નથી મળ્યાં, એ પણ મળી શકે. પરંતુ 10,000 ને 8000 ને 15,000 ને મન ફાવે એમ બોલ્યા કરે છે અને પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરે છે. મારે મીડિયાના મિત્રોને પણ વિનંતી છે, કોઈ ભાજપનો વિરોધ કરે, અમારો વિરોધ કરે, અમારી સરકારનો વિરોધ કરે તો લોકશાહીમાં એનો પૂરો અધિકાર છે અને કરવું જોઇએ. પણ જૂઠાણા ફેલાવનારાઓને મદદ કરીને ગુજરાતની માતાઓ-બહેનોની લાગણીને ઠેસ પહોંચાડે એ પ્રકારનું પાપ આપણે ન કરવું જોઇએ, એવી મારી આગ્રહપૂર્વક વિનંતી છે. અને ચૌદ વર્ષથી નાની ઉંમરના ભૂલકાં, એની બાબતમાં આપણે બધા જ સચેત રહીએ. માત્ર મા-બાપ નહીં, સમાજ તરીકે, સરકાર તરીકે, મીડિયા તરીકે, સૌની જવાબદારી છે અને એને આપણે નિભાવીએ. અને આજે ગર્વથી એમ કહી શકું છું કે સમગ્ર દેશમાં બાળકોની, મહિલાઓની સુરક્ષામાં ઉત્તમ કોઈ જગ્યા હોય તો એ ગુજરાત છે. આ જૂઠાણાઓની સામે જાગૃત થવાની જરૂરિયાત છે, અપપ્રચારની સામે જાગૃત થવાની જરૂરિયાત છે અને આજના રક્ષાબંધન પર્વે સમગ્ર ગુજરાતની માતાઓ-બહેનોને, દેશભરની માતાઓ-બહેનોને, વિશ્વની માતૃશક્તિને આપણે અનેક અનેક શુભકામનાઓ પાઠવીએ છીએ..!