હું સુરત શહેરના સૌ મિત્રોને અભિનંદન આપું છું કે સુરત શહેર અને સરકાર બંનેએ સાથે મળીને આ યોજનાને પાર પાડી છે. અત્યાર સુધી દુનિયામાં ત્રણ ‘પી’ ની ચર્ચા થાય છે - પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પરંતુ સુરતે ચાર ‘પી’ નું ઉદાહરણ આપ્યું છે - પીપલ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. આનો જે લાભાર્થી વર્ગ છે એ સમગ્ર યોજનાનો જ્યારે ભાગીદાર બને ત્યારે એ કેટલી મોટી તાકાત બની જાય છે એ આવનારા દિવસોમાં આ પ્રોજેક્ટથી સુરત અનુભવશે અને આ સમગ્ર બાબત જનભાગીદારીના ઉત્તમ ઉદાહરણથી પુરવાર થઈ છે. મિત્રો, ટેક્નોલૉજી ખૂબ ઝડપથી બદલાઈ રહી છે અને આપણે જેટલા ઝડપથી ટેક્નોલૉજીના સદુપયોગ માટે આગળ વધીએ, એના કરતાં વધારે ઝડપથી એનો દુરુપયોગ કરનારાઓ આગળ વધતા હોય છે અને તેથી કોઈપણ ટેક્નોલૉજી સાથે માનવીય શક્તિની ક્ષમતા અને એની કુશળતા, એ બંનેને જેટલી સરસ રીતે જોડી શકાય એટલું ઉત્તમ પરિણામ મળતું હોય છે. મિત્રો, જે લોકો એકએક ઘટનાને જુએ તો એને એમ લાગે કે વાહ! ચાલો આ થઈ ગયું..! પણ બહુ ઓછા લોકોને ખબર પડે છે કે આ વિકાસની યાત્રામાં આ એકલ-દોકલ ઘટના નથી હોતી. આપણે ઉત્તરોત્તર, મને ખબર હોય છે કે દસમું પગલું કયું છે, મને ખબર હોય છે કે પંદરમું કદમ કયું લેવાનું છે, પણ સામાન્ય નાગરિક તો પહેલા કદમમાં જ એમ માને કે લો, ઠીક થઈ ગયું. એને અંદાજ નથી હોતો કે બીજું શું આવવાનું છે, ત્રીજું શું આવવાનું છે... અને એના કારણે એના સમગ્ર ચિત્રને ઘણીવાર સામાન્ય માનવી સમજી નથી શકતો. જે દિવસે મેં જનભાગીદારીથી પોલીસ મથકો આધુનિક બનાવવાની વાત મૂકી હતી ત્યારે કેટલાક લોકોને એમ થયું હશે કે આ બધા સાહેબોને સરખી રીતે બેસવા મળે એટલે કદાચ કંઈક ચાલે છે. પણ આજે જુએ તો એને ખબર પડશે કે પોલીસ મથકનું બાંધકામ વગેરે પણ આજના સમયને અનુકૂળ હોય તો જ ભાવિ વ્યવસ્થાઓ એમાં વિકસાવી શકાય છે એનું આ ઉદાહરણ છે. નહીં તો 8 x 8 ની પોલીસ ચોકી હોત તો એમાં આ બધી યોજના ન મૂકી શકાય.
મિત્રો, ઘણીવાર ચોવીસ કલાક વીજળી હવે આપણને એવી કોઠે પડી ગઈ છે કે કોઈકવાર વીજળી જાય ત્યારે ખબર પડે કે ઓહો, વીજળી ગઈ! આમ સહજ આપણને જેમ શ્વાસોશ્વાસ બંધ ન થાય ત્યાં સુધી શ્વાસનું શું મૂલ્ય છે ખબર નથી પડતી, એમ ચોવીસ કલાક વીજળીથી આપણે એવા ટેવાઈ ગયા છીએ. પણ જો ગુજરાતમાં આપણે આજથી સાત-આઠ વર્ષ પૂર્વે 24 અવર્સ, 3 ફેઝ, અનઇન્ટરપ્ટેડ પાવરને પ્રાથમિકતા ન આપી હોત તો આજે આ યોજના સાકાર ન કરી શક્યા હોત. તમને આશ્ચર્ય થશે, એકવાર અમારી મીટિંગ હતી જેમાં પ્રધાનમંત્રી હતા, ચીફ જસ્ટિસ હતા, સુપ્રીમ કોર્ટના બધા જજીસ હતા, મુખ્યમંત્રીઓ હતા, હાઈકોર્ટ જજ હતા અને જ્યુડિશિયરીના કામ અંગેની એક આખા દેશની મીટિંગ હતી. એમાં એક રાજ્યના હાઈકોર્ટ જજે જે રિપોર્ટીંગ કર્યું હતું, એ રિપોર્ટીંગ બહુ ચિંતા કરાવે એવું હતું. જ્યારે ડાયસ પરથી પૂછવામાં આવ્યું કે ભાઈ, તમારે ત્યાં કોર્ટ-કચેરીમાં આટલા બધા કેસ પેન્ડિંગ કેમ છે, તો એનો જે એમણે જવાબ આપ્યો તેમાં એમણે એમ કહ્યું કે સાહેબ, અમારે ત્યાં અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ વીજળી આવે છે અને એ પણ બે કે ત્રણ કલાક આવે છે. અને અમારી કોર્ટના મકાનો એવા અંધારિયાં છે કે અમે માંડ એ બે-ત્રણ કલાક વીજળી આવે ત્યારે જ કોર્ટ-કચેરીનું કામ કરી શકીએ છીએ. આપ વિચાર કરો, એક નાનકડી અવ્યવસ્થાથી કેટલાં મોટાં પરિણામો આવતાં હશે? ભાઈઓ-બહેનો, ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો હશે તો વીજળીની વ્યવસ્થા એ એની પ્રાથમિક જરૂરિયાત હોય છે. આજે મિત્રો, ગુજરાત આ દેશનું પહેલું રાજ્ય છે જેણે બધાં જ ગામોમાં બ્રોડબૅન્ડ કનેક્ટિવિટી કરી છે અને આ બ્રોડબૅન્ડ કનેક્ટિવિટીને કારણે આજે સુરત અહીંયાં જે પ્રોજેક્ટનો લાભ લેવા જઈ રહ્યું છે એવું આયોજન ગુજરાતના ખૂણે ખૂણે કરવું હોય તો પણ સહજતાથી ગોઠવી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઊભું કરી દીધું છે. ઑપ્ટિકલ ફાઇબર નેટવર્કને કારણે આ બધા જ લાભો આપણે લઈ શકીએ છીએ. આવનારા દિવસોમાં સેટેલાઇટની સેવાના ઉપયોગથી પણ જનસામાન્યની આવશ્યકતાઓની પૂર્તિ માટે ટેક્નોલૉજીનો કેવો ઉપયોગ થઈ શકે એમાં ગુજરાત ખૂબ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. મિત્રો, ટેક્નોલૉજીનો હમણાં જે સુરતે પ્રયોગ કર્યો છે, આવનારા દિવસોમાં જે ઝડપથી ટેક્નોલૉજી બદલાવાની છે, દા.ત. ‘4G’ હવે આવવાનું છે અને ખૂબ નજીકના ભવિષ્યમાં ‘4G’ આ દેશમાં હાથવગું થવાનું છે. અને એના નેટવર્કની રચના એવી છે કે એમાં આવા ટાવર નથી, થાંભલાઓ દ્વારા એનું નેટવર્ક થવાનું છે, જેમ વીજળીના થાંભલાઓ હોય છે એની જોડે. મિત્રો, આ ‘4G’ ટેક્નોલૉજીની એટલી બધી તાકાત છે કે આપણે જે સુરતમાં સિક્યુરિટી માટેનું આજે જે નેટવર્ક ઊભું કર્યું છે એ કામ ‘4G’ થી આનાથી પણ વધારે બારીકાઈથી, કોઈ ગલી-મહોલ્લો બાકી ના રહે, કોઈ સોસાયટી બાકી ના રહે, કોઈ ચાલી બાકી ના રહે, એટલી બારીકાઈથી નિરીક્ષણ કરવા માટેનું નેટવર્ક પૂરું પાડે એવી સંભાવનાઓ પડી છે. પણ જ્યાં સુધી ‘4G’ આવે ત્યાં સુધી સુરતની આ પહેલ સમગ્ર દેશને માટે એક દિશા-દર્શક બને છે કે આ પ્રકારનું સર્વેલન્સ માટેનું કામ આધુનિક ટેક્નોલૉજીના માધ્યમથી અને ઓછામાં ઓછા મેનપાવરથી કેવી રીતે કરી શકાય.
મિત્રો, જેમ ગુજરાતે માળખાકિય સુવિધાનો વિચાર કર્યો એની સાથે સાથે હ્યુમન રિસોર્સ ડેવલપમૅન્ટનો પણ વિચાર કર્યો. મિત્રો, આજે બે બાબત માટે આપણે ગર્વથી કહી શકીએ એમ છીએ કે આખા હિંદુસ્તાનમાં દરેક રાજ્યોનાં જે પોલીસ બેડા છે, એ આખા હિંદુસ્તાનના રાજ્યોના પોલીસ બેડામાં સૌથી ઓછી ઉંમરનો પોલીસ બેડો ક્યાંય હોય, પોલીસ બેડાના માણસોની ઍવરેજ ઉંમર ઓછામાં ઓછી હોય, એક અર્થમાં સૌથી યુવાન પોલીસ બેડો ક્યાંય હોય તો એ ગુજરાતમાં છે. કારણ, ગયા થોડા વર્ષોમાં હજારોની સંખ્યામાં આપણે પોલીસ બેડામાં નવી ભરતી કરી છે અને બધા જ 22-25 વર્ષની ઉંમરના જુવાનિયાઓની ભરતી કરી છે. બીજી બાબત, ગુજરાતે એક ઇનિશ્યેટિવ એવો લીધો છે કે હવે પોલીસ બેડામાં જેમની ભરતી થાય એ કૉન્સ્ટેબલ હોય કે પી.એસ.આઈ.ની ભરતી હોય, મલ્ટિડિસિપ્લિન સાથે એણે આવવું પડશે. નહીં તો પહેલા શું હતું કે પોલીસવાળો હોય, પણ એને ડ્રાઇવિંગ ના આવડતું હોય, એટલે પછી ડ્રાઇવર ના આવે ત્યાં સુધી ગાડી ઊભી રહે અને ઘટના બની જાય. હવે આપણે આગ્રહ કર્યો કે ભાઈ, તમારે પોલીસમાં ભરતી થવું છે તો ડ્રાઇવિંગ શીખીને આવો, સ્વિમિંગ શીખીને આવો. નોટ ઓન્લી ધેટ, મિત્રો, ગુજરાતનો પોલીસ બેડો આખા દેશમાં એક જ એવો છે કે જેમાં જે નવી ભરતી કરી છે આ બધી નવી ભરતીને કોમ્પ્યુટર, આઈ.ટી. નું નૉલેજ હોય તો જ ઍડમિશન મળ્યું છે અને એના કારણે આજે ગુજરાત સરકારની અંદર બીજા કોઈપણ ડિપાર્ટમેન્ટો કરતાં પણ સૌથી વધારે ટેકનો-સૅવિ સ્ટાફ ક્યાંય હોય તો એ પોલીસ બેડામાં છે. આ જે ટેક્નોલૉજી આપણે લાવ્યા છીએ એનો લાભ સામાન્યમાં સામાન્ય કૉન્સ્ટેબલ પણ કરી શકવાનો છે. કૉન્સ્ટેબલ પણ એના આધારે કેમ આગળ વધવું એની સમજ સાથે શીખી શકવાનો છે. તો મિત્રો, દરેક ચીજની આગોતરી વ્યવસ્થા કરી છે અને આગોતરી વ્યવસ્થા એક પછી એક ધીરે ધીરે અનફોલ્ડ થતી જાય છે, સમાજને પણ લાગે કે ચલો ભાઈ, એક નવું થયું. પણ આ નવું એકલ-દોકલ નથી. એના પહેલાં અનેક ચીજોના નિર્ણય વડે એની ટ્રેનિંગ, એની વ્યવસ્થા, એની માળખાકિય સુવિધાઓ, એની એક આખી સિક્વન્સ છે અને આ સિક્વન્સનું પરિણામ છે કે આજે આપણે અત્યારે અહીંયાં પહોંચ્યા છીએ. ભાઈઓ-બહેનો, મને વિશ્વાસ છે કે ક્રાઇમ ડિટેક્શનમાં આ વ્યવસ્થા ખૂબ મોટા કામમાં આવશે.
હમણાં હું જ્યારે મારી સમક્ષ પ્રેઝન્ટેશન થતું હતું ત્યારે જોતો હતો કે એમાં એમને જે કાંઈ કામ સોંપ્યું હતું એનું બધું રિપોર્ટીંગ કરતા હતા. પણ હું એમાંથી અન્ય નવાં કામ કરી શકું બેઠો બેઠો, દાસ પણ કરી શકે. દા.ત. કયો રોડ છે જ્યાં કચરો સાફ નથી થયો, એ આનાથી ખબર પડે. સવારના છ વાગે એકવાર ચેક કરવા માંડે કે ભાઈ, ડ્યૂટી પર બધા સાફસફાઈ કરવાવાળા આવ્યા છે કે નથી આવ્યા, તમે આપોઆપ એની માહિતી લઈ શકો. મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં વિહિકલ્સ અત્યારે ક્યાં ફરી રહ્યાં છે, એ તમે તમારી આ જ વ્યવસ્થાથી કરી શકો. એક જ નેટવર્ક દ્વારા મ્યુનિસિપલ કૉર્પોરેશન પણ એનો એટલો જ સદુપયોગ કરી શકે. એના માટેની એક ટીમ બેસાડવી જોઈએ. આ જ વ્યવસ્થાનો બીજો ઉપયોગ કેવી રીતે થઈ શકે એનું આયોજન કરવું જોઇએ અને એનો લાભ પણ લેવો જોઇએ અને એનું રિપોર્ટીંગ પણ લેવું જોઇએ. મિત્રો, ટેક્નોલૉજીના ખૂબ ઉપયોગ થઈ શકતા હોય છે. મને સ્વભાવે ટેક્નોલૉજી પ્રત્યે આકર્ષણ હોવાના કારણે હું હંમેશા જોઈ શકતો હોઉં છું કે આ બધી ચીજોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.
જે સૌ વ્યાપારી જગતના મિત્રોએ સુરક્ષાના કામની અંદર સક્રિય ભાગીદારી બતાવી છે એ બધા જ મિત્રોને અભિનંદન આપું છું. સુરતના પોલીસ બેડાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એક મહત્વપૂર્ણ કામ એમણે પ્રોફેશનલી, દુનિયાની ઉત્તમમાં ઉત્તમ સુવિધા ઉપલબ્ધ હોય એમને જોડીને કર્યું છે અને મને વિશ્વાસ છે મિત્રો, આ વ્યવસ્થા જોયા પછી ગુજરાતનાં પણ અન્ય શહેરો અને દેશનાં પણ અન્ય શહેરો આની તરફ આકર્ષાશે. મિત્રો, તમે જોયું હશે કે દિલ્હીમાં રોજ આ બધી બાબતો માટે પી.આઈ.એલ. થાય છે કે દિલ્હીના સામાન્ય માનવીને સુરક્ષા મળે એના માટે આ થવું જોઇએ, પેલું થવું જોઇએ, કોર્ટ-કચેરીમાં જવું પડે છે. આપણી મથામણ છે કે કોર્ટ-કચેરીનો આશરો લેતા પહેલાં જ કેમ બધું સારું કરી શકીએ, કેમ ઉત્તમ સેવાઓ આપી શકીએ અને સામાન્યમાં સામાન્ય માનવીની અંદર એક વિશ્વાસ પેદા કરી શકાય એના માટે થઈને આપણે વિચાર કરીએ. મિત્રો, અહીંયાં જ્યુડિશિયરી સાથે જોડાએલા જે મિત્રો છે, અલગ અલગ કોર્ટમાં બેઠેલા ખાસ કરીને જજીસ મિત્રો, એમને આ પ્રોજેક્ટ એકાદવાર બતાવવો જોઇએ, જેથી કરીને ભવિષ્યમાં કોર્ટ-કચેરીનો મામલો બને તો આ પ્રોજેક્ટ એમણે જોયો હશે તો ઍવિડન્સ તરીકે આ ચીજો એમને કેવી રીતે કામમાં આવે એમાં એમને વિશ્વાસ બેસશે, તો ન્યાય મેળવવામાં પણ એ કામમાં આવશે. એ જ રીતે, વારાફરતી વકીલ મિત્રોને પણ પ્રેઝન્ટેશન આપવું જોઇએ જેથી કરીને વકીલ મિત્રોને પણ ધ્યાનમાં આવશે કે આ ટેક્નોલૉજીના કારણે મળેલી માહિતીના આધારે એ પોતાના કેસ લડવા માટે આ ફૂટેજનો ઉપયોગ કરી શકે. મિત્રો, અનેક ચીજોમાં સરળતા લાવવા માટે આ બધી બાબતોનો ઉપયોગ છે અને સમાજના સૌને ઉપયોગી થાય એ દિશામાં આપણે કામ કરવા માગીએ છીએ.
મિત્રો, આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ..!
ધન્યવાદ..!