ગાંધીનગર, શુક્રવારઃ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારના નિર્મળ ગ્રામ પુરસ્કાર આજે ગુજરાતની ૩૫૦ ગ્રામ પંચાયતોને એનાયત કરતા, સ્વર્ણિમ જયંતી વર્ષમાં, ગુજરાતના ૧૮૦૦૦ ગામોમાં નિર્મળ ગ્રામ બનાવવા માટે સ્વચ્છતાની તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ જગાવવા આહવાન કર્યું હતું. એક નિર્મળ ગ્રામ બીજા ગામને નિર્મળ ગ્રામ બનાવવાનું પ્રેરક કર્તવ્ય ઉપાડે તેવું સૂચન કર્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ સ્વચ્છતા માટેનો પર્યાવરણ મંત્ર આપ્યો હતો, ‘‘હું ગંદકી કરીશ નહીં, ગંદકી થવા દઇશ નહીં'' - ગામની એકેએક વ્યક્તિ આ કર્તવ્યનું પાલન કરે સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન અન્વયે ભારત સરકાર પુરસ્કૃત નિર્મળ ગ્રામ યોજના અન્વયે સને ૨૦૦૯ના વર્ષમાં ગુજરાતની ૩૫૦ ગ્રામ પંચાયતોએ નિર્મળ ગ્રામ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આજે ગાંધીનગરમાં યોજાયેલાં સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ નિર્મળ ગ્રામ પુરસ્કાર વિજેતા ગ્રામ પંચાયતોના સરપંચોને પુરસ્કાર પ્રદાન કરી ગૌરવ સન્માન કર્યું હતું. જેમાં ૧૦૫ મહિલા સરપંચોને પણ સન્માનિત કરવામાં આવી હતી. રાજ્યની એકંદર ૧૬૭૦ ગ્રામ પંચાયતોએ નિર્મળ ગ્રામ પુરસ્કાર જીત્યા છે.

ઇ-ગ્રામ કનેક્ટીવીટીથી આ ગૌરવ સન્માન સમારોહનું પ્રસારણ ઝીલી રહેલી ૧૩૬૯૩ ગ્રામ પંચાયતોમાં ઉપસ્થિત ગ્રામજનો અને સરપંચોને પ્રેરક આહવાન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નિર્મળ ગ્રામ રાખવું એ કઠીન કામ જરૂર છે પરંતુ જાગૃત નેતૃત્વ અને ગ્રામ શક્તિની સક્રિયતાથી આ કામ પાર પાડવું અઘરૂ નથી તે નિર્મળ ગ્રામ બનનારી ગ્રામ પંચાયતોએ પૂરવાર કર્યું છે.

મહાત્મા ગાંધીજીને સ્વચ્છતા સવોત્તમ પ્રિય હતી અને સ્વચ્છતા રાખીને જ ગાંધી બાપુને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સ્વર્ણિમ ગુજરાત જયંતી વર્ષમાં નિર્મળ ગ્રામનું ગૌરવ મેળવવા માટે સંકલ્પબદ્ધ થવા હ્ય્દયસ્પર્શી અપીલ કરી હતી.

જાહેરમાં શૌચક્રિયા એ ગામની માતા-બહેનોને કેટલું પીડાદાયક બની રહેતું હશે એની વેદના વ્યક્ત કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, ગોકુલ ગ્રામ, સમરસ ગ્રામ, તીર્થગ્રામ, વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ, પાવનગ્રામ એમ અનેકવિધ ગ્રામ વિકાસના આયામોની સફળતા પછી જળવ્યવસ્થાપન ક્ષેત્રે પણ ગામમાં મહિલાઓની પાણી સમિતિએ કિર્તી મેળવી છે ત્યારે આ ઉત્તમ કામોની ગૌરવ કદર કરીને ગુજરાતની ગ્રામીણ નારીશક્તિના પુરૂષાર્થને સિદ્ધિ આપી છે.

આપણાં વિશ્વ પ્રતિષ્ઠા મેળવી રહેલા ગુજરાતમાં કોઇ ગામ શૌચાલયોની સંપૂર્ણ સુવિધાથી વંચિત રહે નહી અને ઉકરડાનું વૈજ્ઞાનિક સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરીને ઙ્ફકચરામાંથી કંચનઙ્દ્ય તરીકે સ્વચ્છતા સાથે આર્થિક આવકની પ્રેરક દિશા અપનાવવા તેમણે અપીલ કરી હતી. આપણું ગામ એક કુટુંબ છે અને સ્વચ્છતાના અભિયાન સાથે આવકની પ્રવૃતિને જોડવા તેમણે દષ્ટાંત સાથે સમજ આપી હતી.

ગામડાંના ગોબર બેન્કનો નવતર ખ્યાલ રજૂ કરીને ગુજરાતે પર્યાવરણનો રસ્તો દુનિયાને બતાવ્યો છે એની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગોબર બેન્ક ગામોગામ બને તો ગામ આખું સ્વચ્છ રહેશે જ. નવા જમાના પ્રમાણે ગામમાં નવી વ્યવસ્થા વિકસાવવાની જરૂર ઉપર ભાર મૂકતા તેમણે દરેક ગામમાં પશુઉછેર માટે એનીમલ હોસ્ટેલ શરૂ કરવાનું આહવાન આપ્યું હતું.

ગુજરાત વિકસિત દુનિયાની તોલે ઉભા રહેવાની બધી જ ક્ષમતા ધરાવે છે તેમાં સ્વચ્છતાના કર્તવ્યનું વાતાવરણ ઉભું કરવાની જરૂર છે એમ તેમણે જણાવ્યું હતું.

ડોક્ટર એ રોગના નિવારણની ગેરંટી નથી પરંતુ સ્વચ્છતા તો રોગ અટકાવવાની ગેરંટી છે જ એમ તેમણે જણાવ્યું હતું. દરેક વ્યક્તિ સ્વચ્છ રહેવાની ઇચ્છા રાખે છે એને સામૂહિકતાનું સ્વરૂપ આપીએ અને દરેક સરપંચ નિર્મળ ગ્રામ બનાવવાનો નિતાંત સંકલ્પ કરીને નેતૃત્વને સાર્થક બનાવે એવી અપીલ તેમણે કરી હતી.

નિર્મળ ગ્રામ માટે કોઇ નાણાંની તકલીફ નથી માત્ર સંકલ્પની જરૂર છે એમ જણાવી નિર્મળ ગ્રામ પુરસ્કૃત વિજેતા સરપંચોને અભિનંદન આપતા મુખ્ય મંત્રીશ્રીએ નિર્મળ ગ્રામના તમામ ગ્રામજનોને પણ જાગૃત કર્તવ્યભાવ માટે અભિનંદન આપ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની સુવર્ણ જયંતી વર્ષમાં દરેક યુવક યુવતી એક વર્ષ દરમિયાન સો કલાકનું સમયદાન સેવા માટે આપે એવી યુવા શક્તિને જાહેર અપીલ પણ કરી હતી.

માન. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે યોજાયેલા નિર્મળગામ-સ્વચ્છ ગામ અંગેના પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ પ્રસંગે ગ્રામવિકાસ અને શ્રમ રોજગાર રાજ્યમંત્રી શ્રી જસવંતસિંહ ભાંભોર, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પરબતભાઇ પટેલ, કમિશનર તથા અગ્રસચિવ ગ્રામ વિકાસ વિભાગ શ્રીમતી રીટા તેવટીયા તથા ગ્રામવિકાસ વિભાગના અધિકારીઓ/સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.