મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની સ્વર્ણિમ જ્યંતીની ઉજવણીને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મયોગીઓને છઠ્ઠા પગારપંચના અમલના નિર્ણય અનુસાર ચૂકવવાપાત્ર પગાર ભથ્થા તફાવતના બીજા હપ્તાની રકમ ર્મે-ર૦૧૦માં રોકડમાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચનો લાભ કર્મયોગીઓને તા.૧ જાન્યુઆરી-ર૦૦૬થી આપવાના અગાઉ કરેલા નિર્ણય અનુસાર 1 જાન્યુઆરી-ર૦૦૬ થી ૩૧ માર્ચ-ર૦૦૯ સુધી પગાર અને મોંધવારી ભથ્થાની તફાવતની રકમ દરવર્ષે ર૦ ટકા લેખે પાંચ હપ્તામાં કર્મયોગીઓને સામાન્ય ભવિષ્ય નિધિમાં જમા કરવાની રહેતી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીના અવસરે કર્મયોગી કલ્યાણ અંગે લીધેલા નિર્ણયથી હવે આ તફાવતની બીજા હપ્તાની રકમ ભવિષ્ય નિધિમાં જમા નહિં કરતા મે-ર૦૧૦માં રોકડમાં ચૂકવવામાં આવશે.
રાજ્ય સેવાના ૪,૯૧,૦૦૦ કર્મયોગીઓ અને ૩,રપ,૦૦૦ પેન્શનર્સ મળી કુલ ૮,૧૬,૦૦૦ વર્તમાન અને નિવૃત્ત કર્મયોગીઓને આ મહત્વાકાંક્ષી નિર્ણયનો લાભ મળશે. રાજ્ય સરકાર સમગ્રતયા રૂા.૧૩૭૬.૭૭ કરોડના લાભ કર્મયોગીઓને આ નિર્ણયથી રોકડમાં આપશે.