પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળે દેશમાં ગ્રામીણ હાઉસિંગના પ્રોત્સાહન માટે નવી યોજનાને મંજૂરી આપી હતી. સરકાર આ યોજના હેઠળ વ્યાજમાં સહાય પૂરી પાડશે. વ્યાજમાં સહાય દરેક ગ્રામીણ કુટુંબને ઉપલબ્ધ થશે, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પીએમએવાય (જી) હેઠળ આવરી લેવામાં આવ્યાં છે.
આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને નવા ઘરોનું નિર્માણ કરવા કે તેમના હાલના પાકાં મકાનોનું સમારકામ કરી રહેણાક એકમો સુધારવા સક્ષમ બનાવશે. યોજના હેઠળ લોન લેનાર લાભાર્થીને રૂ 2 લાખ સુધીની લોન માટે વ્યાજની સહાય પૂરી પાડવામાં આવશે.
નેશનલ હાઉસિંગ બેંક યોજનાનો અમલ કરશે. સરકાર, નેશનલ હાઉસિંગ બેંકની આગોતરી રકમના 3 ટકા સુધી વ્યાજની સહાયનું વર્તમાન ચોખ્ખું મૂલ્ય પૂરું પાડશે, જે પ્રાઇમરી લેન્ડિંગ ઇન્સ્ટિટ્યૂશન્સ (શીડ્યુલ્ડ કમર્શિયલ બેંકો, એનબીએફસી વગેરે)ને પાસ કરવામાં આવશે. તેના પરિણામે લાભાર્થી માટે સમાન માસિક હપ્તો (ઇએમઆઇ) ઘટશે.
આ યોજના હેઠળ સરકાર પીએમએવાય-જી સાથે યોગ્ય કન્વર્જન્સ માટે જરૂરી પગલાં પણ લેશે, જેમાં વર્તમાન વ્યવસ્થાઓ મારફતે લાભાર્થીને ટેકનિકલ સપોર્ટ સામેલ છે. નવી યોજના ગ્રામીણ વિસ્તારોમાં મકાનનો પુરવઠો વધારશે તેમજ ગ્રામીણ મકાન ક્ષેત્રમાં રોજગારીની તકનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.