મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્ણાટકમાં ભાજપાના ચૂંટણી અભિયાનનો આજે પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે યુપીએના રાજમાં સૌથી વધુ ગરિમા નારીશકિતની ઝંખવાઇ છે. કોંગ્રેસમાં એક નારી સર્વેસર્વા હોવા છતાં કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતે બળાત્કાર જેવા નરાધમ ગૂનો કરનારાની પોલીસ ધરપકડ પણ કરી શકે નહીં તેવા નારીગૌરવ ખંડિત કરનારા સુધારા કર્યા છે. દેશની માતૃશકિતનું આ અપમાન છે અને નારીશકિત લોકશાહી માર્ગે કોંગ્રેસને પાઠ ભણાવશે.

રાષ્ટ્રવ્યાપી ચૂંટણી ઝૂંબેશના સતત છઠ્ઠા દિવસે કર્ણાટકમાં દિવસ દરમિયાન અડધો ડઝન જેટલી જનસભાઓમાં ભાજપાના શાસનમાં જે દેશનું ભવિષ્ય સુરક્ષિત રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે એકબાજુ મોંધવારીના લીધે કરોડો ગૃહિણીઓ પરિવારને પેટ પુરતું ખાવાનું આપી શકતી નથી અને બીજી બાજુ કોંગ્રેસના અધ્યક્ષસ્થાને નારીશકિત હોવા છતાં દિલ્હીની કોંગ્રેસી સલ્તનતના નાક નીચે મહિલા ગૌરવ ખંડિત થાય છે છતાં નરાધમોને પકડવા માટેના કાનૂનને જ છટકબારી અપાય છે. દેશની નારીશકિતએ આ માટે કોંગ્રેસનો જવાબ માંગવો જોઇએ.

મુખ્યમંત્રીશ્રીએ ભારત ઉપર આર્થિક સંકટ, બેકારી અને ગરીબી વકરવા દેવા માટે કોંગ્રેસના સત્તાસુખના કારસ્તાનો ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું કે કોંગ્રેસીઓને પૂછો કે પાંચ વર્ષમાં જનહિતના પાંચ કામો તો ગણી બતાવો?

કિતુરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશમાં જ્યાં જ્યાં ભાજપાની સરકારો છે તેવા ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને કર્ણાટકમાં વિકાસ આધારિત રાજનીતિએ ચમત્કારો સર્જ્યા છે અને જનતા જનાર્દનને સુખચૈનથી જીવવાના અવસર પ્રાપ્ત થયા છે. ગુજરાત જો વૈશ્વિક મંદીના માહૌલમાં રપ લાખ યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી કરી શકતું હોય તો કેન્દ્રની કોંગ્રેસી સલ્તનતના નાણાં પ્રધાન સવા કરોડ યુવાનો બેકાર બની ગયા તેવી કબૂલાત કરતા શરમાતા પણ નથી?

ભારતનો વિકાસ અને સામાન્ય માનવીના સુખશાંતિનું વાતાવરણ સર્જવા તેમણે શ્રી લાલકૃષ્ણ અડવાણીના હાથમાં સુકાન સોંપવા અને એનડીએની સરકાર ઉપર ભરોસો મૂકવા મતદારોને પ્રભાવક અપીલ કરી હતી.