આવો, ખાદી ખરીદીએ
ખાદીવસ્ત્ર ખરીદીને ગરીબોના ઘરમાં દિપાવલીનો દિપ પ્રગટાવીએ
ગાંધીજયંતી સપ્તાહ૨૦૧૨ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીની નાગરિકોને પ્રેરક અપીલ
૧૪૪ મી ગાંધીજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રજાજનોને ખાદી ખરીદી માટે હ્વદયસ્પર્શી અપીલ
મુખ્યમંત્રીશ્રી ૫ણ ખાદી ખરીદી અભિયાનમાં સહભાગી બનશે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલથી શરૂ થતા ગાંધીજ્યંતી સપ્તાહ નિમિત્તે ખાદીવસ્ત્રોની વિશાળ ફલક ઉપર ખરીદી કરવા નાગરિકોને પ્રેરક અપીલ કરી છે.મહાત્મા ગાંધીજીએ ખાદી વણાટના લાખો ગરીબ કારીગરોના આર્થિક ઉત્કર્ષ માટે ખાદીવસ્ત્રોને રોજગારીનું ઉત્તમ સાધન ગણાવ્યું હતું તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તા. ર ઓકટોબર ગાંધીજ્યંતીની પૂર્વસન્ધ્યાએ, પ્રત્યેક નાગરિકપરિવાર, વ્યકિતગત કે સામૂહિક ધોરણે ખાદી ખરીદીના આ અભિયાનમાં જોડાશે એવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
ગુજરાતના ખાદીવસ્ત્રોની ખરીદીને છેલ્લા એક દશકાથી સમાજની વ્યાપક સ્વીકૃતિ મળી રહી છે એને આવકારતા તેમણે જણાવ્યું કે મહાત્મા ગાંધીને સાચી શ્રધ્ધાંજલિ આપવા ગાંધીજ્યંતીના આ સમગ્ર સપ્તાહ દરમિયાન ઓછામાં ઓછું એક ખાદીવસ્ત્ર ખરીદીએ અને મહાત્મા ગાંધીજીને પ્રિય એવા દરિદ્રનારાયણ એવા લાખો શ્રમયોગી પરિવારોના ઘરમાં દીવાળીનો આર્થિક દીવો પ્રગટાવવાનું વંચિતોના વિકાસનું અભિયાન ઉપાડીએ.
દર વર્ષે ગાંધી જ્યંતી નિમિતે ખાદીવસ્ત્રના વ્યાપક પ્રસાર માટે ખરીદી ઉપર ખાસ વળતરની ગુજરાત સરકારની યોજનાને પણ વ્યાપક પ્રતિસાદ મળતો રહયો છે અને આ વર્ષે પણ મુખ્યમંત્રીશ્રી પોતે પણ વ્યકિતગત રીતે ખાદીવસ્ત્રની જાતે ખરીદી કરવાનો પ્રેરક ઉપક્રમ જાળવી રાખશે.